Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મેદસ્વિતાનો ઇલાજ છે સૂર્યનમસ્કાર

મેદસ્વિતાનો ઇલાજ છે સૂર્યનમસ્કાર

Published : 04 February, 2025 03:02 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

વૈજ્ઞાનિક પરીક્ષણોની એરણ પર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આપવાની બાબતમાં પાવરફુલ સાબિત થયેલા સૂર્યનમસ્કારના અભ્યાસને સર્વાંગી વ્યાયામ તરીકે પણ ઓળખાય છે.

સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કાર


આજે રથ સપ્તમી એટલે કે સૂર્યદેવનો અવતરણ દિવસ પણ છે ત્યારે અનેક વૈજ્ઞાનિક પરીક્ષણોની એરણ પર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આપવાની બાબતમાં પાવરફુલ સાબિત થયેલા સૂર્યનમસ્કારના અભ્યાસને સર્વાંગી વ્યાયામ તરીકે પણ ઓળખાય છે. આ ક્રિયામાં તમારા શરીરનાં તમામ અંગની કસરત થઈ જાય છે. શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિમાં પણ એનું મહત્ત્વ અદકેરું છે. આજના આ ખાસ દિવસે જીવનઊર્જાના વાહક એવા સૂર્યદેવને સમર્પિત એવા આ ખાસંખાસ અભ્યાસ વિશે વાત કરીએ


જસ્ટ ઇમૅજિન, જો આ ધરતી પર સૂર્ય ન હોત તો? તો આપણે પણ ન હોત. આ સંસાર જ ન હોત. સૂર્ય જીવનઊર્જાના મૂળમાં છે અને એટલે જ ભારતીય પરંપરામાં ડગલે ને પગલે સૂર્યદેવનું સ્મરણ કરવાની પરંપરા છે. હઠયોગ સાથે જ એ રીતે સૂર્યનમસ્કારની પણ પરંપરા શરૂ થઈ હશે. આજનો દિવસ ખાસ છે. માઘ મહિનાની શુક્લ પક્ષની સાતમ એટલે રથ સપ્તમી અથવા ભગવાન સૂર્યનો બર્થ-ડે જેને આરોગ્ય સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે સૂર્યદેવ પોતાના સાત ઘોડાવાળા રથને ઉત્તર-પૂર્વ દિશામાં વાળે એવી માન્યતા છે જે ઋતુપરિવર્તનની શરૂઆત મનાય છે. આજથી વસંત ઋતુની શરૂઆત થાય. આજના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરવાની પરંપરા છે અને સૂર્યદેવનાં નમન, સ્મરણ અને પૂજનથી જીવનને ઉન્નતિના રસ્તે લઈ જવાનો આરંભ આજના દિવસે કરી શકાય. અને એટલે જ આરાગ્યને વધારવા માટે નિયમિત સૂર્યનમસ્કાર કરવાનો સંકલ્પ કરવા માટે પણ આજનો દિવસ સર્વશ્રેષ્ઠ ગણી શકાય ત્યારે જાણી લો કે કઈ રીતે સૂર્યનમસ્કાર તમામ કસરતો કરતાં મુઠ્ઠી ઊંચેરા છે. આજે દેશમાં વિકટ બનેલો મોટાપાનો પ્રશ્ન, જેનો તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો એમાં સૂર્યનમસ્કાર કઈ રીતે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે એ વિશે પણ વાત કરીએ.



કરવાનું શું હોય?


સૂર્યનમસ્કારમાં બાર પ્રકારના પોઝને સામેલ કરવામાં આવ્યા છે એ તો બધા જ જાણે છે પણ અન્ય વ્યાયામ કરતાં એની વિશેષતાને વર્ણવતાં સેન્ટ્રલ કાઉન્સિલ ફૉર રિસર્ચ ઇન યોગ ઍન્ડ નેચરોપથી (CCRYN)ના ડિરેક્ટર રાઘવેન્દ્ર રાવ કહે છે, ‘મજાની વાત એ છે કે સૂર્યનમસ્કારમાં સામેલ કરવામાં આસનો અને એને એક પછી એક જે રીતે ગોઠવવામાં આવ્યાં છે એનો શરીર પર જોરદાર પ્રભાવ પડ્યો છે. ઘણા એવા વૈજ્ઞાનિક અભ્યાસો થયા છે જેમાં જુદી-જુદી હેલ્થ કન્ડિશનમાં મેથડોલૉજીમાં સૂર્યનમસ્કારને સામેલ કરવામાં આવ્યા હોય અને પરિણામ મળ્યું હોય. બાર પ્રકારનાં આસનો તમે એક પછી એક કરો એટલે તમારા શરીરના મહત્ત્વના તમામ સાંધાઓને કસરત મળે. આપણાં વૈદિક શાસ્ત્રોમાં પણ સૂર્યને એક ઊર્જાના પુંજ સમા ઈશ્વર તરીકે પૂજવામાં આવે છે. સૂર્યદેવ લાઇફ એનર્જીના વાહક છે. આપણા વેદોમાં, જ્યોતિષશાસ્ત્રમાં પણ જોશો તેમાં સૂર્યનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. એક માન્યતા પ્રમાણે એવું કહી શકાય કે શરૂઆતમાં વિવિધ મંત્રોચ્ચાર અને સ્તુતિ દ્વારા જ સૂર્યદેવની આરાધના કરવામાં આવતી હશે એ પછી હઠયોગનો પ્રારંભ થયો જેની સાથે સૂર્યનમસ્કારની આ એક સીક્વન્સ ડેવલપ થઈ હશે જે જેમ-જેમ સમય
પસાર થતો ગયો એમ વધુ ને વધુ વિકસિત થતી ગઈ. આજે વિવિધ યોગ સ્કૂલ પ્રમાણે સૂર્યનમસ્કારમાં જુદા-જુદા વેરિએશન સાથે અભ્યાસ થાય છે. કેટલાક એવાં પ્રમાણ મળે છે જેમાં કોલ્હાપુર રાજ્યના રાજા છત્રપતિ શાહુજીએ સૂર્યનમસ્કારને પ્રચલિત કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેઓ પોતે ભારતીય પરંપરાના અને યોગના પ્રશંસક હતા અને ઓગણીસમી સદીમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે યોગ અને સૂર્યનમસ્કારનો સ્વસ્થ જીવન જીવવાના ભાગરૂપે ભરપૂર પ્રચાર કર્યો છે.’


આજના સમયની માગ

આજના સમયે સૂર્યનમસ્કારની વિશેષ જરૂરિયાત છે એની સ્પષ્ટતા કરતા રહો. રાઘવેન્દ્ર રાવ કહે છે, ‘આજે આપણું જીવન બેઠાડુ થઈ ગયું છે અને બેઠાડુ જીવન જ મોટાપો, હાર્ટને લગતી સમસ્યા, ડાયાબિટીઝ જેવી લાઇફસ્ટાઇલને લગતી અનેક સમસ્યાઓનું પણ કારણ છે. બીજું, ફોનનો ઉપયોગ જે રીતે આપણે કરી રહ્યા છીએ એમાં આપણી ગરદન અમુક વિશિષ્ટ પોઝિશનમાં રહેતી હોય છે જેણે ગરદન અને સ્પાઇનની સમસ્યાઓ વધારી છે. અહીં જ સૂર્યનમસ્કાર બાજી મારી જાય છે. આપણા બગડી રહેલા પૉશ્ચરને સૂર્યનમસ્કારમાં ઉમેરાયેલાં આસનોથી સુધારી શકાય છે. ઍક્સીઅલ સ્કેલેટન તરીકે ઓળખાતા હાથ, પગ અને ખભાના મુખ્ય મસલ્સનો સૂર્યનમસ્કારમાં સર્વાધિક ઉપયોગ થાય છે. તમારા આ મસલ્સ સાથે જોડાયેલા સાંધાઓમાં મજબૂતી આવે છે. શરીરની ફ્લેક્સિબિલિટી બહેતર બને, શરીરમાં સર્ક્યુલેશન સુધરે અને જો તમે અમુક ઝડપ સાથે કરો તો વેઇટલૉસ અને ફૅટલૉસમાં પણ એ ઉપયોગી છે. બીજી મહત્ત્વની વાત, ભારતીયોનું જિનેટિક બંધારણ જ એ રીતનું છે કે આપણા શરીરમાં પેટની આસપાસ ચરબી વધારે પ્રમાણમાં સ્ટોર થતી હોય છે. યુરોપિયન્સમાં ફૅટ આખા શરીરમાં ડિસ્ટ્રિબ્યુટ થઈ જતી હોય છે પણ ભારતીયોમાં ચરબીનો મેજર મારો તમને પેટની આસપાસ મળશે. સૂર્યનમસ્કાર આ પેટની ચરબી દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.’

