ગર્ભાવસ્થા દરમ્યાન આવું ન કરાય એવી માન્યતા છે ત્યારે સમજીએ કે આવું કેમ છે? બાળકની સેફ્ટી માટે બીજું શું-શું ન કરાય એ પણ જાણીએ
આલિયા ભટ્ટ અને બિપાશા બાસુ
થોડા દિવસ પહેલાં આલિયા ભટ્ટ અને બિપાશા બાસુ સ્ટિલેટોઝ હીલ્સ પહેરીને ફરતાં જોવા મળ્યાં અને સોશ્યલ મીડિયા યુઝર્સે તેમને આડેહાથ લીધાં. ગર્ભાવસ્થા દરમ્યાન આવું ન કરાય એવી માન્યતા છે ત્યારે સમજીએ કે આવું કેમ છે? બાળકની સેફ્ટી માટે બીજું શું-શું ન કરાય એ પણ જાણીએ
ગર્ભાવસ્થામાં આટલી ઊંચી હીલ્સ પહેરીને ફૅશન મારતી આલિયા ભટ્ટ અને બિપાશા બસુના કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર ફરતા થયેલા એ જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સે તેમને ઘણા ટ્રોલ કર્યાં. આપણે ત્યાં માન્યતા છે કે ગર્ભાવસ્થા દરમ્યાન હીલ્સ ન પહેરાય, પણ શું એવું મેડિકલ સાયન્સ કહે છે કે પછી એ આપણી પોતાની માન્યતા છે? વિદેશોમાં થયેલા મેડિકલ સર્વેક્ષણ કહે છે કે ગર્ભાવસ્થામાં ઊંચી હીલ્સ પહેરીને ફરતી સ્ત્રીઓના ગર્ભને કોઈ તકલીફ નથી પડતી. જોકે પ્રેગ્નન્સી દરમ્યાન શરીરનું બૅલૅન્સ જાળવવામાં આમેય મુશ્કેલી પડતી હોય ત્યારે ઊંચી સ્ટિલેટોઝ હીલ્સ પહેરવામાં આવે તો વધુ મુશ્કેલી થઈ શકે છે. એનાથી ઊભા રહેવાનું પૉશ્ચર પણ બદલાય છે અને પેટમાં ગર્ભનો જે ભાર છે એને જાળવીને ચાલવામાં વધુ તકલીફ થઈ શકે છે અને જો એવામાં પગલું આમથી તેમ થઈ ગયું અને ગબડી પડાયું તો ગર્ભને નુકસાન ચોક્કસ થઈ શકે છે. વિદેશી નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ પ્રેગ્નન્ટ લેડી હાઈ હીલ્સમાં કમ્ફર્ટેબલ હોય અને થોડોક સમય જ એ પહેરવાની હોય તો એનાથી તેને કે તેના બાળકને કોઈ તકલીફ નથી થતી. આવા સમયે કૉલ આપણે લેવાનો કે જો તમારે લાંબા કલાકો ટ્રાવેલ કરવાનું હોય, વધુ ચાલવાનું હોય તો પ્રેગ્નન્સીમાં સ્ટિલેટોઝ ન જ પહેરાય; પણ જો ઘરમાંથી ગાડીમાં અને ગાડીમાંથી સીધા કામની જગ્યાએ ઊતરવાનું હોય તો એવામાં સંભાળ રાખીને હીલ્સ પહેરવામાં કોઈ વાંધો નથી.
ADVERTISEMENT
બીજી કઈ બાબતો છે જેનું પ્રેગ્નન્સીમાં ધ્યાન રાખવું :
૧. ડૉક્ટરે આપેલી મલ્ટિવિટામિન ગોળીઓ રોજ લેવી.
૨. પોતે કદી સ્મોકિંગ કરવું નહીં અને કોઈ કરતું હોય તો નજીક જવું નહીં.
૩. ફ્લુ વૅક્સિનની રસી ચોક્કસ લેવી.
૪. પૂરતી ઊંઘ લેવી. સાતથી આઠ કલાકની ઊંઘ બહુ જ જરૂરી છે.
૫. તમે જે ફિઝિકલ ઍક્ટિવિટી પહેલાં કરતાં હતાં એને ચાલુ રાખવી. ઘરનું કામ કરતાં રહેવું અને હરતાં-ફરતાં થઈ શકે એવાં કામો ચાલુ જ રાખવાં. (હા, ડૉક્ટરે સંપૂર્ણ બેડરેસ્ટ કરવાનું કહ્યું હોય તો ન કરવું.)
૬. યોગ નિયમિત કરવા. હા, જો તમે યોગના નિષ્ણાત ન હો તો જાતે એકલા કરવાને બદલે નિષ્ણાતની હાજરીમાં કરવા. યોગથી શરીરમાં ફ્લેક્સિબિલિટી જળવાશે અને પેટ મોટું થતું જાય ત્યારે પણ યોગ્ય પૉશ્ચર જળવાશે તો કમરનો દુખાવો અને ડિસકમ્ફર્ટ ઘટશે.
૭. આ દિવસોમાં હૉટ ટબ બાથ કે સોના બાથ ન લેવો.
૮. જો તમને આદત ન હોય તો રૂંછાવાળાં ડૉગ્સ કે કૅટ્સનાં રૂંછાં અને ટટ્ટીથી દૂર રહેવું. એ ક્યારેક ઍલર્જિક રીઍક્શન આપી શકે છે.
૯. ચા-કૉફીના સેવનમાં પ્રમાણભાન જાળવી રાખવું. વધુપડતી કૉફી ન લેવી.
૧૦. કાચી શાકભાજી, મીટ, કાચું દૂધ વગેરે ન લેવાં.

