તમારું વજન વધી ગયું છે અને સ્ટ્રેસ ખૂબ અનુભવો છો એ લક્ષણ તમને પીસીઓએસ એટલે કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ તરફ આંગળી ચીંધે છે
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૨૬ વર્ષની છે. હજી લગ્ન નથી કર્યાં, કેમ કે મને મારી મા બનવાની ક્ષમતા પર વિશ્વાસ નથી. તકલીફ એ છે કે મને દવા લઉં ત્યારે જ બ્લીડિંગ થાય છે. દવા બંધ કરી દઉં તો પિરિયડ્સ આવવાનું જ બંધ થઈ જાય છે. મેં બધી જ ટેસ્ટ કરાવી. સોનોગ્રાફી પણ નૉર્મલ છે. લેડી ડૉક્ટરોના કહેવા મુજબ જો હું સારવાર કરાવું તો મા બની શકું એમ છું. આ જ ટેન્શનમાં મારું વજન વધી ગયું છે. શું આ પરિસ્થિતિમાં મારાં લગ્ન થાય તો મને પ્રેગ્નન્સી રહી શકે ખરી? ગર્ભધારણ કરવામાં કોઈ તકલીફ પડવાની હોય તો મારે એ મુસીબતમાં જ મુકાવું નથી. હું મા બની શકું એમ છું?
તમારા વર્ણન પરથી તમારી સમસ્યા ઍક્ઝેક્ટલી શા કારણે છે એનું નિદાન નથી થઈ શકતું. દવા વિના માસિક નથી આવતું એ તો સમજ્યા, પણ તમે કઈ દવા લો છો અને કેટલા સમયથી? એ માટે ડૉક્ટરે શું કહ્યું છે? કયા રિપોર્ટ્સ કઢાવ્યા છે? નિદાન માટે આ રિપોર્ટ્સ પૂરતા છે કે કેમ એ પણ કેવી રીતે ખબર પડશે?
ADVERTISEMENT
તમારું વજન વધી ગયું છે અને સ્ટ્રેસ ખૂબ અનુભવો છો એ લક્ષણ તમને પીસીઓએસ એટલે કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ તરફ આંગળી ચીંધે છે. આ સમસ્યામાં ઘણી વાર ઈંડાં ખૂબ ઓછાં બને છે અથવા તો બનતાં નથી. દવા લેવાથી એગ્સ છૂટાં પડે છે અને માસિક આવે છે. ઘણી વાર યુટ્રસ કે ઓવરી ખૂબ નાનાં હોય અથવા તો કોઈ ઇન્ફેક્શન હોય તો પણ આવું થઈ શકે છે.
બધું જ બરાબર હોય, છતાં માસિક ન આવતું હોય એવું શક્ય નથી. શું સમસ્યા છે એ શોધવા માટે વિગતે ટેસ્ટ કરવી જરૂરી છે. યોગ્ય નિદાન માટે સિરમ FSH, LH, TSH, Prolactine, CBC, ESR, MT જેવી બ્લડ ટેસ્ટ પહેલાં કરાવો. એનાથી અંતઃસ્ત્રાવી તેમ જ ફૉલિકલ્સને લગતી સમસ્યા હશે તો ખબર પડશે. સમસ્યાનું નિદાન અને સારવાર ન થઈ જાય ત્યાં સુધી લગ્નની ઉતાવળ કરશો નહીં.
લગભગ છ મહિનાની ટ્રીટમેન્ટ લો. એ પછી ત્રણેક મહિના એની મેળે દવા વિના પિરિયડ્સ આવે એ જરૂરી છે. રેગ્યુલર માસિક થઈ જાય પછી તમે આગળ વધી શકો છો. હા, નાસીપાસ થવાની જરૂર નથી, પરંતુ બધું એની મેળે ઠીકઠાક થઈ જશે એવા ખોટા ભરોસામાં રહીને ટ્રીટમેન્ટ ટાળશો નહીં.

