પહેલાં તો એ વાતનો સ્વીકાર કરવો કે ઉંમર સાથે ઊંઘ ઓછી થવાની જ છે. એટલે સતત પહેલાંનાં વર્ષો સાથે સરખામણી કર્યા ન કરો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઘણા વડીલો એક કૉમન ફરિયાદ કરતા રહેતા હોય છે કે તેમને ઊંઘ બરાબર આવતી નથી. એ વાતે તેઓ આખો દિવસ હેરાન-પરેશાન હોય છે કે ઊંઘ વ્યવસ્થિત થતી નથી. પહેલાં તો કેવા સૂઈ જતા હતા પણ હવે તો ઊંઘ જાણે કે ભાગી ગઈ છે. ઘણા એવા પણ હોય છે જે કહે છે કે ડૉક્ટર સાહેબ, મને ઊંઘની ગોળી આપી દો. આ ડિમાન્ડ આવે ત્યારે અમે ડૉક્ટર્સ તેમને અમુક વસ્તુઓનું પાલન કરવા કહીએ છીએ. ઊંઘ સારી આવે એ માટે અમુક ક્રિયાઓ મદદરૂપ થાય છે. એનાથી ફાયદો થાય જ છે. એટલે ઊંઘની ગોળીઓ પર સીધું ઝંપલાવવાને બદલે કોશિશ કરો કે તમે આ પ્રકારનું રૂટીન ફૉલો કરી જુઓ. ઊંઘની ગોળીઓ ખાવાની ઉતાવળ ન કરો.
પહેલાં તો એ વાતનો સ્વીકાર કરવો કે ઉંમર સાથે ઊંઘ ઓછી થવાની જ છે. એટલે સતત પહેલાંનાં વર્ષો સાથે સરખામણી કર્યા ન કરો. ઉંમર સાથે ઊંઘ ઓછી થવી એ પ્રૉબ્લેમ નથી, એ સહજ બાબત છે. પરંતુ ઊંઘ્યા પછી તમે સ્વસ્થ ફીલ કરો, તમારામાં એનર્જી રહે એ જોવું જરૂરી છે. ઊઠીને પણ જો સુસ્તી જ લાગ્યા કરે તો સમજવું કે ઊંઘ અપૂરતી છે. ઊંઘ ઓછી ભલે થાય પરંતુ રાતની ઊંઘ થાય એ ચોક્કસ ધ્યાન રાખવું. દિવસની ઊંઘ લેવી પણ હોય તો ૧૦-૨૦ મિનિટનો નૅપ લેવો જોઈએ. એ ઘણો થઈ જશે. દિવસે વધુ સૂવાથી રાતની ઊંઘ ખરાબ થાય જ છે. એટલે એવું ન કરવું. તમારી ઉંમર ગમેતેટલી હોય પરંતુ ઍક્ટિવિટી અને એક્સરસાઇઝ છોડવાં નહીં. એ ઉંમર સાથે ઓછાં થઈ શકે છે. પરંતુ જો તમે એ સાવ મૂકી દેશો તો નહીં ચાલે. તમારા શરીરને માફક આવે એટલી ઍક્ટિવિટી અને એવી એક્સરસાઇઝ કરો જેનાથી શરીર થાકશે અને રાત્રે સારી ઊંઘ આવશે.
ADVERTISEMENT
કોશિશ કરીને બેડરૂમનો ઉપયોગ ફક્ત સૂવા માટે કરો. આજકાલ રાત્રે ઊંઘ ન આવે તો વડીલો પણ ફોન પર વૉટ્સઍપ કે સોશ્યલ મીડિયા ખોલીને બેસી જતા હોય છે. આવું ન કરો. બેડરૂમમાં ગૅજેટ ન લાવો. તરત ઊંઘ ન આવતી હોય તો તમે કોઈ બુક વાંચો, ગીતો સાંભળો કે તમારા ઘરનાં નાનાં બાળકોને વાર્તાઓ સંભળાવો. એનાથી ઊંઘ ચોક્કસ આવશે. રાત્રે બાથરૂમ માટે ઊઠવું પડે તો રૂમમાં કે બાથરૂમમાં બ્લુ નાઇટ-લૅમ્પ ચલાવો. પીળા પ્રકાશથી ઊંઘ ભાગે છે. બ્લુમાં એવો વાંધો આવતો નથી. એટલે પીળા બલ્બની જગ્યાએ બ્લુ બલ્બ રાખો. સાંજ પછી કૉફી, ચા, તમાકુ જેવાં કોઈ પણ સ્ટિમ્યુલન્ટ ન લેવાં. એનાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે.
