પેટનો ટીબી થાય ત્યારે...

હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન
મલાડમાં રહેતા ૨૮ વર્ષના એક નૉર્મલ હેલ્ધી માણસને અચાનક જ પેટમાં ભયંકર દુખાવો ઊપડ્યો. ઊલટીઓ થવા લાગી. છેલ્લા થોડા દિવસથી કબજિયાતની સમસ્યા રહેવા લાગી હતી, પરંતુ ત્યારે સમજાયું નહીં કે અચાનક જ આટલી ગંભીર હાલત થઈ જશે. હૉસ્પિટલમાં જ્યારે તે દાખલ થયા ત્યારે ડૉક્ટરે જરૂરી ટેસ્ટ કરાવડાવી. બ્લડની ટેસ્ટ અને CT સ્કૅન દ્વારા જે પ્રૉબ્લેમ સામે આવ્યો એ એવો હતો કે પેટ પર સોજો હતો, પરંતુ એક પણ દવાઓ એ પ્રૉબ્લેમ પર કામ કરતી નહોતી. પરિવારે નક્કી કર્યું તે ભાઈને બીજી મોટી હૉસ્પિટલમાં ખસેડવા અને ત્યાં અડધી રાત્રે સાડાત્રણે અસહ્ય દુખાવો થવાને કારણે તેમને લઈ જવામાં આવ્યા. સવારે સાડાપાંચ વાગ્યે તેમના પેટનું ઑપરેશન કરવામાં આવ્યું. CT સ્કૅનના પરિણામથી ખાસ પેટના દુખાવા પાછળનું કારણ ખબર પડી રહી નહોતી. ઑપરેશન કર્યું ત્યારે ખબર પડી કે દરદીનાં આંતરડાં એટલે કે નાનું આંતરડું અને મોટું આંતરડું બન્ને ચોંટી ગયાં છે અને જાણે કે એક ગાંઠ બની ગઈ હતી. ડૉક્ટરે ઑપરેશન કરીને બન્ને આંતરડાંને છૂટાં પાડ્યાં અને એનું એક સૅમ્પલ લઈને લૅબમાં મોકલ્યું ત્યારે ખબર પડી કે આ દરદીને પેટનો ટીબી થયો છે. ત્યાર બાદ દરદીની ટીબીની દવાઓ ચાલુ થઈ અને આજે તે સંપૂર્ણ સ્વસ્થ છે.
આ દરદીનો ઇલાજ કરનાર લ્ય્સ્ હૉસ્પિટલ, ગોરેગામના જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જ્યન ડૉ. પંકજ ગાંધી કહે છે, ‘આ દરદીને જે તકલીફ હતી એને કારણે જે સર્જરી કરવામાં આવી એને મેડિકલ ભાષામાં ઇન્ટેસ્ટાઇનલ ઑબ્સ્ટ્રક્શન રિપેર કહે છે. આ દરદીનાં બન્ને આંતરડાં એકબીજા સાથે ચોંટી ગયાં હતાં જેથી એવું લાગે કે જાણે એક ગાંઠ રચાણી છે. એને કારણે દરદી થોડું પણ હાલે-ચાલે ત્યારે તેને દુખાવો થતો હતો. આ સમગ્ર ઑપરેશનમાં લગભગ બે કલાક લાગ્યા હતા. મહત્વની વાત એ છે કે દરદીને આ વર્ષની શરૂઆતમાં આ જ પ્રકારની થોડી તકલીફ ચોક્કસ થઈ હતી, પરંતુ એ સમયે ટેસ્ટમાં કશું પકડાયું નહોતું અને તકલીફ વધુ નહોતી એટલે લક્ષણો પણ સમજાયાં નહોતાં. જો આ ટીબી ત્યારે જ ખબર પડી ગયો હોત તો જે ઇમર્જન્સી ઊભી થઈ એ ન થઈ હોત.’
