આવું કહીને ઘરેથી નીકળેલાં મીરા રોડનાં જ્યોત્સ્ના જેઠવાની ભાઈંદરની ખાડીમાંથી ડેડ-બૉડી મળી આવી
જ્યોત્સ્ના જેઠવા
મીરા રોડ-ઈસ્ટના મીરા-ભાઈંદર રોડ પર હાટકેશ ઇન્ડસ્ટ્રિયલ એરિયા નજીક આવેલા ન્યુ રશ્મિ અપાર્ટમેન્ટમાં રહેતાં ૫૮ વર્ષનાં જ્યોત્સ્ના જેઠવા બુધવારે સવારે મીરા રોડમાંથી ગુમ થયા બાદ ભાઈંદરની ખાડીમાંથી તેમની ડેડ-બૉડી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે ભાઈંદરની નવઘર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યોત્સ્નાબહેન મંદિરે જવા માટે ઘરેથી નીકળ્યાં હતાં. ત્યાર બાદ કલાકો સુધી તેમનો પત્તો ન લાગતાં પરિવાર દ્વારા કાશીગાવ પોલીસ-સ્ટેશનમાં તેમના મિસિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એ દરમ્યાન ગઈ કાલે સવારે પરિવારના સભ્યો હૉસ્પિટલોમાં પૂછપરછ કરવા જતાં ટેમ્ભા હૉસ્પિટલમાં તેમની ડેડ-બૉડીની ઓળખ કરવામાં આવી હતી.
મંદિરે જઈને આવું છું એમ કહીને મમ્મી ઘરેથી નીકળી હતી એમ જણાવતાં જ્યોત્સ્નાબહેનના પુત્ર અંકિત જેઠવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મી રોજ સવારે અમારા ઘરની નજીક આવેલા મંદિરમાં દર્શન કરવા જતી હતી. બુધવારે પણ સવારે દસ વાગ્યાની આસપાસ મમ્મી મંદિર જઈને આવું છું એમ કહીને ઘરેથી નીકળી હતી. મમ્મી વધુમાં વધુ અડધો કલાકમાં ઘરે આવી જતી, પણ બુધવારે ૧૨ વાગ્યા સુધી પાછી ન ફરતાં અમે મંદિરે શોધવા ગયા હતા. જોકે ત્યાં મમ્મીનો પત્તો લાગ્યો નહોતો. ત્યાર બાદ હું, મારો ભાઈ ચેતન, મારી પત્ની અને પપ્પા બધાં મમ્મીને શોધવા લાગી ગયાં હતાં. અમારા નજીકના સંબંધીઓને પણ ફોન કરીને મમ્મીની માહિતી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મમ્મીની કોઈ ભાળ લાગી નહોતી. અંતે સાંજે અમે મમ્મીની કાશીગાવ પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. મમ્મી ગુમ થયાં હોવાની માહિતી અમારા સંબંધીઓને પણ આપવામાં આવી હતી એટલે અમારા એક સંબંધી ગઈ કાલે સવારે ભાઈંદરની સરકારી હૉસ્પિટલમાં પૂછપરછ કરવા ગયા ત્યારે મમ્મીની ડેડ-બૉડીની ઓળખ થઈ હતી.’
ADVERTISEMENT
બુધવાર સાંજે ભાઈંદરની ખાડીમાંથી અમને મહિલાની ડેડ-બૉડી મળી હતી એમ જણાવતાં નવઘર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર સચિન ઉબાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા રોડથી આશરે ૨૦ કિલોમીટર દૂર મહિલાની ડેડ-બૉડી મળી છે. મહિલા આટલે દૂર કઈ રીતે આવી એની તપાસ અમે કરી રહ્યા છીએ.’


