Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > અસ્થમા હોય તો પ્રેગ્નન્સીમાં ઇન્હેલર બંધ ન જ કરવાં

અસ્થમા હોય તો પ્રેગ્નન્સીમાં ઇન્હેલર બંધ ન જ કરવાં

02 May, 2023 05:32 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

પરંતુ જે સ્ત્રીને અસ્થમા છે તેને ઇન્હેલર બંધ ન કરવું જોઈએ, કેમ કે એ મા અને બાળક બન્ને માટે હાનિકારક સાબિત થઈ શકે એમ છે

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ અસ્થમા ડે

પ્રતીકાત્મક તસવીર


સામાન્ય રીતે પ્રેગ્નન્સીમાં કોઈ પણ પ્રકારની દવાઓ લેવાની મનાઈ હોય છે અથવા તો ડૉક્ટરને પૂછીને જ દવા લેવી એવો આગ્રહ રાખવામાં આવે છે, જે યોગ્ય છે. પરંતુ જે સ્ત્રીને અસ્થમા છે તેને ઇન્હેલર બંધ ન કરવું જોઈએ, કેમ કે એ મા અને બાળક બન્ને માટે હાનિકારક સાબિત થઈ શકે એમ છે


કેસ- રીનાને એ ટીનેજર હતી ત્યારથી અસ્થમા હતો. એનો ઇલાજ ચાલ્યો અને એ વચ્ચે ઠીક હતી. અમુક પ્રકારની ઍલર્જી પર તેણે ધ્યાન આપ્યું, વજન ઘટાડ્યું અને લાઇફસ્ટાઇલ થોડી બહેતર કરી. ધીમે-ધીમે દસેક વર્ષમાં અસ્થમા જતો રહ્યો. પરંતુ એ ફરી ૨૯ વર્ષે પાછો શરૂ થયો. એ માટે તે રેગ્યુલર તો નહીં પરંતુ જરૂર પડે ત્યારે ઇન્હેલર લેતી હતી. ૩૧ વર્ષે તે પ્રેગ્નન્ટ થઈ. ચેકઅપ માટે ગઈ ત્યારે તેના ગાયનેકે તેને સમજાવી કે બાળકની હેલ્થ માટે કોઈ પણ પ્રકારની મેડિસિન મને પૂછ્યા વગર લેવી નહીં. રીનાએ તેમને જણાવ્યું કે તે પોતાના અસ્થમા માટે ઇન્હેલર્સ ક્યારેક લે છે. ગાયનેકે પૂછ્યું કે રેગ્યુલર લેવાની જરૂર પડતી નથીને? તો તેણે કહ્યું કે ના. તો ગાયનેકે કહ્યું કે ઇન્હેલર્સ લેવાની જરૂર નથી. પ્રાણાયામ ચાલુ રાખો. નહીં જરૂર પડે. છતાં તકલીફ થાય ત્યારે મને જણાવજો. રીનાએ પણ વિચાર્યું કે ઇન્હેલર્સમાં તો સ્ટેરૉઇડ્સ હોય છે ને એનાથી બાળકના ગ્રોથને નુકસાન થશે. એટલે તેણે સંકલ્પ કરીને બધાં ઇન્હેલર્સ ફેંકી દીધાં.તેણે વિચારી લીધું કે હું ૯ મહિના વગર ઇન્હેલર ચલાવી લઈશ. એનાથી થયું એવું કે રીનાનો અસ્થમા વકર્યો. શ્વાસની તકલીફ ખૂબ વધી ગઈ. પાંચમા મહિને તેને અસ્થમાનો મોટો અટૅક આવ્યો. હૉસ્પિટલ ખસેડવી પડી. તકલીફ એવી થઈ કે તેને લોહીમાં સ્ટેરૉઇડ આપી શકાય એમ નહોતાં અને ઇન્હેલર્સ આપીને એની અવસ્થા કાબૂમાં લાવી શકાય એમ નહોતી. મા શ્વાસ ન લઈ શકે તો બાળકને તકલીફ થવાની જ છે. માંડ-માંડ ઇમર્જન્સી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી. રીનાને તેની ભૂલ સમજાઈ કે તેણે પોતાની રીતે ઇન્હેલર્સ બંધ નહોતાં કરવાનાં. 


