એવું જરૂરી નથી કે મોતિયો મોટી ઉંમરે જ આવે.
પ્રતીકાત્મક તસવીર
હું ૪૨ વર્ષનો છું. મને છેલ્લા છ મહિનાથી થોડુંક ધૂંધળું દેખાવાની શરૂઆત થઈ છે, પણ કોરોનાને કારણે હું ડૉક્ટરને બતાવવા ગયો નહીં. કોઈ પણ જાતનો પ્રકાશ પછી એ સૂર્યપ્રકાશ હોય કે ટ્યુબલાઇટનો પ્રકાશ - એ વધુ પડતો બ્રાઇટ લાગે છે. હાલમાં થોડું શહેર ખૂલ્યું છે તો અમે રાત્રે ડ્રાઇવ પર નીકળ્યા હતા ત્યારે રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે મને સામેની ગાડીની હેડ-લાઈટ એકદમ ગ્લેર સાથે ચમકતી લાગી અને ડ્રાઈવ કરવું મુશ્કેલ બન્યું. ડૉક્ટરને બતાવ્યું તો નિદાન આપ્યું કે મને મોતિયો છે. હું ફક્ત ૪૨ વર્ષનો છું, મને મોતિયો કઈ રીતે થઈ શકે? મારે તો હજી ઘણું કરવાનું બાકી છે, શું આટલી નાની ઉંમરે પણ આ રોગ આવે?
હા, ૪૨ વર્ષે મોતિયો આવી શકે છે. એવું જરૂરી નથી કે મોતિયો મોટી ઉંમરે જ આવે. ૫૦ વર્ષથી નાની ઉંમરમાં પણ આ રોગ થઈ શકે છે. મહત્ત્વની વાત એ છે કે કોઈ ચિહ્ન દેખાય કે ન દેખાય ૪૦ વર્ષ પછી દર વર્ષે એક વાર આંખોના ડૉક્ટર પાસે જઈને આંખ ચેક કરાવી જ જોઈએ, પણ સારી વાત તો એ છે કે તમને તો લક્ષણો પણ દેખાય જ છે એટલે તરત જ ખબર પડી શકે છે કે આંખના ડૉક્ટરની જરૂર છે અને તમે ચેક કરાવ્યું.
ADVERTISEMENT
જ્યારે માણસ એના જીવનના એવા પડાવ પર હોય કે એને ઘણાં મહત્ત્વનાં કામ હોય ત્યારે આ પ્રકારની તકલીફ એના કામ અને એના ગ્રોથ બન્નેમાં બાધક ન બને એનું ધ્યાન રાખવું જરૂરી છે. આજથી ૧૦-૨૦ વર્ષ પહેલાં આપણે આજ કરતાં ઘણી સ્લો લાઇફ જીવી રહ્યા હતા. વળી, ત્યારે આપણી પાસે કોઈ ઑપ્શન જ ન હતા. મહિનાઓ સુધી વ્યક્તિ બિચારી હેરાન થયા જ કરતી. જ્યાં સુધી મોતિયો પાકે નહીં ત્યાં સુધી ડૉક્ટર્સ ઓપરેશન કરતા જ નહીં, પરંતુ આજે એવું નથી. મોતિયો પાકે ત્યાં સુધી હવે સર્જરી માટે રાહ જોવાની જરૂર નથી. વળી મોતિયો એક એવી બીમારી છે કે જેમાં વહેલી-મોડી સર્જરી તો કરાવવી જ પડે છે. જ્યારે વિઝન પર અસર થવા લાગે અને એ વિઝન પર અસર વ્યક્તિને એના કામમાં તકલીફ આપવા લાગે ત્યારે સર્જરી કરાવી લેવી જોઈએ. સહન કર્યા કરવાનો કોઈ અર્થ નથી અને રાહ જોયા કરવાથી એ ઠીક થવાનું નથી તો તમે વેળાસર ડૉક્ટરની સલાહ મુજબ સર્જરી કરાવી શકો છો.