આંતરડાંમાં રોગ
મોટા ભાગના લોકોને ટીબી થયો હોય તો એ ફેફસાંનો ટીબી જ વધુ જોવા મળે છે, પરંતુ ફેફસાં સિવાયના ટીબી પણ જોવા તો મળે જ છે. ટીબી એક બૅક્ટેરિયાથી થતો રોગ છે જે શરીરના કોઈ પણ અંગ પર અટૅક કરી શકે છે અને એ અંગનો ટીબી થાય છે. પેટનો ટીબી એવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે એનો અર્થ શું થાય છે એ સમજાવતાં ડૉ. પંકજ ગાંધી કહે છે, ‘મોટા ભાગે જ્યારે પેટનો ટીબી એમ કહેવામાં આવે છે એટલે એ આંતરડાંનો ટીબી જ માનવામાં આવે છે. પેટમાં ઘણાં જુદાં-જુદાં અંગો હોય છે, પરંતુ આંતરડાંને અસર કરતો ટીબી એટલે જ પેટનો ટીબી. વળી આ ટીબી મોટા આંતરડામાં ભાગ્યે જ થાય છે. મોટા ભાગે આ ટીબી નાના આંતરડામાં જ થતો જોવા મળે છે. એક સેન્ટિમીટર જેટલા આંતરડાંના ભાગથી લઈને ૧૦ સેન્ટિમીટર જેટલા આંતરડાંના ભાગ પર એ અસરકર્તા હોય શકે છે. એ કેટલો ફેલાયો છે એ બાબતનો આધાર આ રોગ કેટલો જલદી પકડમાં આવે છે એના પર રહેલો છે.’
ક્યાં થાય?
પેટનો ટીબી જે આંતરડામાં થાય છે એ કઈ જગ્યાએ થાય એ બાબત સમજાવતાં ડૉ. પંકજ ગાંધી કહે છે, ‘આંતરડાંનો ટીબી બે જગ્યાએ થઈ શકે છે, આંતરડાંની અંદર અને આંતરડાંની બહાર. આ દરદીને આંતરડાંની અંદર નહીં, પરંતુ બહારની બાજુએ ટીબી થયો હતો અને એને કારણે બન્ને આંતરડાં એકબીજા સાથે જોડાઈ ગયાં હતાં. જો આંતરડાંની અંદર ટીબી થાય તો એ આંતરડાંની સાઇઝને નાની કરી નાખે છે અને ક્યારેક વ્યવસ્થિત જલદી નિદાન ન થયું અને આંતરડાંની અંદર થયેલા ટીબીનું પ્રેશર ખૂબ વધી ગયું તો એ આંતરડાંની દીવાલ તોડીને બહાર આવે છે. આ પરિસ્થિતિ દરદી માટે ઘાતક પણ હોઈ શકે છે. બાકી જ્યારે ટીબી આંતરડાંની અંદર થયો હોય અને ફેલાયેલો હોય તો સર્જરી દ્વારા નાના આંતરડાના જેટલા ભાગમાં ટીબી થયો છે એ ભાગ કાપીને ફેંકવો પડે છે. એમાં સર્જરી જરૂરી બની જાય છે. આમ ટીબી થયો છે અને કઈ જગ્યાએ થયો છે એનું પણ નિદાન જલદી થાય એ જરૂરી છે.’
ખબર કેમ પડે?
પેટનો ટીબી થયો હોય તો એનાં ચોક્કસ લક્ષણો હોય, જેના દ્વારા ખ્યાલ આવે છે કે વ્યક્તિને પેટનો ટીબી થયો છે. એનાં લક્ષણો જણાવતાં ડૉ. પંકજ ગાંધી કહે છે, ‘દરદીને ઊલટી થતી હોય, પેટમાં અત્યંત દુખાવો થતો હોય, ઝાડા થઈ ગયા હોય કે પછી કબજિયાત જેવું લાગતું હોય, પેટ એકદમ ફૂલેલું લાગે જાણે સૂજી ગયું હોય, ભૂખ વ્યક્તિની એકદમ ઘટી જાય અને વજનમાં એકદમ જ ઘટાડો થઈ જાય. દેખાવમાં સાવ સામાન્ય ગણાતાં આ ચિહ્નો એક નિષ્ણાત પકડી શકે છે. જો દરદી આ ચિહ્નોને લઈને ડૉક્ટર પાસે જાય અને ક્લિનિકલ ચેકઅપમાં જો ડૉક્ટર કાબેલ હોય તો ચોક્કસ પકડી પાડી શકે છે કે દરદીને કોઈ મહત્વનો પ્રૉબ્લેમ થયો છે અને ટેસ્ટ કરાવે ખાસ કરીને બ્લડ ટેસ્ટ અને CT સ્કૅન દ્વારા તકલીફ સામે આવી શકે છે.’
શું સર્જરી જરૂરી?