પ્રેગ્નન્સી એક એવી અવસ્થા છે જેમાં બાળકને જેટલી નૅચરલ પરિસ્થિતિમાં મોટું કરી શકાય એટલું સારું એમ માનવામાં આવે છે. એક સમય એવો હતો કે પ્રેગ્નન્સીમાં સ્ત્રીઓ કોઈપણ બીમારીમાં દરેક પીડા સહન કરતી રહેતી અને દવાઓ લેતી જ નહીં, કારણ કે તેને લાગતું કે દવાઓની બાળક પર ઊંધી અસર થશે, પરંતુ આજકાલ એવું રહ્યું નથી. ઘણી સેફ દવાઓ માર્કેટમાં આવી છે. ડૉક્ટર્સને પૂછીને એ દવાઓ લઈ શકાય છે, જેનાથી બાળકને નુકસાન થતું નથી. એમાંય પ્રેગ્નન્સીના ૯ મહિના દરમ્યાન અસ્થમાને મૅનેજ કરવો ખૂબ જ જરૂરી છે અને એના મૅનેજમેન્ટમાં ઇન્હેલર્સ એક સેફ ઑપ્શન છે. 

અસ્થમા અને હૉર્મોન્સ 


અસ્થમા એક કૉમ્પ્લેક્સ તકલીફ છે. કેટલીક ઍલર્જી, શારીરિક અવસ્થા, વાતાવરણનું કે ઘરનું પ્રદૂષણ જેવાં જુદાં-જુદાં પરિબળો છે જેને લીધે ફેફસાં સાથે જોડાયેલા શ્વસનમાર્ગોમાં ઇન્ફ્લમેશન આવે છે, જેને કારણે જગ્યા સાંકડી થઈ જાય છે અને શ્વાસની તકલીફ ઊભી થાય છે. દરેક વ્યક્તિએ આ કારણો અને એનાં પરિણામો જુદાં હોય છે એટલે એનું મૅનેજમેન્ટ પણ થોડું તો અલગ હોવાનું જ. સ્ત્રીઓમાં આ રોગ પુરુષો કરતાં કઈ રીતે જુદો પડે છે એ વિશે વાત કરતાં પલ્મનોલૉજિસ્ટ ડૉ. સમીર ગરડે કહે છે, ‘સ્ત્રીઓમાં અસ્થમાનો સંબંધ તેમનાં હૉર્મોન્સ સાથે જોડાયેલો જોવા મળે છે. ઘણી સ્ત્રીઓને પ્યુબર્ટી વખતે જ અસ્થમા શરૂ થાય. ઘણાને મેનોપૉઝ વખતે બંધ થાય. ઘણી સ્ત્રીઓને અસ્થમા હોય પણ પિરિયડ્સ શરૂ થાય ત્યારે તેમને ઘણી રાહત રહે અને ઘણાને પિરિયડ્સ વખતે જ સમસ્યા વધે છે. એવી જ રીતે ઘણી સ્ત્રીઓનો અસ્થમા પ્રેગ્નન્સી દરમિયાન વધુ વકરે અને ઘણાને એ દરમિયાન કોઈ જ તકલીફ ન રહે. આમ હજી સુધી મેડિકલ સાયન્સ એટલું જ સમજી શક્યું છે કે સ્ત્રીઓમાં અસ્થમા તેમનાં હૉર્મોન્સ સાથે કોઈને કોઈ સંબંધ ધરાવે છે ખરો.’ 

પ્રેગ્નન્સી અને અસ્થમા 

જે સ્ત્રીને અસ્થમા છે તે પ્રેગ્નન્ટ બને તો તેને શું-શું તકલીફ થઈ શકે? એ બાબતે વાત કરતાં ડૉ. સમીર ગરડે કહે છે, ‘અસ્થમા ધરાવતી સ્ત્રી પ્રેગ્નન્ટ બની શકે છે. બસ, ધ્યાન એ રાખવાનું છે કે તેનું અસ્થમા મૅનેજમેન્ટ યોગ્ય ચાલુ રહે. પ્રેગ્નન્સીમાં ગર્ભાશય મોટું થાય અને ઉપર ફેફસાં થોડાં દબાય છે. અસ્થમાને કારણે શ્વાસમાં તકલીફ પડતી હોય તો શ્વાસની તકલીફ આ દબાણને કારણે વધશે. પ્રેગ્નન્સીમાં માનું ઑક્સિજન લેવલ પૂરતું હોવું ખૂબ જ જરૂરી છે. એ ઘટ્યું તો એની સીધી અસર લોહીના પરિભ્રમણ અને બાળકના વિકાસ પર પડે છે. એટલે અસ્થમાને કન્ટ્રોલમાં રાખવો જરૂરી છે. બીજું જો અસ્થમા મૅનેજ ન થયો હોય તો ડિલિવરી સમયે પણ જ્યારે કદાચ ઍનેસ્થેશિયા આપવાની જરૂર પડે તો એને લઈને કૉમ્પ્લીકેશન થશે. દરદીને ભાનમાં આવતાં વાર લાગશે.’

આ પણ વાંચો : પશુઓનો ઇલાજ એટલો પણ સરળ નથી...

