કોઈ પણ વસ્તુનો અતિરેક હાનિકારક છે એમ કોઈ પણ વસ્તુ સાવ છોડી દેવી પણ હેલ્ધી નથી હોતી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૫૩ વર્ષનો છું અને હાલમાં મારું ટોટલ કૉલેસ્ટરોલ-લેવલ ૨૪૦ mg/dL આવ્યું છે. જે ડૉક્ટરના કહેવા મુજબ વધારે છે. તેમણે લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવવા કહ્યું છે. મને તળેલું બધું ખૂબ ભાવે છે અને મારી પત્ની કહે છે કે હવેથી મારે કાચું અને બાફેલું જ વધુ ખાવું પડશે. ઘી વગરની રોટલી મારે ગળે ઊતરતી નથી અને બાફેલાં શાક મને સાવ બેસ્વાદ લાગે છે. હું હાર્ટ ડિસીઝ સુધી હું પહોંચવા નથી માગતો, પણ ઘી-તેલ વગર ચાલતું નથી એનું શું કરું? એનો કોઈ ઉપાય ખરો?
તમે પણ એ જ ભૂલ કરો છો જે દુનિયા કરે છે. કાં તો તળેલું ખાવું, નહીંતર બાફેલું. વચ્ચે શેકેલું કે સાંતળેલું પણ હોય છે એ લોકો ભૂલી જાય છે. કોઈ પણ વસ્તુનો અતિરેક હાનિકારક છે એમ કોઈ પણ વસ્તુ સાવ છોડી દેવી પણ હેલ્ધી નથી હોતી. તમને કૉલેસ્ટરોલ આવ્યું છે એની દવા તમે ચાલુ કરી જ હશે. એની સાથે-સાથે ઘી-તેલનું પ્રમાણ ઘટાડવાનું છે, બંધ કરવાનું નથી. ઘી અને તેલ બન્નેની આપણને જરૂર છે અને એ કૉલેસ્ટરોલ હોય તેને તો શું હાર્ટના દરદી હોય તો તેણે પણ લેવું જ. ઘી અને તેલમાં જરૂરી ફૅટ્સ હોય છે. ફૅટ્સ વગરનો ખોરાક આપણા શરીરને નબળું બનાવે છે. એક માણસને દિવસભરમાં અંદાજે ૧૬૦૦થી લઈને ૨૨૦૦ જેટલી કૅલરીના ખોરાકની જરૂર રહે છે. એમાંથી ૨૫ ટકા જેટલી કૅલરી આપણને ફૅટ્સમાંથી મળવી જોઈએ. આ ફૅટ્સ તરીકે સૅચ્યુરેટેડ ફૅટ્સ, પૉલિઅનસૅચ્યુરેટેડ ફૅટ્સ અને મોનો અનસૅચ્યુરેટેડ ફૅટ્સનું મિશ્રણ હોવું જરૂરી છે. સૅચ્યુરેટેડ ફૅટ્સમાં ઘી આવે છે, જ્યારે ફૅટ્સના બાકીના બે પ્રકારમાં અલગ-અલગ પ્રકારનાં તેલ આવે છે. એ સિવાય બીજ જેમ કે સોયાબીન, મગફળી, તલ વગેરે અને ડ્રાયફ્રૂટ્સ પણ ફૅટ્સનો જ એક પ્રકાર છે. ફૅટ્સ આપણને જમવાનો સંતોષ આપે છે અને ખોરાકના પાચનમાં સમય લગાડે છે જેથી વ્યક્તિને જલદી ભૂખ લાગતી નથી. ઘીમાં રહેલાં સૅચ્યુરેટેડ ફૅટ્સ અને ફાયટો કેમિકલ્સ કૉલેસ્ટરોલને ઓગાળવામાં મદદરૂપ થાય છે. ઘી ખાવાથી હાર્ટની ધમનિઓમાં ચીકાશ રહે છે જેને લીધે એ બરડ થઈ જતી નથી અને ફ્લેક્સિબલ રહે છે. એને લીધે ધમનિમાં કૉલેસ્ટરોલ કે કશું ભરાઈ જતું નથી અને બ્લૉકેજ બનતા નથી. તમારે ફ્રાઇડ પદાર્થો ન જ ખાવા. તેલ અને ઘી બન્નેની માત્રા દરરોજ બે ચમચી જેટલી તમે લઈ શકો છો. આ એનું એકઍવરેજ પ્રમાણ સમજી શકાય. એનાથી વધુ માત્રા નુકસાન કરી શકે છે.