આ કેસમાં મહત્વની વાત એ છે કે દરદીની સર્જરી થઈ એના પછી ખબર પડી કે દરદીની આ હાલત પાછળ જવાબદાર કારણ ટીબી હતું. મોટા ભાગે પેટનો ટીબી થાય કે બીજો કોઈ પણ ટીબી થાય તો પહેલા રોગનું નિદાન થાય છે અને પછી ખબર પડે છે કે સર્જરી કરવી છે કે નહીં. આ કેસમાં જે બન્યું હતું એવું હંમેશાં બનતું નથી. સર્જરી વિશે સમજાવતાં ડૉ. પંકજ ગાંધી કહે છે, ‘પેટનો ટીબી થાય એટલે સર્જરી કરવી જ પડે એવું નથી હોતું. બીજા ટીબીની જેમ આ રોગ પણ ફક્ત દવાઓ દ્વારા મટી શકે છે. શરત ફક્ત એ છે કે આ રોગનું નિદાન શરૂઆતમાં જ થઈ ગયું હોય. જો પાછળથી નિદાન થાય તો દરદીની હાલત કફોડી બની શકે છે.
ADVERTISEMENT
હેલ્થ-ડિક્શનરી
જન્મ સમયે ૩૦૦ હાડકાં હોય અને પુખ્ત વયે માત્ર ૨૦૬ જ હાડકાં એવું કેમ?
શરીરવિજ્ઞાન વિશેની ચમકાવનારી હકીકતોમાં ઘણી વાર તમે વાંચ્યું હશે કે બાળક જન્મે ત્યારે તેના શરીરમાં હાડકાંની સંખ્યા વધારે હોય છે અને પુખ્ત વયે હાડકાંની સંખ્યા ઘટી જાય છે. જન્મ સમયે બાળકના શરીરમાં લગભગ ૨૭૦થી ૩૦૫ જેટલાં હાડકાં હોઈ શકે છે. જોકે વ્યક્તિ પુખ્ત વયની થાય ત્યાં સુધીમાં હાડકાંની સંખ્યા ૨૦૬ જેટલી જ રહે છે.
બાળકનું શરીર નાનું હોવા છતાં વધુ હાડકાં અને પુખ્ત વયે શરીર મોટું અને મજબૂત હોવા છતાં ઓછાં હાડકાં? એવું કેમ? આમ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે પુખ્ત વયે જે મોટાં હાડકાં આખેઆખાં હોય છે એ નાનાં બાળકોમાં ટુકડાઓમાં હોય છે. દાખલા તરીકે પુખ્ત વયે ખોપડીની ઉપરનું એક આખું હાડકું જોડાયેલું હોય છે જે બાળકોમાં ટુકડાઓમાં હોય છે. પેડુના ભાગમાં આવેલું ચપટી પ્લેટ જેવું એક હાડકું નાના બાળકમાં ત્રણથી ચાર અલગ-અલગ ટુકડાઓમાં હોય છે. બાળકના શરીરમાં મોટાં હાડકાં ટુકડાઓમાં હોય છે જે ઉંમર થતાં વિકસીને એકબીજામાં ફ્યુઝ થઈને એક મોટું હાડકું બનાવે છે.
સવાલ એ પણ થઈ શકે કે શા માટે બાળકમાં હાડકાં પૂરેપૂરાં વિકસિત નથી હોતાં? એ માટે ત્રણ મહત્વનાં કારણો છે. એક, જો હાડકાં મોટાં હોય તો ગર્ભાશય જેવી નાનકડી જગ્યામાં સંકડાશપૂર્વક સમાવાનું મુશ્કેલ થઈ જાય. બીજું, મોટાં હાડકાં હોય તો ડિલિવરી વખતે યોનિમાર્ગમાંથી નીકળવાનું અઘરું થઈ જાય. જેમ કે ખોપડીનું હાડકું આખું અને સખત થઈ ગયું હોય તો બાળકનું માથું બહાર નીકળે ત્યારે માને વધુ પીડા થાય અને પ્રસવની પીડા દરમ્યાન થતા પ્રેશરમાં ખોપડીના હાડકાને ઈજા થઈ શકે છે. જેટલાં હાડકાં નાનાં અને ટુકડામાં હોય એટલું સરળતાથી શરીર વળીને રહી શકે અને નીકળી શકે. ત્રીજું, હાડકાંના ટુકડાઓને કારણે એના વિકાસ અને વિસ્તરણનો સ્કોપ રહે છે. હાડકાં વિકસીને પહોળાં થાય છે અને શરીરનું માળખું મજબૂત અને મોટું થતું જાય છે.


