Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝટૉસિસ કો ટૉસ કરો!

29 November, 2023 08:30 AM IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

ઝીનત અમાન ૪૦ વર્ષથી જે રોગથી હેરાન થાય છે એ ટૉસિસની સમસ્યા શું છે?

ઝીનત અમાન હેલ્થ ઇઝ વેલ્થ

ઝીનત અમાન


આંખોની સુંદરતામાં વધારો કરતી પાંપણ જ્યારે ઊંચી થવાનું નામ ન લે ત્યારે આંખ હોવા છતાં પણ આંધળા હોવાની અનુભૂતિ આપતી ટૉસિસ નામની ડિફેક્ટ અનેક લોકોને વર્ષો સુધી તકલીફમાં ગરકાવ કરે છે. આમાં ક્યારેક બંને આંખો તો ક્યારેક કોઈ એક આંખની પાંપણના સ્નાયુઓ એટલા નબળા પડી જાય છે કે આંખ વારેઘડીએ એની મેળે જ બંધ થઈ જાય છે

સિત્તેરના દાયકામાં મિસ ઇન્ડિયા અને મિસ એશિયા પૅસિફિકનો ખિતાબ જીતનાર અને પોતાના બોલ્ડ અભિનયથી સૌનું દિલ જીતનાર ઝીનત અમાનનો સુંદર ચહેરો ભાગ્યે જ કોઈ ભૂલી શકે એમ છે. એક સમય પછી પબ્લિક પ્લૅટફૉર્મથી ગાયબ થઈ ગયા બાદ હમણાં-હમણાં તેમણે પબ્લિક વચ્ચે દેખા દેવાનું શરૂ કર્યું છે ત્યારે સૌએ નોટિસ કર્યું જ હશે કે આજે પણ એટલાં જ ખૂબસૂરત લાગતાં ઝીનતની એક આંખ થોડી નાની લાગે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં તેમણે આ વાતને ઍડ્મિટ કરતાં કહ્યું કે એક હાદસાએ તેમનું જીવન બદલી નાખ્યું હતું અને ત્યારથી તેમને ‘ટૉસિસ’ નામની આંખની પાંપણની બીમારી રોજ તકલીફ આપી રહી હતી. આ જ વર્ષે ઝીનતે સર્જરી કરાવીને છેલ્લાં ચાલીસ વર્ષની આ તકલીફથી છુટકારો મેળવી ગ્લેમરની દુનિયામાં ફરી એક વાર એ જ કૉન્ફિડન્સ સાથે રીએન્ટર થવાની સજ્જતા પછી મેળવી છે. આવો જાણીએ, એવું શું થાય છે આ ટૉસિસમાં જે વિઝન બ્લૉક કરવાથી લઈને આત્મવિશ્વાસની ધજ્જિયાં ઉડાવી દે એ રીતે ચહેરાનો દેખાવ સુધ્ધાં બગાડી દે છે.ટૉસિસ અને એના પ્રકારો 


