° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

કૌન સી ચક્કી કા આટા ખાત હો દાદા-દાદી?

07 April, 2021 02:07 PM IST | Mumbai | Bhakti D Desai

આજે વર્લ્ડ હેલ્થ ડેના દિવસે યુવાનોને શરમાવે એવું સ્વાસ્થ્ય ધરાવતા ૮૦ વર્ષથી વધુ વયના વડીલો પાસેથી જાણીએ લાંબી આવરદા અને સ્વસ્થતાનાં રહસ્યો

કચ્છના ભુજૌડીમાં આવેલા વંદે માતરમ મેમોરિયલમાં ગાંધીજીના ચરખાની પ્રતિમા સાથે લાલજીભાઈ ગાલા તેમની પ્રપૌત્રી વ્રિહા સાથે

કચ્છના ભુજૌડીમાં આવેલા વંદે માતરમ મેમોરિયલમાં ગાંધીજીના ચરખાની પ્રતિમા સાથે લાલજીભાઈ ગાલા તેમની પ્રપૌત્રી વ્રિહા સાથે

આજકાલ ચાળીસ-પચાસની ઉંમરે ત્રણ-ચાર ક્રૉનિક રોગો શરીરમાં પનપવા લાગે છે અને સ્વસ્થ રહેવા માટે રોજ દવાઓના બૂકડા ફાકવા પડે છે. સૌ એક વાત સાથે સહમત થશે કે આપણી વડીલ પેઢી નવી જનરેશન કરતાં વધુ સ્વસ્થ હતી અને છે. આજે વર્લ્ડ હેલ્થ ડેના દિવસે યુવાનોને શરમાવે એવું સ્વાસ્થ્ય ધરાવતા ૮૦ વર્ષથી વધુ વયના વડીલો પાસેથી જાણીએ લાંબી આવરદા અને સ્વસ્થતાનાં રહસ્યો

આપણે ઉંમરનું મૂલ્યાંકન આંકડા દ્વારા કરીએ છીએ તેથી જ અંગ્રેજીની એક કહેવતને અનુસરીએ તો ‘એજ ઇઝ જસ્ટ અ નંબર’. હા, વિશ્વભરમાં ઉંમરથી વૃદ્ધ અને છતાંય કાયાથી યુવાન લોકોને જોઈને સંશોધકો પણ વિચારમાં પડી જતા હોય છે કે આવું કેવી રીતે બની શકે? તેથી જ વર્ષ ૨૦૨૦માં એક સંશોધન કરવામાં આવ્યું હતું કે ઘણા લોકોની ક્રોનોલૉજિકલ (ઘટનાક્રમિક) ઉંમર, તેમની બાયોલૉજિકલ (જૈવિક) ઉંમર કરતાં વધારે હોય છે અને વ્યક્તિ જો મનથી યુવાન રહેવા માગે તો આ ઉંમરના આંકડામાં થતો ઉમેરો માત્ર એક ગણતરીનું માધ્યમ જ બનીને રહી જાય છે. ઘણી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા મોટી ઉંમર ધરાવતા વડીલોને જોઈએ તો ઉંમરને માત્ર એક આંકડા તરીકે જ જોવાની આપણને ફરજ પડે છે. આજે વર્લ્ડ હેલ્થ ડેના દિવસે ૮૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને કોઈ પણ સહારા વગર હરતા-ફરતા અને ઘરની અથવા બહારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા સ્વસ્થ વડીલોને પૂછીએ કે તેમની તંદુરસ્તીનો રાઝ શું છે. 

ઘડિયાળના કાંટે જીવન

બોરીવલીમાં રહેતા ૯૩ વર્ષના લાલજી પ્રેમજી ગાલા દરરોજ સવારે ૪ વાગ્યે ઊઠે છે. તેમને બહાર જવું પણ ખૂબ ગમે છે. હજી ગયા વર્ષ સુધી ગિફ્ટ આર્ટિકલ્સની દુકાને નિયમિત સાંજે જતા અને ગ્રાહકો સાથે પણ વાતચીત કરતા, પણ હાલમાં કોવિડને કારણે તેમણે બંધ કર્યું છે. લાલજીભાઈ તેમની તંદુરસ્તીનું રહસ્ય જણાવતાં કહે છે, ‘મારા જીવનમાં હું એક વાત અનુસરું છું અને એ છે નિયમિતતા. જો એક વ્યક્તિને નીરોગી શરીર સાથે લાંબું આયુષ્ય જોઈતું હોય તો ઉંમર તરફ ધ્યાન ન આપતા માત્ર ઘડિયાળના કાંટા પ્રમાણે જીવનને ચલાવવું જોઈએ. આનો અર્થ એ છે કે દરરોજ જમવાનો, રાત્રે સૂવાનો અને સવારે ઊઠવાનો સમય નિશ્ચિત જ રાખવો જોઈએ. હું બપોરનું જમવાનું મધ્યાહ્ને બાર વાગ્યે અને સાંજનું ભોજન છ વાગ્યા પહેલાં લઈ લઉં છું. ત્યાર બાદ રાત્રે દસ વાગ્યે સૂવા જાઉં અને આ દરમ્યાન જો તરસ લાગે તો અડધો ગ્લાસ પાણીની છૂટ રાખું. સવારે ૪ વાગ્યે ઊઠી એકથી દોઢ કલાક યોગ કરું અને ખાસ તો વિવિધ મુદ્રાઓ પણ કરું. મુદ્રા વિજ્ઞાનમાં મારો ખૂબ

વિશ્વાસ છે, જેનાથી શરીરની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. નિયમિત ચાલવાનું પણ રાખું છું. મને બેસી રહેવું નથી ગમતું તેથી ઘરમાં મારાં કામ કરવા હું ચાલ્યા કરું. મને ઈશ્વર કૃપાથી કોઈ રોગ નથી, કારણ કે હું નૈસર્ગિક ઉપચારમાં જ માનું છું અને આના પર ઘણાં પુસ્તકો પણ મેં વાંચ્યાં છે. આપણે જેટલા કુદરતની નજીક હોઈશું તેટલા વધુ સ્વસ્થ રહી શકીશું. આને કારણે હું કોવિડની રસી પણ નથી લેવા ઇચ્છતો. છેલ્લાં પંદરેક વર્ષથી ફક્ત જૈન ભોજન લઉં છું અને આમ તો જીવનભર હું ઘરનું સાદું જમવાનું જ પસંદ કરું છું. બાળકો સાથે હસતાં-રમતાં સમય વિતાવું એ મારા જીવનનું મુખ્ય સૂત્ર છે.’ 

