Mast Rahe Mann: આજના એપિસોડમાં આપણે જાણ્યું કે ફોબિયા શું છે અને તેમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે. જેથી આપણે આવતા એપિસોડમાં આપણે જાણીશું કે ફોબિયા માટેની સારવાર અને તે બાબતે લોકો શું વિચારે છે.
સાયકૉલૉજિસ્ટ નિરા પટેલ (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)
અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મૅન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને એનિમલના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્ક્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી-ટૅક્નોલોજીનો, બીજો ટી-ટ્રાન્સફોર્મેશનનો અને આ બન્ને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત કોઈની સામે સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે વધુ એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકૉલૉજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું! મસ્ત રહે મનના આજના એપિસોડમાં આપણી સાથે છે સાયકોલોજીસ્ટ નિરા પટેલ, જેઓ એક એવા માનસિક સ્વાસ્થ્યના મુદ્દે પ્રકાશ જેની ખૂબ જ અવગણના કરવામાં આવે છે.
ફોબિયા અને ભય વચ્ચે શું છે તફાવત?
ADVERTISEMENT
નિરા પટેલ કહે છે કે “ફોબિયા માત્ર એક પ્રકારનો ભય છે એમ ગણવામાં આવે છે, જોકે એવું હોતું નથી. ફોબિયાને અતાર્કિક ભય (Irrational Fear) કહેવાય છે. ભય અને ફોબિયા વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે. ભયને થોડી હિમ્મત કરીને દૂર કરી શકાય છે, પણ ફોબિયાનો ઈલાજ કરવા માટે એક પ્રકારની યોગ્ય સારવાર અને નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી બની જાય છે, કારણ કે ફોબિયાની અસર સાધારણ ભય કરતાં ખૂબ જ વધારે હોય છે, જે આપણાં શરીર અને રોજિંદા જીવન પર ઊંડી અસર કરે છે.
કોઈ વ્યક્તિને કેવા પણ પ્રકારનો ફોબિયા હોય તો માત્ર તે બાબત સામે આવે ત્યારે જ નહીં, પણ તે બાબતની તસવીરો કે માત્ર તેની વાત પણ થાય તો તે વ્યક્તિ આ અંગે ઘણું બધુ વિચારવા માંડે છે, અને તેનાથી ખૂબ જ ભયભીત થઈ જાય છે. આ બાબતોમાં પાયરોફોબિયા એટલે આગનો ફોબિયા, એન્ટોમોફોબિયા - જીવ-જંતુઓનો ફોબિયા, એક્રોફોબિયા - ઊંચી જગ્યા પર જવાનો ફોબિયા, નવા લોકો સાથે વાત કરવી અને તેમને મળવાનો ફોબિયા, આ સાથે રિલેશનમાં આવવાનો પણ ફોબિયા લોકોમાં જોવા મળી શકે છે. આ બધા જ ફોબિયાના જુદા જુદા નામ હોય છે.
ફોબિયાની શરૂઆત કેવી રીતે થઈ શકે છે?
એક ઉદાહરણ આપતા નિરા પટેલ કહે છે કે “ફોબિયા ભૂતકાળમાં વ્યક્તિના જીવનમાં બનેલી ઘટનાને કારણે પેદા થઈ શકે છે. દાખલા તરીકે કોઈ બાળકને રમકડું આપો અને તે જ સમયે તેની આસપાસ ફુગ્ગો ફૂટે આજે જોરદાર આવાજ થાય તો બાળક ડરી જાય, અને તેના મનમાં આ રમકડા પ્રત્યેનો ભય બેસી જાય છે, અને તે આગળ જતાં વધે છે અને ઊંચા સ્તરે પહોંચે છે.
ફોબિયામાં જોવા મળે આવા લક્ષણો
ફોબિયા એક ઍંગ્ઝાયટીનો જ ભાગ છે. જે વ્યક્તિને ફોબિયા હોય તે કોઈ ચોક્કસ બાબતને લઈને એકદમ અડગ સ્વભાવ ધરવતી જોવા મળે છે. કોઈ બાબતનો ફોબિયા ધરાવતી વ્યક્તિની આસપાસ તે બાબતનો ઉલ્લેખ થાય કે તેનો અનુભવ થાય તો તેના હૃદયના ધભકરા વધવા, મોઢું સુંકાઈ જવું, પેટમાં વેક્યૂમ નિર્માણ થાય અને એકદમ ભયભીત થઈ જવું અને બ્લડ પ્રેશર વધવું વગેરે પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે.
આજના એપિસોડમાં આપણે જાણ્યું કે ફોબિયા શું છે અને તેમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે. જેથી આપણે આવતા એપિસોડમાં આપણે જાણીશું કે ફોબિયા માટેની સારવાર અને તે બાબતે લોકો શું વિચારે છે.