કેવા-કેવા લાભ થાય?

 સૂર્યનમસ્કારમાં સામેલ કરવામાં આવેલાં વિવિધ આસન તમારા શરીરના સ્નાયુઓની ક્ષમતા વધારે અને ઓવરઑલ ફ્લેક્સિબિલિટી વધારે.

 સૂર્યનમસ્કાર તમારા કોર મસલ્સ, તમારા હાથ અને પગના સ્નાયુઓની ક્ષમતા પર અદ્ભુત રીતે કામ કરે છે.

 સૂર્યનમસ્કાર શરીરના શુદ્ધીકરણ માટે પણ ઉપયોગી છે. તમારી શારીરિક ક્ષમતા અનુસાર જો સૂર્યનમસ્કારની સ્પીડ વધારતા જાઓ તો એ ડીટૉક્સનું કામ કરે અને સાથે તમારા પાચનતંત્રને પણ મજબૂત બનાવે.

 સૂર્યનમસ્કાર તમારા મનને શાંત કરે છે. સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીને દૂર કરે છે અને તમને ધ્યાનમાં સ્થિર થવા માટે મદદ કરે છે.‍

 સૂર્યનમસ્કાર તમારી એકાગ્રતા વધારવામાં મદદ કરે અને તમે વધુ સ્પષ્ટતાપૂર્વક વિચારી શકો એ માટે તમને સજ્જ કરે છે.

 સૂર્યનમસ્કાર તમારામાં એનર્જીનું પ્રમાણ વધારે છે અને થાકને ઘટાડે છે.

 સૂર્યનમસ્કારનો અભ્યાસ આપણામાં સહજ રીતે સમર્પણભાવ પ્રગટ કરે છે અને જીવન તેમ જ આ બ્રહ્માંડની વ્યાપક ઊર્જા પ્રત્યે અનુગ્રહ જગાવે છે.‍

 સૂર્યનમસ્કારનો અભ્યાસ વ્યક્તિમાં જાત પ્રત્યેની અવેરનેસ વધારવામાં મદદરૂપ થાય છે અને વ્યક્તિ પોતે પોતાના શરીરમાં અને શ્વાસ સાથે વધુ સભાનતા સાથે જાગ્રત રહે છે.

શું ધ્યાન રાખશો?

 સૂર્યનમસ્કાર કરતી વખતે તમારા શ્વસન પર તમારું ધ્યાન હોવું મહત્ત્વનું છે. બિનજરૂરી શ્વાસને રોકો નહીં અને જ્યારે પણ આગળની તરફ ઝૂકો ત્યારે શ્વાસ છોડવો અને જ્યારે પાછળની તરફ શરીરને ખેંચાણ આપો ત્યારે શ્વાસ લેવો, આ વાતનું ધ્યાન રહે એ મહત્ત્વનું છે.

 જેમને પણ ઘૂંટણ, કમર કે ખભામાં દુખાવો હોય, હાથના કાંડામાં સ્ટ્રેન્ગ્થની કમી હોય, શરીરમાં ક્યાંય પણ સર્જરી થઈ હોય, પેટને લગતી કોઈ સમસ્યા હોય એવા સમયે સાવધાનીપૂર્વક અનુભવી શિક્ષકની સલાહ અનુસાર જરૂરી મૉડિફિકેશન સાથે જ સૂર્યનમસ્કાર કરવા.

 પ્રેગનન્સી દરમિયાન પણ તમારા સ્વાસ્થ્ય ચિકિત્સકની સલાહ અનુસાર યોગ સાથે સૂર્યનમસ્કારનો અભ્યાસ કરવો.

 સૂર્યનમસ્કાર કરતી વખતે શારીરિક અને માનસિક રીતે સજગ રહેવું અનિવાર્ય છે. આજે જે સૂર્યનમસ્કારની કૉમ્પિટિશન શરૂ થઈ છે એમાં સૂર્યનમસ્કારનો અભ્યાસ મેકૅનિકલ બનતો જાય છે. તમારી સભાનતા અકબંધ રહે એવા પ્રયત્ન કરવા.

 સૂર્યનમસ્કાર કરવાનો ઉચિત સમય છે સવારનો, પરંતુ ધારો કે સવારે સમય ન મળે તો ખાલી પેટે તમે દિવસના કોઈ પણ સમયે અભ્યાસ કરી શકો.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2025 03:02 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK