જે વિશે જાણવા માટે તમને ડીટેલ બ્લડ-ટેસ્ટ જરૂરી બને છે. એ સિવાય ડૉક્ટર માટે તમારી લાઇફસ્ટાઇલ કેવી છે, તમારા પિરિયડ્સ રેગ્યુલર છે કે નહીં એ જાણવું પણ જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૩૭ વર્ષની છું. મારી હાઇટ ૫’૩ જેટલી છે અને મારું વજન ૯૫ કિલો છે. ખાસ કરીને ગરદન પર ચરબી ખાસ્સી વધારે જામેલી લાગે છે. પાછળનો ભાગ એકદમ કાળો થતો જાય છે. મારો ચહેરો એકદમ ગોરો અને ગરદનનો પાછળનો ભાગ કાળો એ ખૂબ વિચિત્ર લાગે છે. એવું લાગે કે જાણે કાળો મેલ જામ્યો છે, પરંતુ હકીકતમાં એ મેલ નથી. સ્કિન જ એકદમ જાડી અને કાળી થતી જાય છે, જે ખૂબ કદરૂપું લાગે છે. શું કરવું?
તમારું વજન ઘણું વધારે છે અને ઓબીસ લોકોમાં આ ચિહ્ન કે આ તકલીફ દેખાવી કૉમન છે, એટલે એને નૉર્મલ રીતે ન જોઈ શકાય. ગરદનની આસપાસ થતું આ પ્રકારનું પીગમેન્ટેશન ચિંતાનું કારણ છે, એ ફક્ત સ્કિન પ્રૉબ્લેમ જ નથી. એ દર્શાવે છે કે વ્યક્તિને કોઈ મેજર પ્રૉબ્લેમ હોઈ શકે છે, જે વિશે જાણવા માટે તમને ડીટેલ બ્લડ-ટેસ્ટ જરૂરી બને છે. એ સિવાય ડૉક્ટર માટે તમારી લાઇફસ્ટાઇલ કેવી છે, તમારા પિરિયડ્સ રેગ્યુલર છે કે નહીં એ જાણવું પણ જરૂરી છે. તમારા હૉર્મોન્સ તો ઊથલપાથલ થયા હોય, તમને પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ હોય તો પણ આ ચિહ્ન દેખાઈ શકે છે. તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે ડાયાબિટીઝ જેવી કોઈ શક્યતા પણ હોઈ શકે છે. આ માટે ખાસ ટેસ્ટ કરીને તપાસ કરવી. ડાયાબિટીઝ ન હોય તો પણ જો તમે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની તકલીફ હોય તો વજન સરળતાથી ઊતરે નહીં. આ માટે તમારે એન્ડોક્રાઇનોલૉજિસ્ટ ડૉક્ટરની મદદ લેવી પડે એવું પણ બને. પહેલાં તમારે ટેસ્ટ કરાવવાં જરૂરી છે.
રહી વાત સ્કિનની તો જેવું તમારું વજન ઊતરશે કે ઇન્સ્યુલિન ઠીક થશે એની મેળે એ પ્રૉબ્લેમ જતો રહેશે. માટે જરૂરી છે કે તમે લાઇફસ્ટાઇલ બદલો. વજન ઉતારો. વજન ઉતારશો એટલે હૉર્મોન્સ ઠીક થશે, ઇન્સ્યુલિનની તકલીફ એની મેળે સેટ થશે અને આપોઆપ એ કાળાશ પણ જતી રહેશે. એને સમય લાગશે, પણ આના સિવાય બીજી કોઈ રીત આ માટે નથી. કોઈ ક્રીમ એવું નથી કે તમને એ ખાસ મદદ કરી શકે, છતાં તમે એઝિલિક ઍસિડ કે ગ્લાયકોલિક ઍસિડ ધરાવતી કોઈ ક્રીમ વાપરી શકો છો જે તમને થોડો એટલે કે ૨૦ ટકા જેવો ફાયદો આપી શકે છે. બાકી કોઈ લેઝર ટ્રીટમેન્ટ કે બીજી કોઈ ટ્રીટમેન્ટ આ તકલીફને સંપૂર્ણ રીતે નહીં કાઢી શકે, જ્યાં સુધી તમે વજન ઓછું કરતા નથી.