ઇન્હેલર્સ વધુ સારો ઑપ્શન 

ભારતમાં આજે પણ એવા લોકો છે જે ઇન્હેલર્સ લેવાને યોગ્ય માનતા નથી. તેઓ માને છે કે ઇન્હેલર એક વાર લેવાનું શરૂ કરીએ તો એનું બંધાણ થઈ જાય છે એટલે કે એની આદત પડી જાય અને એ વારંવાર લેવું જ પડે. આ બાબતે સમજાવવા કરતાં અમેરિકન બોર્ડ સર્ટિફાઇડ અસ્થમા ઍલર્જી સ્પેશ્યલિસ્ટ ઇમ્યુનોલૉજિસ્ટ ડૉ. સીતેશ રૉય કહે છે, ‘જ્યારે કોઈ વ્યક્તિ બ્લડ-પ્રેશરની દવા રોજ લે છે તો શું તે આ દવાનો બંધાણી બની ગયો છે? એની તેને જરૂર છે. એ દવા તેના પ્રેશરને કાબૂમાં રાખે છે એટલે એ લેવી પડે છે. એવું જ ઇન્હેલર્સનું છે. બીજું એ કે ઘણા લોકો કહે છે કે અમને ગોળી આપી દો, ઇન્હેલર્સ નહીં. હકીકત એ છે કે જો ગોળીથી વ્યક્તિને ઠીક કરવા જઈએ તો જેટલી માત્રામાં ઇન્હેલરમાં દવા વપરાય એનાથી ૧૫ ગણો હાઈ ડોઝ ગોળીમાં આપવો પડે ત્યારે એ અસર કરે છે અને એટલે જ ગોળીની સાઇડ-ઇફેક્ટ ઘણી વધારે થઈ જાય છે. જ્યારે ઇન્હેલરમાં ઘણી ઓછી માત્રામાં દવા સીધી ફેફસામાં જાય છે એટલે વધુ અસરકારક બને છે. હવે તો ઇન્હેલર તરીકે ડ્રાય પાઉડર કૅપ્સુલ આવે છે જેને સીધી જ શ્વાસમાં લઈ લેવાની હોય છે. એને લેવા માટે મોટા મશીનની જરૂર નથી. ઇન્હેલર્સ વધુ સેફ છે અને એટલે એ વધુ સારો ઑપ્શન છે.’

અસ્થમા મૅનેજમેન્ટ 

પ્રેગ્નન્સી દરમિયાન જે સ્ત્રીને અસ્થમા છે જ એને શું કરવું? એ વિશે સમજાવતાં ડૉ. સીતેશ રૉય કહે છે, ‘ઘણા ગાયનેકોલૉજિસ્ટ પણ આ ફૅક્ટ નથી જાણતા કે પ્રેગ્નન્સી દરમિયાન ઇન્હેલર્સ લઈ શકાય છે. હા, એ વાત સાચી કે એમાં સ્ટેરૉઇડ્સ હોય છે. આપણે ત્યાં સ્ટેરૉઇડ્સનું નામ સાંભળતાં જ લોકો ગભરાઈ જાય છે. હકીકતે એ એક અતિ મહત્ત્વની દવા છે. હા, એની સાઇડ-ઇફેક્ટ્સ હોય પરંતુ એ કઈ રીતે અને કઈ પરિસ્થિતિમાં લેવામાં આવે છે એ મહત્ત્વનું છે. સ્ટેરૉઇડ દવાઓ ઇન્હેલર થકી લઈએ ત્યારે એ સીધી ફેફસાંમાં જાય છે, લોહીમાં નહીં. એટલે એ બાળકને અસર કરતી નથી. વળી ઇન્હેલર થકી લેવાથી એનો માઇલ્ડ ડોઝ માના શરીરમાં જતો હોવાને કારણે તે ઘણી સેફ રહે છે. પ્રેગ્નન્સી દરમિયાન તમે તમારા અસ્થમાને મૅનેજ વ્યવસ્થિત કર્યો હશે તો બાળકને કોઈ તકલીફ નહીં થાય અને ડિલિવરીમાં પણ તકલીફ નહીં થાય.’

 ઘણી સ્ત્રીઓને પ્યુબર્ટી વખતે જ અસ્થમા શરૂ થાય. ઘણાને મેનોપૉઝ વખતે બંધ થાય. ઘણી સ્ત્રીઓને અસ્થમા હોય પણ પિરિયડ્સ શરૂ થાય ત્યારે તેમને ઘણી રાહત રહે અને ઘણાને પિરિયડ્સ વખતે જ સમસ્યા વધે છે. - ડૉ. સમીર ગરડે

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2023 05:32 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK