કોઈ પણ વાતમાં તેમને ન ગમતું બન્યું હોય તો તેમની આંખો ભરાઈ આવે. મારી સાથે વાત કરતાં પણ એવું થતું હતું. થોડી-થોડી વારે તેમની આંખો તગતગી જાય
પ્રતીકાત્મક તસવીર
આજે તો મહિલાઓના મેનોપૉઝનું મહત્ત્વ નવી જનરેશન સમજતી થઈ ગઈ છે પણ આવું હજી ઍન્ડ્રોપૉઝ માટે નથી થયું. બન્યું હમણાં એવું કે પિસ્તાલીસ વર્ષની ઉંમરની એક વ્યક્તિ મને મળવા આવી. કૉર્પોરેટ કંપનીમાં કામ કરતા એ ભાઈ મળવા આવ્યા. તેમની સાથે વાત કરતાં ખબર પડી કે છેલ્લા થોડા સમયથી તેમનું ધ્યાન એક પણ બાબતમાં લાગતું નથી. ઘરેથી ફ્રેન્ડને ત્યાં જવાનું કહીને નીકળ્યા હોય અને ઑફિસ પહોંચી જાય. નાની-નાની વાતો ભૂલી જાય અને એવું બીજું ઘણુંબધું. સૌથી અગત્યનું એ કે ક્ષુલ્લક બાબતોમાં પણ તેમને ગુસ્સો આવે અને તે કોઈના પણ પર ભડકી જાય અને રાડારાડી શરૂ કરી દે. પર્સનલ લાઇફ પણ હવે તેમની ડિસ્ટર્બ હતી અને વાઇફ સાથે પણ ડિસ્ટન્સ થવા માંડ્યું હતું. એ ભાઈની વાત પરથી એવું લાગતું હતું કે તે ડિપ્રેશનમાં સરવા માંડ્યા છે. કોઈ પણ વાતમાં તેમને ન ગમતું બન્યું હોય તો તેમની આંખો ભરાઈ આવે. મારી સાથે વાત કરતાં પણ એવું થતું હતું. થોડી-થોડી વારે તેમની આંખો તગતગી જાય.
તેમને મનથી બરાબર ખાલી થવા દીધા પછી મેં તેમને કહ્યું કે આ જે છે એ ઍન્ડ્રોપૉઝની અસર છે. તેમની આંખોમાં તાજ્જુબ હતું કે એ શું હોય અને તેમનું એ રીઍક્શન જોયા પછી મને અચરજ હતું કે ભણેલાગણેલા અને એન્જિનિયરિંગ ફીલ્ડની વ્યક્તિને ઍન્ડ્રોપૉઝ વિશે ખબર નથી. પણ એમાં મારે આશ્ચર્ય પામવાની જરૂર નહોતી. કારણ કે આ પરિસ્થિતિ આજે મિડલ એજ પર પહોંચેલા મોટા ભાગના પુરુષોની છે. ઍન્ડ્રોપૉઝને જો સામાન્ય શબ્દોમાં સમજવું હોય તો એ પુરુષોનો મેનોપૉઝ છે. મેનોપૉઝ દરમ્યાન શરીરમાં થતા હૉર્મોનલ ચેન્જિસ વચ્ચે મહિલાઓની માનસિક અવસ્થા જે સ્તર પર ચેન્જ થતી રહે, જે લેવલ પર તેનામાં મૂડ-સ્વિંગ્સ જોવા મળે એ જ લેવલ અને એ જ સ્તરના મૂડ-સ્વિંગ્સ પુરુષોમાં પણ જોવા મળે. જરૂરી નથી કે દરેકમાં એની ઇન્ટેન્સિટી સમાન હોય પણ એની અસર તો દેખાય જ દેખાય. ઍન્ડ્રોપૉઝની આમ કોઈ ચોક્કસ ઉંમર નથી પણ મહદ અંશે એ મિડલ એજમાં જોવા મળે અને ખાસ કરીને બેતાલીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષની આસપાસ જોવા મળી શકે છે. ઍન્ડ્રોપૉઝ એક એવો તબક્કો છે જેમાં પુરુષોને હૂંફની જરૂર પડતી હોય છે. મેં કેટલાક કિસ્સાઓ જોયા છે જેમાં ઍન્ડ્રોપૉઝની અસર નહીં સમજી શકવાના કારણે પુરુષ ડિપ્રેશનમાં સરી પડ્યો હોય અને ખોટું પગલું પણ ભરી બેઠો હોય. ઍન્ડ્રોપૉઝ દરમ્યાન ઘરના પુરુષ સભ્યને જો ફૅમિલીનો સાથ મળે તો તેના માટે એ હૉર્મોનલ સ્વિંગ્સનો તબક્કો પાર કરવો સહેલો બની જાય.

