જો વર્ષોથી તમે એક જ રૂટીન પ્રમાણે નિયમિત રીતે હાજતે જતા હો પછી એ દિવસમાં ત્રણ વાર હોય કે ત્રણ દિવસે એક વાર હોય તો એનો અર્થ એ થયો કે તમારામાં સ્ટૂલની કોઈ તકલીફ નથી.
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં પ્રજા કોલોન-કૉન્શિયસ છે. પેટ સાફ આવ્યું કે નહીં એ પોતાનામાં એક મોટો ટૉપિક છે જે વિશે લોકો ચર્ચાવિચારણા અને ચિંતા કરતા હોય છે. બાળક જન્મે ત્યારથી લઈને વ્યક્તિ મરે ત્યાં સુધી તેનું પેટ સાફ છે કે નહીં એ બાબત વિશે લોકો વધુ પડતા જાગ્રત હોય છે છતાં એવા પણ છે જેમને પોતાની કશી નથી પડી. તકલીફ અતિ વધી જાય અને એનીમા આપવું પડે ત્યાં સુધી એ ડૉક્ટર પાસે જતા નથી. ભારતમાં હેલ્થને હાજત સાથે જોડી દેવાની લોકોને આદત છે. દરરોજ સવારે ઊઠીને તમે હાજતે જઈ આવ્યા એટલે તમે હેલ્ધી છો એવું માનવામાં આવે છે. જો નથી જતા તો તમને ઇલાજની જરૂર છે એમ સમજીને લોકો ઘેરબેઠાં ઘરગથ્થુ ઉપચાર શરૂ કરી દે છે.
હકીકતમાં મેડિકલ સાયન્સમાં દિવસમાં ૩-૪ વાર કોઈ હાજતે જાય અને ૩-૪ દિવસમાં ૧ વાર હાજતે જાય એ બન્ને પરિસ્થિતિને સામાન્ય ગણવામાં આવી છે. જો અઠવાડિયામાં કોઈ વ્યક્તિ ફક્ત બે જ દિવસ હાજતે જાય તો એને સંપૂર્ણપણે નૉર્મલ માનવામાં આવે છે. મારા એક દરદી તો અઠવાડિયે એક જ વાર હાજતે જાય છે, પરંતુ એ તેમની આદત છે જે વર્ષોથી છે. તે સંપૂર્ણ સ્વસ્થ છે. તેમને કોઈ તકલીફ નથી. આમ હાજતે જવાની ફ્રીક્વન્સી પર એ નક્કી નથી થતું કે તમને કબજિયાત છે કે નહીં. જો વર્ષોથી તમે એક જ રૂટીન પ્રમાણે નિયમિત રીતે હાજતે જતા હો પછી એ દિવસમાં ત્રણ વાર હોય કે ત્રણ દિવસે એક વાર હોય તો એનો અર્થ એ થયો કે તમારામાં સ્ટૂલની કોઈ તકલીફ નથી. જો અચાનક કોઈ પરિવર્તન આવી જાય તો સમજી શકાય કે કોઈ તકલીફ છે. જેમ કે તમે દર બે દિવસે હાજતે જતા હો અને ક્યારેક એવું થઈ જાય કે તમે દર ૪ દિવસે હાજતે જાઓ અને આ અનિયમિતતા ૩-૪ અઠવાડિયાં સુધી ચાલે તો કહી શકાય કે તમને કબજિયાત છે. એ સિવાય ઝાડો ખૂબ જ કઠણ થઈ ગયો હોય, હાજતે જવામાં ખૂબ જોર લગાડવું પડતું હોય, ટૉઇલેટ-સીટ પર ઘણીબધી વાર બેઠા રહેવું પડતું હોય, ૩-૪ દિવસ સુધી હાજતે જવાની જરૂર જ ન પડી હોય, બરાબર પ્રેશર આવતું ન હોય, હાજતે જઈ આવ્યા પછી પણ પેટ બરાબર સાફ થયેલું લાગે નહીં એ બધી પરિસ્થિતિ કબજિયાત સૂચવે છે. આવું કશું હોય તો જ ડૉક્ટરને મળો. બાકી શરીરમાં નાના-મોટા બદલાવ આવે તો ગભરાશો નહીં.

