જે લોકો ડાયટ અને એક્સરસાઇઝનું પર્ફેક્ટ બૅલૅન્સ નથી સાધી શકતા તેઓ માટે પ્રોફેશનલ હેલ્પ વધુ ફાયદાકારક નીવડતી હોય છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
વેઇટલૉસ માટે આજની તારીખે ઘણા લોકો આવીને અમને આ પ્રશ્ન પૂછતા હોય છે કે અમને વજન ઉતારવું છે, પરંતુ એના માટે અમે એક્સરસાઇઝ પર વધુ ધ્યાન આપીએ કે ડાયટ પર. હકીકત એ છે કે આ બન્નેનો સુમેળ હોવો જોઈએ ત્યારે વજન ઊતરે. ફક્ત ડાયટ કરવાથી કે ફક્ત એક્સરસાઇઝ કરવાથી વજન ઊતરતું નથી. શરૂઆતમાં તમે ઓછું ખાઓ અને એક્સરસાઇઝ ન કરો એટલે એવું લાગે કે ફક્ત ડાયટથી પણ રિઝલ્ટ મળે છે અને એનાથી વિપરીત તમને લાગે કે ૨૦૦ કૅલરી બર્ન કરી એટલે હવે દબાવીને ખાઈ શકાય તો એ પણ ખોટું છે. જેમને વેઇટલૉસનો અનુભવ છે તે જાણે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ડાયટ કરે છે ત્યારે તેનું વજન ઓછું થાય છે અને જ્યારે એક્સરસાઇઝ કરે છે ત્યારે એનો ઇંચ લૉસ થાય છે એટલે કે તેનું શરીર સુડોળ બને છે.
જો ખાલી ડાયટ કરે અને એક્સરસાઇઝ ન કરે તો ત્યારે વ્યક્તિનો મસલલૉસ થાય છે જેને કારણે વ્યક્તિનું વજન તો વધી જાય, પરંતુ શરીર લબડી જાય છે. ચામડી લચી પડે છે. તે વધુ ઉંમરલાયક દેખાવા લાગે છે. બીજું એ કે આ પ્રકારનો વેઇટલૉસ લાંબા સમય સુધી ટકતો પણ નથી. જેમ કે લોકો ભારે ઉપવાસ કરે તો તેમનું વજન ઊતરી જાય છે, પરંતુ પછી જેવું ખાવાનું શરૂ કરે એટલે શરીર ખૂબ જલદી ફુલાઈ જાય છે. આમ, ડાયટ એકલું ન કરતાં સાથે એક્સરસાઇઝ વેઇટલૉસ માટે અત્યંત જરૂરી છે. ઘણા લોકો જિમમાં કલાકો સુધી એક્સરસાઇઝ કરે છે, પરંતુ પછી પાછળથી દબાવીને ફાસ્ટ ફૂડ ઝાપટતા હોય છે.
જે લોકો એક્સરસાઇઝ કરી શકે છે અને જેમને એક્સરસાઇઝ કરવી ખૂબ ગમે છે તે લોકોને લાગે છે કે તેમના માટે ખાવાનું બૅલૅન્સ કરવું સહજ છે, જે હકીકત નથી. રાત્રે ખૂબ ઠુંસીને સવારે વધુ એક્સરસાઇઝ કરી જો એવું લાગતું હોય કે તમે બૅલૅન્સ કરી લીધું તો એવું થતું નથી, કારણ કે જે ખાધું અને એનું ફેટમાં રૂપાંતર થઈ ગયું એને એટલું જલદી ઓગાળવું સહેલું હોતું નથી. બીજું એ કે હદબહારની અને વગર વિચાર્યે કરવામાં આવતી એક્સરસાઇઝ પણ શરીર માટે ક્યારેક નુકસાનકારક સાબિત થાય છે, માટે બૅલૅન્સ હોવું ખૂબ જ જરૂરી છે. એક્સરસાઇઝની મહેનત ડાયટ ન કરીને વેસ્ટ કરવાની મૂર્ખામી ન કરવી જોઈએ. જે લોકો ડાયટ અને એક્સરસાઇઝનું પર્ફેક્ટ બૅલૅન્સ નથી સાધી શકતા તેઓ માટે પ્રોફેશનલ હેલ્પ વધુ ફાયદાકારક નીવડતી હોય છે, પરંતુ સમજવાનું એ જ છે કે એ બન્ને મહત્ત્વની છે.