પ્રબળ ઇચ્છાશક્તિ એ જ દવા

બોરીવલીમાં રહેતાં ૮૫ વર્ષનાં કુમુદ દલાલ ઘરનાં બધાં કામકાજ પોતાની વહુ કરતાંય ઝડપથી કરી લે છે. તેમના જીવનમાં અને દિનચર્યામાં એવાં શું રહસ્યો છુપાયેલાં છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘મારા જીવનમાં મારી

પ્રબળ ઇચ્છાશક્તિ મારા જીવનને નીરોગી રીતે આગળ ધપાવનાર દવા છે. એવું નથી કે હું કોઈ નિયમમાં જ માનું છું અને રાત્રે વહેલી સૂઈ જાઉં છું. મને પરિવાર સાથે રાત્રે બેસવાની મજા આવે અને અમુક ટીવી સિરિયલ ગમે તો હું રાત્રે અગિયાર વાગ્યે પણ ટીવી જોવા બેસું. હા, સવારે સાડાસાત પહેલાં ઊઠી જાઉં. અમારે ત્યાં ઠાકોરજીની સેવા બિરાજે છે, જે હું કરું છું. ત્યાર બાદ દરરોજ શ્રીમદ ભાગવત વાંચવું અને એક પુસ્તકમાં અષ્ટાક્ષર મંત્ર લખવા એ મારી દિનચર્યાનો મહત્ત્વનો હિસ્સો છે. ઠાકોરજીની અસીમ કૃપા છે કે આની સાથે હું મારી વહુને ઘરનાં કામમાં મદદ પણ કરું છું. જો તે ક્યારેક થાકી ગઈ હોય અને એમ કહે કે ‘બા, આજે આ કામ નથી કરવું’ તો હું મારો ઉત્સાહ ન મારું અને એ કામ કરી જ લઉં. સાચું કહું તો હું મારા ઘરનાં નાનાં બાળકોને જોઉં છું ત્યારે સમજાય છે કે અમારી પેઢીમાં જે શારીરિક અને માનસિક ઉત્સાહ, જુસ્સો અને તરવરાટ છે એ હવેનાં બાળકોમાં ક્યાંક ખૂટે છે. અમારી ઇચ્છાશક્તિ અને હિમ્મત આ બધાં કરતાં ક્યાંય વધારે છે. કોવિડના રસીકરણ માટે પણ મને ખૂબ ઉત્સાહ હતો એટલે મેં રસી મુકાવી અને ત્યાં બૂથ પર જઈને ફોટો પણ પડાવ્યો. તંદુરસ્ત જીવન જીવવા કોઈ નિયમમાં જ બંધાવું જરૂરી નથી, પણ સતત વ્યસ્ત રહેવું અને ઇચ્છાશક્તિ પ્રબળ રાખવી ખૂબ જરૂરી છે.’

આ બધા વડીલો ટાઇમ ટેસ્ટેડ સલાહ આપે છે, જે યુવા પેઢીએ પણ જીવનમાં અપનાવવા જેવી છે. આજે વર્લ્ડ હેલ્થ ડેના દિવસે વડીલોના સ્વાસ્થ્યનો આ ધોધ યુવાઓ અને બાળકો સુધી વહેશે તો જ આજની પેઢી પણ સ્વસ્થ જીવન જીવી શકશે.

07 April, 2021 02:07 PM IST | Mumbai | Bhakti D Desai

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

કોરોનાનો બીજો ડોઝ પહેલાં લેવો કે લક્ષણોનું નિદાન કરાવવું?

સામાન્ય રીતે કોરોનાની વૅક્સિનનો પહેલો ડોઝ વીસ દિવસ પહેલાં લીધો છે તો બીજો ડોઝ ૪ થી ૧૨ વીક સુધીમાં લેવો જોઈએ

13 April, 2021 03:17 IST | Mumbai | Dr. Meghal Sanghavi
હેલ્થ ટિપ્સ

સંકોચ છોડો, ઇલાજ કરો

દર દસમાંથી સાત મહિલાઓને જીવનના કોઈ પણ તબક્કે યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શનની સમસ્યાનો સામનો કરવો પડે છે. ડ્યુક રિસર્ચરો આ સમસ્યાના નિવારણ માટેની વૅક્સિન માટે મથી રહ્યા છે અને આંશિક સફળતા મળી પણ છે. જોકે એની વૅક્સિન આવે ત્યાં સુધી શું કરવાનું? આવો જાણીએ

13 April, 2021 02:38 IST | Mumbai | Varsha Chitaliya
હેલ્થ ટિપ્સ

સવારે ઊઠતાં જ આંખો બળે છે ને થાકેલી લાગે છે

વર્ક ફ્રૉમ હોમ કરતા લગભગ દર દસમાંથી આઠને વધતેઓછે અંશે આંખની સમસ્યા જણાય છે

12 April, 2021 03:48 IST | Mumbai | Dr. Himanshu Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK