પૂર્ણિમાના ચંદ્રનાં કિરણો તમારા શરીરના અને મનના ઘણા રોગો દૂર કરવા સમર્થ છે એટલું જ નહીં, કેટલાક યોગાભ્યાસ સાથે જો પૂનમના દિવસે ચંદ્રમાની સામે બેસવામાં આવે તો તમારી સંકલ્પશક્તિ વધારવામાં પણ અદ્ભુત પરિણામ મળી શકે છે
પ્રતીકાત્મક તસવીર
હિંદુ પંચાંગ અનુસાર આજે સવારે પૂર્ણિમાની શરૂઆત થઈ જશે જે આવતી કાલે સવાર સુધી રહેશે. પૃથ્વીનો સૌથી નજીકનો આ ઉપગ્રહ માત્ર એના સૌંદર્યને લઈને જ પૉપ્યુલર નથી, પરંતુ જ્યોતિષવિજ્ઞાનની દૃષ્ટિએ સમસ્ત જીવસૃષ્ટિ પર ચંદ્રમાનો પ્રભાવ પડે છે. કેટલાંક પંચાંગ આજના દિવસને પૂર્ણિમા તરીકે લેખે છે અને કેટલાંક પંચાંગની દૃષ્ટિએ આવતી કાલે પૂનમ છે. જોકે આજે રાત્રે અગાસી પર જઈને થોડોક સમય ચંદ્રના પ્રકાશમાં બેસવાનો લહાવો ચૂકવા જેવો નથી. ચંદ્રનાં કિરણો તમારા શરીરમાં પ્રવેશે એ રીતે બેસવાના શારીરિક અને માનસિક અનેક લાભ છે. પૂર્ણિમાનો ચંદ્ર કઈ રીતે આપણા મનની શક્તિ વધારવા માટે અને આપણું સંકલ્પબળ સ્ટ્રૉન્ગ કરવા માટે ઉપયોગી થઈ શકે છે એ વિશે આજે વાત કરીએ.
આરોગ્યનું વર્ધન
ADVERTISEMENT
આ દુનિયાના જીવમાત્ર માટે ચંદ્ર પ્રેરણાદાયી તત્ત્વ છે. યોગ ફિલોસૉફર, આયુર્વેદ પંડિત, યોગ અનાટમી માસ્ટર, સાઇકોલૉજિસ્ટ અને બૅન્ગલોરના સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન સાથે અઢી દાયકાથી વધુ વર્ષોથી જોડાયેલા ડૉ. મંજુનાથ ગુરુરાજ કહે છે, ‘સંસ્કૃત શ્લોકનું એક વાક્ય છે, ‘ચંદ્રમા મનસો જ્ઞાત:’ ચંદ્ર તમારા ડિટરમિનેશન પાવર સાથે સીધો સંકળાયેલો છે. તમારા મનની શક્તિ વધશે જો ચંદ્રનો હકારાત્મક પ્રભાવ તમે ઝીલ્યો હશે. ઇન ફૅક્ટ, મનુષ્યથી લઈને દરેક પશુ-પંખી, વનસ્પતિ માટે ચંદ્ર પણ ઊર્જાનો સ્રોત છે. સૂર્યઊર્જાની ખૂબ ચર્ચા થાય છે, પરંતુ ચંદ્રઊર્જાની બહુ વાત નથી થતી. તંત્રસાર સંગ્રહ નામના એક પ્રાચીન ગ્રંથમાં ચંદ્ર ધ્યાનની વાત આવે છે જેમાં આયુર્વેદના પ્રણેતા આચાર્ય ધનવંતી ચંદ્રનું ધ્યાન દરેક દુ:ખ-દર્દ, પીડા અને રોગોનો નાશ કરનારું છે એવી ચોથા અધ્યાયના ૯૫મા શ્લોકમાં ચર્ચા કરે છે. કુલ ચાર શ્લોક ચંદ્રના ધ્યાનના મહત્ત્વને સમર્પિત કર્યા છે. શરીરની અને મનની નકારાત્મકતા દૂર કરવા ચંદ્રના ઉજાસમાં ધ્યાન કરવા બેસો તો અજ્ઞાનતા, પીડા અને રોગોનો ભય દૂર થશે. માનસિક રોગો પર પણ નિયંત્રણ લાવી શકાય છે. ચંદ્ર ધ્યાન નિયમિત કરનારી વ્યક્તિ જો માનસિક રોગી હોય એવી વ્યક્તિના માથા પર હાથ મૂકે તો પણ તેને ઘણો લાભ થઈ શકે એવી વાતો શાસ્ત્રોમાં આવે છે. શરીર બ્રહ્માંડનું જ રેપ્રિઝેન્ટેશન છે. એટલે જો ચંદ્રમાની ગતિથી સમુદ્રનું પાણી પ્રભાવિત થતું હોય તો એવો જ પ્રભાવ આપણા શરીરમાં પડ્યા વિના રહે નહીં. ચંદ્રનાં કિરણો આખી પૃથ્વીના પ્રત્યેક જીવને પ્રભાવિત કરે જ છે એ વાત બરાબર સમજી લો. તમારા માઇન્ડની ક્ષમતા વધારવા, સ્ટ્રૉન્ગ સંકલ્પબળ બનાવવા ચંદ્ર તરફ મસ્તક રાખીને આંખો ખુલ્લી અથવા બંધ રાખીને જો ધ્યાન, પ્રાણાયામ અને ચંદ્ર નમસ્કારનો અભ્યાસ થાય તો સો ટકા લાભ થશે. પૂર્ણિમાનાં કિરણોમાં દવાની પોટેન્સી વધારવાના અઢળક પ્રયોગો આયુર્વેદમાં છે.