ટૉસિસ એક એવી બીમારી છે જેમાં આંખની પાંપણને ઊંચી-નીચી થવામાં મદદ કરતા સ્નાયુઓ નબળા પડી જાય છે અથવા શરૂઆતથી જ નબળા હોય છે. આ વિશે વિગતવાર વાત કરતાં દીપ્તિ આઇ કૅર સેન્ટરનાં ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. દીપ્તિ પીંપળે પીઠવા કહે છે, ‘ટૉસિસ અથવા ડ્રૂપિંગ આઇઝ થવાનું મુખ્ય કારણ આંખના અપરલિડ મસલ્સનું નબળા પડવું છે. આ બીમારી નવજાત શિશુથી લઈને ઉંમરલાયક વૃદ્ધો સુધીના કોઈને પણ થઈ શકે છે. જ્યારે જન્મથી જ બાળકોમાં આવી તકલીફ હોય છે ત્યારે એમના આ મસલ્સ અન્ડર ડેવલપ્ડ રહે છે. બાળકોમાં થતા ટૉસિસને કન્જેનિટલ ટૉસિસ કહે છે. આની કોઈ સારવાર પણ હોય એવી અવેરનેસ લોકોમાં બહુ જ ઓછી છે. એનાં બે કારણો છે. એક તો જે લોકો ખાસ અવેર નથી એ લોકો આને ‘આગળ જતાં એની મેળે જ ઠીક થઈ જશે’ એમ માની ખેંચ્યા કરે છે. એ લોકો ત્યારે જાગે છે જ્યારે બાળકનું વિઝન બ્લૉક થઈ જાય છે. મોટા ભાગે આવાં કારણોસર જ ૧૨થી ૧૪ વર્ષની ઉંમરનાં બાળકોને જ્યારે જોવામાં તકલીફ પડવા લાગે છે ત્યારે એમની તાત્કાલિક સારવાર શરૂ કરવી પડે છે. મોટી ઉંમરના લોકોમાં એજિંગને લીધે થતા ટૉસિસને સેનાઇલ ટૉસિસ કહે છે. ઉંમર વધવાને લીધે ફેશ્યલ મસલ્સ અને આઇના મસલ્સ પણ ઢીલા પડતા જાય છે. આંખોના અપરલિડ મસલ્સ નબળા પડવાને લીધે આ થાય છે. ટૉસિસ થવાનાં બીજાં કારણોમાં આંખોની આસપાસ થતી ઇન્જરી કે ટ્રૉમા છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન જેની સારવાર લે છે એ માયસ્થેનિયા ગ્રાવિસ જેવા માઇલ્ડ ન્યુરોમસ્ક્યુલર ડિસીઝ પણ છે જેમાં ઍન્ટિબૉડીના અટૅકને લીધે આખા બૉડીના સ્નાયુઓ નબળા પડી જાય છે. એના લીધે આંખના સ્નાયુઓ પર અસર થતાં ટૉસિસની સંભાવના વધે છે. આ પ્રકારના ટૉસિસને દવાઓથી નિવારી શકાય છે. એની દવાઓ ચાલુ જ રાખવાની હોય છે. જ્યારે બાકી બધા પ્રકારના ટૉસિસમાં એના લેવલ જો ઇન્ટરમીડિયેટ અને સિવિયર સ્ટેટમાં હોય તો સર્જરી અનિવાર્ય બની જાય છે. એમાં દૃષ્ટિ નબળી પડવી અથવા વિઝન બ્લૉક થવું જેવી મુખ્ય સમસ્યાઓ સાથે ફેસના કૉસ્મેટિક ચેન્જ જેવાં કારણો પણ હોય છે. ડ્રૂપિંગ આઇઝ કે ટૉસિસ કાયમ રહી શકે અથવા પ્રોગ્રેસિવ હોય તો સમયાંતરે વકરી શકે. આ ઉપરાંત ટૉસિસ આવે અને જાય એવું પણ બની શકે. માઇલ્ડ ટૉસિસમાં સ્નાયુઓ એટલા નબળા નથી હોતા અથવા પ્રાઇમરી લેવલે જ તકલીફ હોય છે. જૂજ કેસમાં એ એમનેમ ઠીક થાય છે, જ્યારે મોટા ભાગે એની સારવાર દવાઓથી થાય છે. દવાઓ ચાલુ રહે એને તકલીફ વધતી નથી.’

સર્જરીમાં શું થાય?


આ સમસ્યાનું કાયમી નિવારણ સર્જરી જ છે. એ સર્જરી કઈ રીતે થાય એ વિશે ડૉ. દીપ્તિ કહે છે, ‘ટૉસિસની સર્જરી બે પ્રકારે થાય છે. એક તો અપર લિડની ઉપર તરફ કટ મૂકીને એ મસલને એ રીતે ટાઇટ કરવામાં આવે કે ટાંકા (સૂચર) સ્કિન ફોલ્ડની અંદર હાઇડ થઈ જાય. બીજું, અપર લિડના અંદર તરફના ભાગમાં કટ મૂકીને ત્યાં ટાંકા લેવામાં આવે. બાળકોમાં થતી સર્જરીમાં સિલિકોન સ્લિંગ વાપરવામાં આવે છે, જે મસલ્સને થોડા પુલ કરે છે. નાની ઉંમરનાં બાળકોમાં એજ વધતાં સ્લિંગ થોડું ઢીલું પડે છે એટલે થોડા–થોડા સમયે એને રીસર્જરી કરીને લૂઝ પડેલા સ્લિંગને ફિક્સ કરવામાં આવે છે. સ્લિંગવાળી સર્જરી બાદ આઇ મૂવમેન્ટ વધુ થઈ શકતી નથી એટલે થોડો સમય બધું અજુગતું લાગે પછી બધું લેવલમાં આવી જાય છે. ઘણી વાર સૂતી વખતે આંખો પૂરી બંધ નથી થતી. આઇ ડ્રૉપ્સ અને ઑઇન્ટમેન્ટ્સની મદદથી સૂવામાં મદદ મળે છે. મોટી ઉંમરના લોકો જનરલી વિઝન બંધ નથી થતું ત્યાં સુધી સર્જરી અવૉઇડ કરે છે પણ આ જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે કે જરૂર હોય ત્યારે સર્જરી જ ઉત્તમ માર્ગ છે. આગળ જતાં વિઝન પર અસર થાય એ કરતાં આ સારો ઉપાય છે. આની સર્જરી સેફ હોય છે અને કોઈ પ્રૉબ્લેમ થાય કે કશોક કૉસ્મેટિક ચેન્જ લાગે તો રીસર્જરી પણ આસાન હોય છે.’

ટૉસિસથી બચવા આંખોની કાળજી કઈ રીતે રાખવી?

ટૉસિસ કોઈને પણ થઈ શકે છે. એ ન થવાથી બચી નથી શકાતું પણ આંખોના મસલ્સ નબળા ન પડે એ માટે એની કાળજી ચોક્કસ રાખી શકાય છે. આઇ મસલ્સ ખૂબ જ નાજુક હોય છે. હમણાં દરેકનો સ્ક્રીનનો યુઝેજ વધ્યો છે ત્યારે આંખો ડ્રાય થવી સામાન્ય બનતું જાય છે. કોઈ ઍલર્જીને લીધે અથવા ડ્રાય થવાને લીધે આંખોને ચોળવાથી આંખના મસલ્સ પર એની અસર થાય છે. આંખોને ચોળવાની આદત આંખના મસલ્સને વીક કરે છે એટલે આ આદત અવૉઇડ કરવી. ક્યારેક ખૂબ જ ઇરિટેટ થાય તો પણ આંખો એકદમ જેન્ટલી રબ કરવી જોઈએ.

કન્જેનિટલ ટૉસિસના સિમ્પ્ટમ્સ

જન્મથી જ ખામી હોય એવાં બાળકોમાં પહેલી નજરે જખબર પડે કે એક આંખ નાની અને એક મોટી અથવા બંને આંખો પર પાંપણ ઢળેલી જ લાગે. ઘણી વાર સીધી રીતે ખુલ્લી પાંપણોએ ન જોઈ શકવાને લીધે બાળક ઊંચું મોઢું રાખીને જ બધું જોવાની કોશિશ કરતું હોય એટલે પૉશ્ચર બગડે અને લાંબા ગાળે ગરદનનો દુખાવો પણ થઈ શકે. આંખો પર વારંવાર પાંપણ પડી જવાને લીધે જાગતી હાલતમાં પણ બાળક સૂતેલું લાગે. એમના લુક્સ પર એની સીધી અસર વર્તાય. આગળ જતાં જોવામાં તકલીફ પડતી જાય.

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2023 08:30 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK