સિગારેટમાં રહેલા તમાકુમાંના નિકોટિનની પ્રોકાઇનેટિક ઇફેક્ટ આંતરડાં પર થાય છે.
પ્રતીકાત્મક તસવીર
હું ૩૫ વર્ષનો છું. છેલ્લાં ૧૦ વર્ષથી સ્મોકિંગની આદત છે. હવે એ છોડવી છે, પરંતુ તકલીફ એ છે કે હાજતે જવાની આદત એની સાથે સંકળાયેલી છે. સ્મોકિંગ ન કરું તો હાજતે જઈ જ નથી શકતો. ગમે એટલી કોશિશ કરું તો પણ જુલાબ ઊતરતો જ નથી. હવે ડર લાગે છે શું હું સ્મોકિંગની આદત ક્યારેય નહીં છોડી શકું? હું મક્કમ થઈને કોશિશ કરું છું તો કબજિયાતનો ભોગ બનું છું. આનો કોઈ ઉપાય છે ખરો?
સિગારેટમાં રહેલા તમાકુમાંના નિકોટિનની પ્રોકાઇનેટિક ઇફેક્ટ આંતરડાં પર થાય છે. જો સ્મોકિંગ કર્યા પછી વ્યક્તિ હાજતે જતી હોય અને આ રીતે દરરોજ થવા લાગે તો એ આદતનું સ્વરૂપ લે છે. આ આખી સિસ્ટમમાં સાઇકોલૉજી પણ એનું કામ કરે છે. મગજ આ બંને વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી દે છે અને શરીર અને મન બંનેને એ આદત પડી જાય છે કે સ્મોકિંગ કર્યા પછી જ હાજતે જઈ શકાય. આમાંથી બહાર નીકળવા માટે તમારે શરીર અને મન બંને પર કામ કરવું પડશે. સ્મોકિંગ સાથે જુદી-જુદી આદતો જોડાયેલી હોય છે જે સ્મોકિંગ છોડવામાં બાધારૂપ ન બને એનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા સ્મોકિંગ છોડવાના નિર્ણયને ઢીલો ન પડવા દેતા. જરૂર પડે તો એ માટે પ્રોફેશનલ હેલ્પ પણ લઈ શકાય.
એ માટે પહેલાં તો હાજત અને સ્મોકિંગ એ બંને વસ્તુ વચ્ચેનું અસોસિએશન તમારે તોડવું રહ્યું. દરરોજ તમે જેટલું પાણી પીઓ છો એના કરતાં પાણી થોડું વધારો. ત્રણ લિટર પાણી પીવાનું શરૂ કરો. આ સિવાય કાચું સૅલડ અને શાકભાજી તથા ફળો ખાઈને તમારો ફાઇબર ઇનટેક વધારો. આ બંને આદતો તમારી કબજિયાત પર અસર કરશે. આ સિવાય દરરોજ કસરત કરો. ઊંડા શ્વાસ લેવાની આદત રાખો, જે તમારાં આંતરડાંઓ પર કામ કરશે અને કબજિયાત દૂર કરશે. આ આદત દૂર કરવા માટે ત્રણથી ચાર અઠવાડિયાં થશે. એના માટે તમારે મનથી દૃઢ નિર્ણય કરવો જરૂરી છે. તમને કાઉન્સેલિંગની જરૂર હોય તો લઈ શકો છો. બાકી સાઇકિયાટ્રિક દવાઓની જરાય જરૂર નથી. આ સિવાય કબજિયાત કેટલી સિવિયર છે એને ધ્યાનમાં રાખીને તમે દવાઓ લઈ શકો છો, પરંતુ એ માટે એક વાર ડૉક્ટરને ચોક્કસ મળો. શરૂઆતના સમયમાં થોડો સમય માટે લેક્સેટિવ પણ લઈ શકાય. ધીરજ રાખો અને પ્રયત્ન ન છોડો. કબજિયાત જતી રહેશે.


