આ માન્યતાને છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે ડૉક્ટરો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કોઈ પણ વ્યક્તિને કિડનીની તકલીફ શરૂ થાય ત્યારે શરૂઆતમાં એને દવાઓથી ઠીક કરવાની કોશિશ ચાલે છે. જો એકદમ શરૂઆતના સ્ટેજમાં તકલીફ હોય તો એ દૂર થઈ જતી હોય છે, પરંતુ જો કિડનીનો રોગ થોડો પણ ઍડ્વાન્સ લેવલ પર આવ્યો તો એ તકલીફ ધીમે-ધીમે વધતી જવાની છે એ નક્કી વાત છે. એ તકલીફને આગળ વધવાની પ્રોસેસને ધીમી પાડી શકાય છે, પરંતુ એને સંપૂર્ણ રીતે દૂર તો ન જ કરી શકાય. ધીમે-ધીમે કિડની એવા સ્ટેજ પર પહોંચે છે જ્યાં ડાયાલિસિસની જરૂર પડે છે. જોકે આ સ્ટેજ પર ડાયાલિસિસ કાયમી ઇલાજ નથી એ સમજવાની જરૂર છે. એ ઇલાજ વડે દરદીની આજ સુધરી શકે છે, તેનું ભવિષ્ય નહીં. એનો સીધો અર્થ એ થયો કે આ ઇલાજથી એવું નથી કે કિડની જે ખરાબ થઈ રહી છે એ સુધરશે. કિડની ડાયાલિસિસ પર હોવા છતાં ધીમે-ધીમે ફેલ્યર તરફ જ આગળ વધી રહી છે એટલે કે એક દિવસ એવો આવશે જ્યારે ડાયાલિસિસ પણ કામ નહીં કરે.
ઘણા લોકો છે જેઓ કોઈ ને કોઈ કારણોસર વર્ષોથી ડાયાલિસિસ પર હોય છે અને ટ્રાન્સપ્લાન્ટ ટાળતા હોય છે અથવા કોઈ ને કોઈ કારણસર એ ટળતું રહેતું હોય છે. એક એ માન્યતા પણ લોકોમાં હતી કે ડાયાલિસિસ પણ જ્યારે કામ ન કરે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું. આ માન્યતાને છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે ડૉક્ટરો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ડાયાલિસિસ કિડનીના પ્રૉબ્લેમનો કાયમી ઇલાજ નથી, પરંતુ ટ્રાન્સપ્લાન્ટ એનો કાયમી ઇલાજ છે. બીજું એ કે જે વ્યક્તિ ડાયાલિસિસ સુધીની કન્ડિશન પર પહોંચી ગઈ છે એનો અર્થ એ કે તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે જ એટલે ખોટી રાહ જોઈને ટ્રાન્સપ્લાન્ટ પાછું ધકેલવું યોગ્ય ગણાશે નહીં. એવા ઘણા દરદીઓ આજે છે જેઓ આ બાબત સમજી રહ્યા છે અને ડાયાલિસિસ પર પહોંચે એ પહેલાં જ ટ્રાન્સપ્લાન્ટ કરાવી લે છે, જેનાથી તેમને બધી જ રીતે ફાયદો થાય છે.
ADVERTISEMENT
જો કિડનીના દરદીની હાલત ખરાબ થતી જાય તો તેને બચાવવા કે નવજીવન આપવા માટે ટ્રાન્સપ્લાન્ટ અનિવાર્ય છે. આજે ઘણી જાગરૂકતા આવી છે એટલે વધુ ને વધુ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનતાં જાય છે. કિડની અને લિવર આ બન્ને અંગો એવાં છે જે જીવિત વ્યક્તિ પણ દાનમાં આપી શકે છે અને પોતાના પ્રિયજનને જીવનદાન આપી શકે છે. આ દાન આપનારી વ્યક્તિ પણ એક નૉર્મલ જીવન આરામથી જીવી શકતી હોય છે. જો આ બાબતે વધુ જાગૃતિ આવે તો કોઈ પણ વ્યક્તિને કિડની કે લિવર માટે રાહ જોવી ન પડે અને ડાયાલિસિસ પર વધુ સમય ન વેડફીને એક નવું અને તંદુરસ્ત જીવન શરૂ કરી શકે છે.

