માઇગ્રેન એ મગજના ફિઝિયોલૉજિકલ બદલાવને કારણે આવતી પરિસ્થિતિ છે.
પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક
હું ૨૫ વર્ષનો છું અને છેલ્લા બે મહિનાથી મને માથાનો દુખાવો થયા કરે છે. હું એકદમ ઠીક હોઉં અને અચાનક જ મારું માથું પકડાઈ જાય છે. મને સમજાતું નથી કે એનું શું કરવું? આ દુખાવાને કારણે હું કામ નથી કરી શકતો. ગોળી લઉં છું ત્યારે થોડું સારું લાગે છે, પરંતુ આ દુખાવાનું કારણ શું હોઈ શકે એ મને સમજાતું નથી. મને આ ગોળીઓ ખાધા નથી કરવી. આ માઇગ્રેનથી બચવાનો કોઈ ઉપાય ખરો?
જવાબ : માઇગ્રેન એ મગજના ફિઝિયોલૉજિકલ બદલાવને કારણે આવતી પરિસ્થિતિ છે. જે પણ વ્યક્તિને માઇગ્રેન હોય તેણે એ સમજવું જરૂરી છે કે ટ્રિગર કરનારાં પરિબળ શું છે. માઇગ્રેન અમુક પ્રકારનાં ટ્રિગર્સને કારણે સર્જાય હોય છે. મોટા ભાગના કેસમાં એવું થતું હોય છે કે આ ટ્રિગર્સને કારણે જ માઇગ્રેન થાય અને એનાથી બચો તો દુખાવો ન થાય, પરંતુ એ ૧૦૦ ટકા દરેક કેસમાં બનતું નથી. તમારા કેસમાં એવું હોઈ શકે છે, કારણ કે તમને અચાનક જ માઇગ્રેન ઊપડે છે. પહેલાં તો એ સમજવાની કોશિશ કરો કે આ માઇગ્રેન તમને કેમ થઈ રહ્યું છે. અચાનક કયા પ્રકારના બદલાવ એને ટ્રિગર કરી રહ્યા છે.
ટ્રિગર્સ મુખ્યત્વે આ પ્રકારનાં હોય છે. ઍલર્જી અને ઍલર્જિક રિઍક્શન. તેજ પ્રકાશ, ઝબૂકતો પ્રકાશ, ઊંચો અવાજ કે દેકારો, ધુમાડો, તાપમાનમાં બદલાવ, સ્ટ્રૉન્ગ વાસ કે અમુક ખાસ પ્રકારની ગંધ, શારીરિક કે માનસિક સ્ટ્રેસ, ટેન્શન, ડર કે ડિપ્રેશન, થાક કે વધુ પડતી એક્સરસાઇઝ, જેટ લેગ. અપૂરતી ઊંઘ, અનિયમિત ઊંઘ, ઊંઘ બાબતે કોઈ ખાસ આવેલો બદલાવ, બ્રેક-ફાસ્ટ ન કરવો કે લાંબા સમય સુધી ભૂખ્યું રહેવું, પાણીની કમી, આલ્કોહૉલ, ટેન્શનને લીધે આવતો માથાનો દુખાવો, અમુક પ્રકારનો ખોરાક જેમ કે રેડ વાઇન, જૂનું ચીઝ વગેરે, મોનોસોડિયમ ગ્લુટામેટ કે નાઇટ્રેટજેમાં હોય એવો ખોરાક, ચૉકલેટ, પીનટ બટર, કેળાં, ખાટાં ફળો, ડુંગળી, ડેરી પ્રોડક્ટ, આથાવાળી વસ્તુઓ, અથાણા, બેકરી પ્રોડક્ટ. આ બધામાંથી કોઈ એક મુખ્ય ટ્રિગર હશે અને બાકીનાં અમુક ટ્રિગર્સ એની સાથે જોડાઈને માઇગ્રેનનું કારણ બનતાં હોય છે. તમારું કામ એ છે કે પહેલાં તમે સમજવાનો પ્રયાસ કરો કે તમને કયું ટ્રિગર લાગુ પડે છે. એને અવગણીને જો તમારો માઇગ્રેન કાબૂમાં રહેતો હોય તો વાંધો નથી. નહીંતર ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.


