ગયા અઠવાડિયે ઇન્ડિયન ફાર્મેકોપીઆ કમિશન (આઇપીસી)એ ડ્રગ સેફ્ટી અલર્ટ જાહેર કરી હતી જેમાં મેફ્ટાલ-સ્પાસ બ્રૅન્ડનેમથી વેચાતી પૉપ્યુલર પેઇનકિલર દવાથી ડ્રેસ (DRESS) સિન્ડ્રૉમ થતો હોવાનું કહેવાયું છે.
પ્રતીકાત્મક તસવીર
જે પણ સ્ત્રીઓને પિરિયડ દરમ્યાન પેડુમાં પુષ્કળ દુખાવો થતો હોય તેમને મેફ્ટાલ-સ્પાસ નામની દવા જરૂર ટ્રાય કરી હશે. ખાસ કરીને યંગ એજમાં વધુ માસિક આવતું હોય અને મેન્સ્ટ્રુઅલ ક્રૅમ્પ્સ વધુ આવતા હોવાથી કામમાં કૉન્સન્ટ્રેટ ન થઈ શકતું હોય ત્યારે આ દવા અપાય છે. થોડા સમય પહેલાં ભારત સરકારે આ દવા સામે ચેતવણી જાહેર કરી છે. ઇન્ડિયન ફાર્મેકોપીઆ કમિશને ચેતવણી ઇશ્યુ કરતાં કહ્યું છે કે મેફ્ટાલ બ્રૅન્ડ હેઠળ વેચાતી આ દવાથી ડ્રેસ (DRESS) સિન્ડ્રૉમ થઈ શકે છે. જ્યારથી આ જાહેરાત થઈ છે ત્યારથી સોશ્યલ મીડિયા પર જબરો હોબાળો મચ્યો છે કેમ કે અનેક લેડીઝ પિરિયડ્સ દરમ્યાન આ દવા લેતી આવી છે. માત્ર શહેરોમાં જ નહીં, ગામડાંઓમાં પણ આ દવા ખૂબ ફેમસ છે. આવામાં સવાલ એ થાય કે છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી વપરાતી અને છેલ્લા બે-અઢી દાયકામાં તો ઘર-ઘરમાં કૉમન પેઇનકિલર બની ગયેલી આ દવા અચાનક જ કેમ જોખમી થઈ ગઈ છે.
એના જોખમી હોવા કે ન હોવા વિશે કોઈ કન્ક્લુઝન પર આવતાં પહેલાં એ જાણી લઈએ કે મેફ્ટાલ ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝરની સબસિડિયરી કંપની પાર્ક ડેવિસ દ્વારા લગભગ ૧૯૬૭માં શોધાઈ હતી. મેફેનૅમિક ઍસિડ એ મુખ્ય ડ્રગ છે. ૧૯૮૦માં આ દવાને જેનરિક બનાવવામાં આવી અને ત્યારથી એ વિશ્વભરમાં મળતી થઈ ગઈ. જ્યારે શોધાઈ ત્યારે ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ અને રૂમેટૉઇડ આર્થ્રાઇટિસથી લઈને કૉમન મસ્ક્યુલર પેઇન માટે પણ વપરાતી હતી. જોકે નૉન-સ્ટેરૉઇડ ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી સેગમેન્ટની આ દવા માઇલ્ડથી મૉડરેટ પેઇન પર જ અસરકારક હોવાથી એ મુખ્યત્વે મેન્સ્ટ્રુઅલ ક્રૅમ્પ્સ માટે વપરાવા લાગી. આ જ કારણોસર જેમ ડોલો, સૅરિડોન કે પેરાસિટામૉલ ઘરમાં હોય એવી જ રીતે પેઇનફુલ પિરિયડ્સ ધરાવતી મહિલાઓના પર્સમાં મેફ્ટાલ પણ હોય એવું બનવા લાગ્યું છે.
ADVERTISEMENT
લગભગ ચાળીસ વર્ષથી વર્લ્ડવાઇડ વેચાતી મેફ્ટાલ સામે સવાલો ઊભા થયા છે ત્યારે આ દવા પ્રિસ્ક્રાઇબ કરતા ડૉક્ટરોનો અનુભવ શું કહે છે? શું તેમણે ક્યારેય મેફ્ટાલ લેતી મહિલાઓમાં ડ્રેસ સિન્ડ્રૉમ જોયો છે? એ વિશે વાત કરતાં જોગેશ્વરીનાં જાણીતા ગાયનેકોલૉજિસ્ટ ડૉ. જયેશ શેઠ કહે છે, ‘અમે દાયકાઓથી આ દવા આપીએ છીએ, પણ દવાને કારણે કોઈ રીઍક્શન હોવાનું અમે નોંધ્યું નથી. ફાર્માસ્યુટિકલ કંપનીઓ જૂની ટ્રાઇડ ઍન્ડ ટેસ્ટેડ દવાઓની સામે નવી દવાઓનું માર્કેટ ઊભું કરવા માટે સમયાંતરે આવી ચેતવણીઓ બહાર પાડતી હોય છે. જ્યારે દવા નવી શોધાઈ હોય ત્યારે મોંઘી હોય, પણ એ જેનરિક બની જાય એટલે એ સસ્તી થાય. આ પહેલાં નિમેસ્યુલાઇડ ટૅબ્લેટ્સનું પણ એવું જ હતું. આ દવા પણ સેફ હતી, પરંતુ સસ્તી થયા પછી એને પણ ધીમે-ધીમે કરીને સાઇડ-ઇફેક્ટવાળી કહીને બૅન કરી દેવામાં આવી. દરદીનાં લક્ષણો મુજબ જો તેને પેઇનકિલરની જરૂર હોય તો અમે મેફ્ટાલ-સ્પાસ આજે પણ આપીએ છીએ. આ માઇલ્ડ-ટુ મૉડરેટ પેઇનકિલર છે જે ઘણે અંશે સેફ છે. તમે જોશો તો કોઈ પણ દવાને ૧૦૦ ટકા સેફ ક્યારેય કોઈ મેડિકલ જર્નલમાં ગણાવાઈ નથી. ક્યારે, કોને, શું અને કેવું રીઍક્શન આવી શકે એ બહુ જ સબ્જેક્ટિવ છે. કોઈ પણ મેડિસિન તમે લો એની થોડીક સાઇડ-ઇફેક્ટ્સ તો હોય જ છે. યુવતીઓમાં મેન્સ્ટ્રુઅલ પેઇન માટે આ દવા ખરેખર ખૂબ જ સેફ છે.’
ડ્રેસ સિન્ડ્રૉમમાં શું થાય?
મેફ્ટાલ-સ્પાસ લેવાથી ડ્રેસ સિન્ડ્રૉમ થઈ શકે છે એવું ભયસ્થાન બતાવવામાં આવ્યું છે ત્યારે એ પણ સમજવું જરૂરી છે કે આ ડ્રેસ સિન્ડ્રૉમમાં થાય શું. DRESSનું ફુલ ફૉર્મ છે ડ્રગ રીઍક્શન વિથ ઇઓસિનોફિલિયા ઍન્ડ સિસ્ટેમિક સિમ્પ્ટમ્સ. આવા ભારેખમ શબ્દો ધરાવતા સિન્ડ્રૉમમાં શું થાય એ સમજાવતાં લેપ્રોસ્કોપિક ગાયનેક સર્જ્યન ડૉ. મનન શેઠ કહે છે, ‘આ સિન્ડ્રૉમમાં દવાનો મૉલેક્યુલ શરીરમાં ઍલર્જી જેવું રીઍક્શન પેદા કરે છે. એને કારણે ઊબકા, ઊલટી, ઍસિડિટી જેવું લાગે. ઍલર્જિક રીઍક્શનને કારણે લોહીમાં ઇઓસિનોફિલ કાઉન્ટ્સ વધે. આ કાઉન્ટ્સ શરીરમાં કોઈ પ્રકારની ઍલર્જી હોવાનું બતાવે છે. કોઈ પણ દવા પહેલી વાર લેતા હો ત્યારે તમારા શરીરને અનુકૂળ આવે એમ છે કે નહીં એ ડૉક્ટર તપાસતા જ હોય છે. જો તમે પહેલેથી મેન્સ્ટ્રુઅલ ક્રૅમ્પ્સ માટે મેફ્ટાલ-સ્પાસ લેતા હો તો બે-પાંચ વર્ષ પછી તમને આવું રીઍક્શન આવશે એવું નથી. ઍલર્જિક રીઍક્શન આવવાનું હોય તો પહેલી જ વારમાં આવી જાય. જોકે ક્લિનિકમાં અમે પેશન્ટ્સને પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ ત્યારે એમાં અત્યાર સુધી ઍલર્જિક રીઍક્શનનું પ્રમાણ લગભગ નહીંવત જોવા મળ્યું છે.’
તો હવે કરવાનું શું?
સાઇડ-ઇફેક્ટ દરેક દવાની છે, પણ હવે સરકારની ચેતવણી પછી આ દવા લેવાય કે નહીં એની સાદી ગાઇડલાઇન સમજાવતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘જો તમને પિરિયડ્સના ક્રૅમ્પ્સ માટે દવાની જરૂર હોય તો ડૉક્ટર પાસેથી પ્રિસ્ક્રિપ્શન લો. અત્યારે આ દવા ઓવર ધ કાઉન્ટર મળવા લાગી હોવાથી એનો કદાચ વધુપડતો યુઝ થવા લાગ્યો હોય એવું બની શકે છે. ખૂબ દુખાવો હોય તો આઠ-આઠ કલાકના અંતરે દિવસમાં વધુમાં વધુ ત્રણ લેવાય. એનાથી વધુ નહીં. એથીયે વધુ પેઇન થતું હોય કે બ્લીડિંગ વધુ થતું હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. આ દવા ભૂખ્યા પેટે ન લેવાય. કંઈક ખાધા પછી જ લેવી. જો ઍસિડિટી જેવું લાગે તો ઍસિડિટી માટેની દવા સાથે લેવી.’