ચંદ્રનાં કિરણોનું મહત્ત્વ
સૂર્યમાંથી નીકળતાં અલ્ટ્રા વાયલેટ કિરણો આપણા શરીરમાં સીધાં પ્રવેશીને કૅન્સર સુધીની બીમારી આપી શકે છે એ વાત જગજાહેર છે પરંતુ એ બહુ ઓછા લોકોને ખબર છે કે સૂર્યનાં કિરણોની જેમ ચંદ્રનાં કિરણોનો પણ શરીરમાં સીધો પ્રવેશ સંભવ છે અને એની પણ અસર પડતી હોય છે. ચંદ્રમાની અસર આપણા શરીર પર પડે એને વૈજ્ઞાનિક ઢબથી સમજાવતાં વેદિક સાયન્ટિસ્ટ ડૉ. અભિલાષા દ્વિવેદી કહે છે, ‘મનની ગતિ ચંદ્રમા સાથે જોડાયેલી છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય એટલે એ દિવસે મનની શક્તિઓ પણ ખીલેલી હોય. જોકે સાથે એ પણ એટલું જ સાચું છે કે જેમનું મન વ્યાકુળ હોય, માનસિક રીતે ડિસ્ટર્બન્સ ધરાવતા લોકોનો આ દિવસમાં માનસિક પરિતાપ વધી જતો હોય છે. જોકે એટલે જ જો ચંદ્રનાં કિરણોને ઍબ્સૉર્બ કરવામાં આવે તો એના અકલ્પનીય ફાયદા થઈ શકે એમ છે. ચંદ્ર પૃથ્વી પરના પાણીને પ્રભાવિત કરે છે. આપણા શરીરમાં પણ જુદા-જુદા સ્વરૂપમાં જળસ્વરૂપ તરલ પદાર્થો છે જ. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો પણ ચંદ્રનાં કિરણો ત્વચાના લેયર્સને પાર કરીને અંદર સુધી પ્રભાવ પાડી શકે છે. ચંદ્રની સામે બેસવાથી, એનાં કિરણોનું સ્નાન કરવાથી એ ઊર્જા આપણા શરીરની અંદર સુધી જાય છે. આયુર્વેદની દૃષ્ટિએ અષ્ટાંગ હૃદય એટલે કે આપણી મુખ્ય આઠ ગ્રંથિની અંદર રહેલા તરલ પદાર્થ પર આ ચંદ્રની ઊર્જાનો પ્રભાવ પડે છે. જેને આજના મેડિકલ સાયન્સમાં હૉર્મોન્સ તરીકે ઓળખાય છે એ મનની સ્થિતિને અને શરીરનાં જુદા-જુદા ઑર્ગન્સને પ્રભાવિત કરે છે. આપણા ચેતાતંત્ર અને આપણી સેલ્યુલર બૉડી સુધ્ધાં ચંદ્રનાં કિરણોથી પ્રભાવિત થાય છે. માત્ર પૂર્ણિમા જ નહીં પણ એકાદશીથી લઈને પૂર્ણિમા સુધીના બધા જ દિવસો ચંદ્રની હકારાત્મક ઊર્જાને આપણી અંદર ઉતારવાના શ્રેષ્ઠ દિવસો છે. આ દિવસોમાં ઉપવાસનું મહત્ત્વ છે, કારણ કે એમાં તામસિક પદાર્થ ઓછામાં ઓછો લેવાય, ફળ આદિના ઉપયોગથી જળ તત્ત્વને સંતુલિત કરાય અને મનને પણ સ્થિર કરવામાં આવે. ચંદ્રમાનાં કિરણો આપણા સૂક્ષ્મ શરીરને પણ પ્રભાવિત કરીને બુદ્ધિ, વિવેક, ચેતના, ભાવના, સંવેદનાના લેવલ પર કામ કરે છે.’
પ્રખર કલાકાર બનો
ચંદ્રમાની આ પ્રભાવકતાને કારણે જ કાલિદાસે ચંદ્રમાને ઔષધિપતિ કહ્યો છે. ચંદ્રમા શાસ્ત્રીય દૃષ્ટિએ માતા અને મનનું પ્રતિનિધિત્વ કરે છે. તમે સાંભળ્યું હશે કે જે મનના નબળા છે એવા લોકો જો માતા અને વડીલોની સેવા કરે તો તેમનો ચંદ્રમા મજબૂત થાય અને મનનું બળ પણ વધે. ડૉ. અભિલાષા ઉમેરે છે, ‘જે પણ લોકો કલાક્ષેત્રમાં જોડાયેલા હોય એમની રચનાત્મકતા પણ ચંદ્રનાં કિરણોનું પાન કરવાથી વધે છે. કલાના ગુણને પુષ્ટ કરવા, પ્રખર કલાકાર બનવા માટે પણ ચંદ્રના પ્રકાશમાં રહો. પૃથ્વીવાસીઓને ચંદ્ર સૌથી વધુ પ્રભાવિત કરે છે. સૌંદર્યવર્ધક વસ્તુઓની ગ્રહણક્ષમતા વધે છે, બ્રેઇન તરફ બ્લડ સપ્લાય વધે છે.’
આ પણ વાંચો: તન - મનને સ્થિર કરીને સ્વને ઓળખવાનો સરળ રસ્તો એટલે ઈશા ક્રિયા
સંકલ્પબળ વધારો આ અભ્યાસથી
ચંદ્રભેદી પ્રાણાયામ : ચંદ્રના અજવાસમાં પલાંઠી વાળીને અથવા તો વજ્રાસનમાં બેસી જાઓ. કરોડરજ્જુ સીધી રહે એ રીતે. હવે જમણી નાસિકા બંધ કરીને ડાબી બાજુથી શ્વાસ લો અને જમણી બાજુથી શ્વાસ બહાર કાઢો. કમ સે કમ ૨૭ રાઉન્ડ ખૂબ જ ધીમી ગતિએ આ અભ્યાસ કન્ટિન્યુ કરી શકાય. જે મનને શાંત કરવામાં, મનની વિહ્વવળતા દૂર કરવામાં અને શરીરને ચંદ્રનાં કિરણોમાંથી આવતી ઊર્જાને ગ્રાહ્ય બનાવવામાં મદદ કરશે.
ચંદ્ર નમસ્કાર : ૧૪ સ્ટેપ્સના આ અભ્યાસમાં એવાં આસનોને સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે જે ચંદ્રની સાઇકલનું પ્રતિનિધિત્વ કરે. પૂરા વિશ્વાસ અને અહોભાવ સાથે આ અભ્યાસ કરવામાં આવે તો ચંદ્રની ઊર્જા ગ્રહણ કરવા માટે આપણે સજ્જ બનીએ છીએ. રિલૅક્સ કરનારો અભ્યાસ બની શકે ચંદ્ર નમસ્કાર.
ચંદ્રમા ધ્યાન : ચંદ્રનો પ્રકાશ સંપૂર્ણ તમારા પર પડતો હોય એ રીતે પલાંઠી વાળીને જમીન પર અથવા તો ખુરશી પર પણ બેસી શકાય. કરોડરજ્જુ જોકે સીધી રહે એ મહત્ત્વનું છે. હવે આંખોને ચંદ્ર તરફ એકાગ્ર કરીને ત્રાટક સાથે ધ્યાનના અભ્યાસની શરૂઆત કરો. ચંદ્રની કોમળતા અને શીતળતા તમારી આંખો દ્વારા તમારા અંદર પ્રવેશી રહી છે. ચંદ્રથી તમારા મનની સ્થિરતામાં વધારો થઈ રહ્યો છે એવો અનુભવ કરતાં આપમેળે આંખો બંધ થાય એટલે આજ્ઞાચક્ર પર ચંદ્રની એ જ પ્રતિકૃતિની કલ્પના કરીને સ્થિર રહો.


