રોજ આટલી અળસીનું સેવન કરવાથી સ્ત્રીઓમાં પિરિયડ્સની અનિયમિતતા દૂર થાય છે. પેટની ચરબી ઘટાડવામાં સફળતા મળે છે અને મેનોપૉઝના હૉટ ફ્લૅશીઝ જેવાં લક્ષણોમાં પણ રાહત મળે છે
પ્રતીકાત્મક તસવીર
એક વરસ સુધી રોજ સવાર, બપોર અને સાંજે એક-એક ચમચી ફ્લૅક્સસીડ્સ ખાવાથી મેનોપૉઝલ મહિલાઓમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ નિયંત્રણમાં રહ્યું હોવાનું અને એને કારણે હૉટ ફ્લૅશિસની સમસ્યામાં પણ ઘણી રાહત થઈ હોવાનું એક અમેરિકન યુનિવર્સિટીએ કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે. આ પહેલાં આ દાણાની આંખો પર પણ હેલ્ધી અસરનો અભ્યાસ તુર્કીના અભ્યાસુઓએ કરેલો. અલબત્ત, એ અભ્યાસ ઉંદરો પર થયેલો જેમાં અળસીના તેલથી ઉંદરોમાં અલ્ટ્રાવાયલેટ કિરણોથી ઉંદરોને પ્રોટેક્શન મળ્યું હોવાનું નોંધાયું હતું. આ અભ્યાસમાં તો ત્યાં સુધી કહેવાયેલું કે અળસી ખાવાથી વિઝન સુધરે છે અને રંગો પારખવાની ક્ષમતામાં પણ ઇમ્પ્રૂવમેન્ટ થાય છે.
વેજિટેરિયન્સ માટે તેલીબિયાંમાંથી મળતું પોષણ ખૂબ મહત્ત્વનું હોવાનું મનાય છે. જોકે એ સ્ત્રીઓ માટે ખાસ મહત્ત્વનું એટલા માટે છે કેમ કે એમાં એસ્ટ્રોજન હૉર્મોન્સ પેદા કરતાં તત્ત્વો રહેલાં છે એમ સમજાવતાં જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘સ્ત્રીઓના શરીરમાં પ્યુબર્ટીથી લઈને મેનોપૉઝ દરમ્યાન અંતઃસ્રાવી ઊથલપાથલના ઘણા તબક્કા આવે છે. ઇન ફૅક્ટ, દર મહિનાની પિરિયડ સાઇકલ દરમ્યાન પણ ફીમેલ બૉડીમાં અલગ-અલગ પ્રકારનાં હૉર્મોન્સની વધઘટ થતી રહે છે. આમાં અળસીમાં રહેલું એસ્ટ્રોજન અનેક રીતે શરીરમાં અંતઃસ્રાવી સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે.’
ADVERTISEMENT
આ પહેલાં પણ અનેક અભ્યાસોમાં એવા દાવા થયા છે જે સાંભળીને ખરેખર બહેનોને અળસીને પાક્કી બહેનપણી બનાવી લેવાનું મન થાય એમ છે. સ્વીડિશ રિસર્ચરોએ કરેલા એક અભ્યાસમાં અળસી ખાનાર સ્ત્રીને બ્રેસ્ટ-કૅન્સરથી લગભગ ૪૦ ટકા જેટલું રક્ષણ મળે છે.
ફ્લૅક્સ સીડમાં એક મજાનું કૉમ્બિનેશન છે. અને એ છે ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ અને ફાઇબર. તમે અળસીના દાણા ચાવો તો એમાં સારુંએવું ફાઇબર વર્તાય છે અને એમાં ચીકાશ પણ સારી હોય છે. એનાથી કબજિયાતની તકલીફ હોય તો દૂર થાય છે એટલું જ નહીં, ઓમેગા-થ્રી ફૅટી ઍસિડથી રક્તવાહિનીઓ મજબૂત થાય છે.
આ પણ વાંચો: ભાઈલોગ, હોળીમાં પણ ભાંગનો જાતપ્રયોગ તો ન જ કરતા
આમ તો આ સીડ્સ સ્ત્રી-પુરુષ બન્ને માટે ઉપયોગી છે, પરંતુ જે સ્ત્રીઓને પિરિયડ્સને લગતી સમસ્યા હોય તેમણે નિયમિત અળસીનો ઉપયોગ કરવો જ જોઈએ. અલબત્ત, કઈ રીતે એ જરાક સમજી લેવા જેવું છે. બે અલગ ઉપયોગો વિશે સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘રોજ અળસી ખાવાથી સારું થઈ જશે જ એવું માની લેવું ન જોઈએ. તમારી સમસ્યા શું છે અને હૉર્મોનલ બદલાવના કયા તબક્કામાંથી તમે પસાર થઈ રહ્યા છો એના આધારે એનું સેવન કરવું જોઈએ. જેમને માસિકચક્રમાં અનિયમિતતા હોય તેમણે માસિક શરૂ થાય એટલે રોજ અળસી અને પમ્પકિન સીડ્સ સરખા ભાગે મિક્સ કરીને લેવા જોઈએ. માસિકના પહેલા દિવસથી પંદરમા દિવસ એટલે કે ઓવ્યુલેશન થાય ત્યાં સુધી આ રીતે ચાલુ રાખવું જોઈએ. એ પછી આ કૉમ્બિનેશન લેવાનું બંધ કરી દેવું. ફરીથી જ્યારે માસિક આવે ત્યારે પંદર દિવસ માટે ફરીથી અળસી-કોળાંનાં બીનું સેવન શરૂ કરવું. આ પિરિયડ્સ સાઇકલને સેટ કરવામાં મદદરૂપ થાય છે.’
મેનોપૉઝમાં ડેઇલી | જે મહિલાઓ મેનોપૉઝની નજીક છે તેઓ રોજ અળસી લઈ શકે છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘મેનોપૉઝ દરમ્યાન શરીરમાં પુરુષ-હૉર્મોનનું પ્રમાણ વધવા લાગે છે અને એસ્ટ્રોજન ઘટવા લાગે છે. આ જ બદલાવને કારણે હૉટ ફ્લૅશિસ, મૂડ સ્વિંગ્સ, કૉલેસ્ટરોલમાં વધારો, વજન વધવાનું શરૂ થાય છે. અળસીની એસ્ટ્રોજન પ્રૉપર્ટીથી આ તમામ લક્ષણોમાં રાહત રહે છે. આ સમય દરમ્યાન મુખવાસમાં તેમ જ અમુક લોટમાં પણ ફ્લૅક્સ સીડ્સ ભેળવીને લઈ શકાય.’
કઈ-કઈ રીતે લેવાય?
બેસ્ટ ચૉઇસ છે મુખવાસ. અળસીથી અડધા તલ શેકી લેવા. અળસી જેટલી જ વરિયાળી લીંબુ-હળદર અને મીઠું નાખીને સહેજ ભીંજવીને સૂકવીને શેકી લેવી. અળસી પણ શેકી લેવી. આ મુખવાસ કૅલ્શિયમ, આયર્ન રિચ હોવાથી બાળકો અને સ્ત્રીઓ માટે બેસ્ટ છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)