જ્યારે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમને આપવામાં આવેલી દવા ફક્ત પેઇન ઓછું કરવા માટે જ છે કે સોજા માટે પણ તેમણે તમને લખી છે એ ખાસ પૂછો
પ્રતીકાત્મક તસવીર
ઘણી વાર કશું વાગે તો ઘણા વડીલો કહેતા હોય છે કે દવા નથી ખાવી, હું સહન કરી લઈશ અને એક વર્ગ એવો છે જેને થોડું પણ દુખે તો તરત જ પેઇનકિલર ખાવા લાગી જાય છે. આ બન્ને પરિસ્થિતિ ખોટી છે. એને સાચી રીતે સમજવાનો આજે પ્રયાસ કરીએ. ઘણા લોકોને વાગે તો ખૂબ પેઇન થાય, ઘણા લોકોને ઓછું અથવા કહીએ કે ઘણા લોકો પેઇન સહન કરી જાણે છે તો ઘણા નહીં તો શું પેઇન માનસિક જ હોય છે, શારીરિક નહીં એવો પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઊપજતો હશે.
હકીકતે પેઇન એક અનુભવ છે પરંતુ એ શારીરિક પ્રૉબ્લેમ છે, માનસિક નહીં. જ્યારે કોઈ ભાગમાં કોઈ તકલીફ હોય ત્યારે એ ભાગમાં પેઇનને સમજનારાં પરિબળો હોય છે એ જાગૃત થઈ જાય છે જેને કારણે મગજને જાણકારી પહોંચે છે કે આ ભાગમાં તકલીફ ઊભી થઈ છે. આ સમગ્ર અવસ્થા શારીરિક છે પરંતુ એ પેઇનને સહન કરવાની દરેકની પોતાની કૅપેસિટી હોય છે. એ અનુભવ પર પણ આધાર રાખે છે. જેમ કે બાળક પડી જાય, તેને વાગે તો તે વધુ રડે છે પરંતુ થોડું મોટું થાય ત્યાં સુધીમાં તેને વાગવાનો અનુભવ થઈ ગયો હોય તો ધીમે-ધીમે રડવાનું ઓછું થતું જાય છે.
ADVERTISEMENT
પેઇનકિલર્સ આમ તો ઘણા પ્રકારની આવે છે જેમ કે પૅરાસિટામોલ, કોક્સ ટુ ઇન્હિબિટર્સ, ડાયક્લોફિનેટ વગેરે. નવા સમયની આ પેઇનકિલર્સ શરીરમાં જઈને શું કરે છે અને એ કઈ રીતે ઉપયોગી છે એ સમજીએ તો પેઇનકિલર્સ શરીરમાં જઈને જે જગ્યાએ પ્રૉબ્લેમ થયો છે એ અંગનાં પેઇન રિસેપ્ટર્સ જે મગજને સંકેત આપી રહ્યાં છે કે આ ભાગમાં તકલીફ છે એને સપ્રેસ કરે છે જેથી પેઇનની માત્રા ઘટી જાય છે. પરંતુ આજની અમુક પેઇનકિલર્સ ઍન્ટિઇન્ફ્લૅમેટરી પ્રૉપર્ટી ધરાવે છે. એટલે કે જે ભાગમાં પેઇન છે એ ભાગમાં કોષોમાં અમુક પ્રકારે સોજો આવી જાય છે. આ સોજો દૂર થાય તો પેઇન આપોઆપ ઘટી જાય છે. આજની ઍડ્વાન્સ પેઇનકિલર્સ આ સોજાને દૂર કરવાનું પણ કામ કરે છે. આમ એ સાચી રીતે પેઇન દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
જ્યારે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમને આપવામાં આવેલી દવા ફક્ત પેઇન ઓછું કરવા માટે જ છે કે સોજા માટે પણ તેમણે તમને લખી છે એ ખાસ પૂછો. જાતે જ નથી લેવી એવો નિર્ણય ન લઈ લેતા.
પેઇનકિલર સંબંધિત એ ખાવી જોઈએ એ નિર્ણય માટે ડૉક્ટરની સલાહ જરૂરી છે એમ એ ન ખાવી હોય તો એ માટે પણ ડૉક્ટર સાથે વાત કરો અને પછી નિર્ણય લો.
-ડૉ. સુશીલ શાહ

