આવાં લક્ષણો વર્કિંગ વિમેન્સમાં અનેક વાર જોવા મળે છે. મૂડસ્વિંગ્સ, વજનમાં વધારો અને અવાંછિત જગ્યાએ વાળનું ઊગવું એ કોઈક ને કોઈક રીતે હૉર્મોનલ અસંતુલન તરફ નિર્દેશ કરે જ છે
પ્રતીકાત્મક તસવીર
મોટા ભાગે આજની બહેનો પરિવારની સાથે પ્રોફેશનલી પણ ખૂબ અગ્રેસર હોય છે. બેવડી જવાબદારી લેતી મિડલ-એજ મહિલાઓ ઘણી વાર ન સમજાય એવાં લક્ષણો સાથે આવતી હોય છે. મારી પાસે ૩૬ વર્ષનાં વર્કિંગ વુમન આવેલાં. ખૂબ જ જવાબદાર પોઝિશન પર રહેવાથી ઑથોરિટેટિવ પણ ખરાં. પિરિયડ્સની મુશ્કેલીએ તેમના મૂડસ્વિંગ્સને હિલોળે ચડાવેલા. માસિક નિયમિત આવતું, પણ ખૂબ ઓછું. એમાંય બ્લીડિંગમાં ચીકાશ વધુ હોય. પહેલેથી પાતળો બાંધો હતો, પણ છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં વજન વધી ગયેલું. પિરિયડ્સ દરમ્યાન દુખાવો નથી હોતો, પણ સ્વભાવ રોતલ અને ચીડિયો રહે. કંઈ કારણ વગર રડી પડે. ગુસ્સો ભભૂકી ઊઠે તો કોઈ ને કંઈ પણ બોલી નાખે. દાઢી, પેટ અને નીપલની આસપાસમાં પણ બે-પાંચ વાળ ઊગવાનું શરૂ થયેલું એટલે તેમને થયું કે ક્યાંક હૉર્મોનલ તકલીફ તો નહીં હોયને?
આવાં લક્ષણો વર્કિંગ વિમેન્સમાં અનેક વાર જોવા મળે છે. મૂડસ્વિંગ્સ, વજનમાં વધારો અને અવાંછિત જગ્યાએ વાળનું ઊગવું એ કોઈક ને કોઈક રીતે હૉર્મોનલ અસંતુલન તરફ નિર્દેશ કરે જ છે. જોકે કયાં હૉર્મોન્સમાં અસંતુલન છે એ શોધવું જરૂરી છે. માસિક નિયમિત છે એનો મતલબ એ નથી કે તેમને પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝની તકલીફ નહીં હોય. માસિક દરમ્યાન ચીકણું પાણી નીકળવાનું કારણ કદાચ યુટ્રસમાં મસા જેવું કંઈક થયું હોય એવું પણ બની શકે છે. થાઇરૉઇડ હૉર્મોન્સમાં ગરબડ પણ વજન વધવાનું અને બ્લીડિંગ ઘટવાનું કારણ હોઈ શકે.
ADVERTISEMENT
પ્રોફેશનલી સ્ટ્રેસફુલ સ્થિતિમાં રહેતી બહેનોને મિડલ-એજ દરમ્યાન હૉર્મોન્સમાં આવા ઉતાર-ચડાવ આવે જ છે. જોકે જે પ્રકારે મૂડસ્વિંગ્સ વધી ગયા છે એ જોતાં મેનોપૉઝ વહેલો આવવાનાં લક્ષણો પણ હોઈ શકે છે.
આવાં મૂંઝવતાં લક્ષણો હોય ત્યારે કેટલીક બ્લડ-ટેસ્ટ કરાવી લેવાથી મોટા ભાગે સમજાઈ જતું હોય છે કે સમસ્યાનું મૂળ ક્યાં છે. આ ટેસ્ટ એટલે serum FSH, LH, TSH અને પ્રોલેક્ટિન. આ ચારેય હૉર્મોન્સના રેશિયો પરથી બે વસ્તુ સમજાઈ જશે. જો પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ હશે તોય ખબર પડશે અને પ્રી-મેનોપૉઝલ અવસ્થાની શરૂઆત હશે તોય ખબર પડી જશે.
ઘણી વાર સ્ટ્રેસને કારણે પ્રી-મેન્સ્ટ્રુઅલ ફેઝમાં ચીડિયાપણું રહે અથવા તો રડી પડાય એવું બને. આ માટે માસિક આવવાનું હોય એના પહેલાં અનાજ ખાવાનું ઓછું કરી વધુ ફળો અને શાકભાજીની ડાયટ લેવી. રાતે સૂતાં પહેલાં કૅમમાઇલ ટી પીવી જેથી ઊંઘ સારી આવે અને મૂડસ્વિંગ્સ ઘટે.

