જરૂરી હોય ત્યારે લેપ્રોસ્કોપિક સર્જરી કરીને માત્ર ફાઇબ્રૉઇડ્સ પણ કાઢી શકાય છે
પ્રતીકાત્મક તસવીર
લગભગ દરેક ઉંમરની સ્ત્રીઓમાં જોવા મળતી ગર્ભાશયમાં ગાંઠની સમસ્યા માટે હવે વિજ્ઞાન પાસે અનેક ઉપાયો છે. બને ત્યાં સુધી એના ઇલાજમાં દવાઓ જ વપરાય છે. જરૂરી હોય ત્યારે લેપ્રોસ્કોપિક સર્જરી કરીને માત્ર ફાઇબ્રૉઇડ્સ પણ કાઢી શકાય છે. છેક છેલ્લા તબક્કામાં ફાઇબ્રૉઇડની સાથે ગર્ભાશય કાઢવું જરૂરી બની જાય છે. તમારા માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે એ નિર્ણય પર આવતાં પહેલાં એક વાર આ લેખ વાંચી જજો
ગર્ભાશય સ્ત્રીશરીરનું અત્યંત મહત્ત્વનું અંગ છે. આ અંગ દ્વારા જ તેને માતૃત્વના સુખદ અનુભવની પ્રાપ્તિ થાય છે, તેના બાળક સાથે તેનો સંબંધ સ્થપાય છે. પરંતુ જેમ ક્યારેક મા અને બાળકના સંબંધમાં ગાંઠ પડી જાય છે એવી જ રીતે ક્યારેક ગર્ભાશયમાં પણ ગાંઠ થઈ જાય છે. વિજ્ઞાનની ભાષામાં ગર્ભાશયની આ ગાંઠ યુટરાઇન ફાઇબ્રૉઇડ તરીકે ઓળખાય છે. ગર્ભાશયને લગતી સમસ્યાઓમાં ફાઇબ્રૉઇડ્સ એક અત્યંત સામાન્ય સમસ્યા છે. કેટલીક વાર પોતાના ગર્ભાશયમાં આવી ગાંઠ હોવા છતાં સ્ત્રીને જીવનભર એતેનો ખ્યાલ પણ આવતો નથી, જ્યારે કેટલીક વાર એ બીજી અનેક સમસ્યાઓનું કારણ બની તેનું સામાન્ય જીવન ખોરંભે ચડાવી દે છે. તેથી જ આ ફાઇબ્રૉઇડ્સ વિશે પણ થોડું વિગતવાર સમજી લેવું આવશ્યક છે.
ADVERTISEMENT
દુનિયાની ૨૫-૪૦ ટકા મહિલાઓના ગર્ભાશયમાં ફાઇબ્રૉઇડ્સ હોય છે. એમાંય આફ્રિકા તથા ભારતીય ઉપમહાદ્વીપના દેશોમાં એની સંખ્યા વધુ જોવા મળે છે. મોટા ભાગે મહિલાઓમાં આ સમસ્યા તેમની પ્રજનનની ઉંમર દરમિયાન એટલે કે ૧૪-૪૫ વર્ષ વચ્ચે વધુ જોવા મળે છે. મેનોપૉઝની નજીક પહોંચેલી મહિલાઓને ફાઇબ્રૉઇડ્સ થવાની શક્યતા વધુ રહે છે, પરંતુ એક વાર મેનોપૉઝ આવી જાય ત્યાર બાદ નવાં ફાઇબ્રૉઇડ્સ થવાની સંભાવના ઓછી થઈ જાય છે અને જે હોય તે પણ કદમાં નાનાં થઈ જાય છે. અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે ફાઇબ્રૉઇડ્સના વિકાસની કોઈ નિશ્ચિત માત્રા હોતી નથી. એક જ મહિલાના ગર્ભાશયમાં એકથી વધુ ફાઇબ્રૉઇડ્સ હોઈ શકે છે અને એ પ્રત્યેકનો વિકાસદર અલગ હોઈ શકે છે એટલું જ નહીં, ફાઇબ્રૉઇડ્સના કદમાં પણ કોઈ સમાનતા હોતી નથી. કેટલાંક ફાઇબ્રૉઇડ્સ સાવ નાનાં વટાણાના દાણા જેટલાં હોય છે તો જૂજ કિસ્સાઓમાં એનું કદ કલિંગર જેટલું મોટું હોવાનું પણ જોવા મળ્યું છે.
ફાઇબ્રૉઇડ્સના પ્રકારો
અહીં ફાઇબ્રૉઇડ્સના પ્રકારોની વાત કરતાં કાંદિવલીના જાણીતા ગાયનેકોલૉજિસ્ટ ડૉ. દિલીપ રાયચુરા કહે છે, ‘સ્ત્રીનું ગર્ભાશય ત્રણ લેયર્સનું બનેલું છે, જેમાં સૌથી અંદરનું લેયર એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખાય છે. અહીં થતાં ફાઇબ્રૉઇડ્સ વૈજ્ઞાનિક ભાષામાં સબમ્યુકોસલ ફાઇબ્રૉઇડ્સ તરીકે ઓળખાય છે, જે જવલ્લે જ જોવા મળે છે. આ ફાઇબ્રૉઇડ્સ ગર્ભાશયમાં રહેલી ખુલ્લી જગ્યામાં વિકસે છે, જે કેટલીક વાર ફૂલની દાંડી જેવા સ્ટોકથી એન્ડોમેટ્રિયમ પર લટકતાં હોય છે. ગર્ભાશયનું વચ્ચેનું લેયર માયોમેટ્રિયમ તરીકે ઓળખાય છે, જે સ્નાયુઓનું બનેલું હોય છે. ઘણી વાર આ સ્નાયુઓ ઓવર ઍક્ટિવ થઈ જતાં જરૂર કરતાં વધારે સેલ જનરેટ કરવા માંડે છે. એક જ સ્થાન પર આ વધારાના સેલ્સનો જમાવડો ફાઇબ્રૉઇડનું સ્વરૂપ ધારણ કરી લે છે. આવાં ફાઇબ્રૉઇડ્સ ઇન્ટ્રામ્યુરલ તરીકે ઓળખાય છે. સૌથી બહારનું લેયર પેરિમેટ્રિયમ અથવા સીરોસા તરીકે ઓળખાય છે. અહીં થતાં ફાઇબ્રૉઇડ્સ સબસિરોસલ ફાઇબ્રૉઇડ્સ કહેવાય છે. ફાઇબ્રૉઇડ્સનો આ સૌથી સામાન્ય પ્રકાર છે. આ ફાઇબ્રૉઇડ્સ ગર્ભાશયની બહારની દીવાલ પર ચોંટેલાં હોય છે તો કેટલીક વાર ફૂલની દાંડી જેવા સ્ટોકથી પેરિમેટ્રિયમ પર લટકતાં હોય છે. સબસિરોસલ ફાઇબ્રૉઇડ્સ ક્યારેક કદમાં ઘણાં મોટાં થઈ પેઢુના ભાગ પર દબાણ ઊભું કરવામાં પણ નિમિત્ત બને છે.’
ફાઇબ્રૉઇડ્સ શા માટે થાય છે?
ફાઇબ્રૉઇડ્સ થવાનું કોઈ નિશ્ચિત કારણ હજી સુધી જાણી શકાયું નથી. સાથે જ કોઈ ચોક્કસ પ્રકારના વાતાવરણ વચ્ચે રહેવાને કારણે પણ સ્ત્રીના શરીરમાં આવાં ટ્યુમર થતાં હોવાનું હજી સુધી બહાર આવ્યું નથી. તેમ છતાં આ એક વંશાનુગત સમસ્યા હોવાનું વધુ જોવા મળે છે અર્થાત્ જેમની મા, દાદી કે નાનીને આ તકલીફ રહી હોય તેવી સ્ત્રીઓને એ થવાની સંભાવના ત્રણગણી વધુ રહે છે. આ સિવાય મેદસ્વિતા, ખાવાપીવાની ખોટી આદતો તથા હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ પર ગર્ભાશયની ગાંઠ પાછળનું કારણ બની શકે છે. અલબત્ત, કેટલાક કિસ્સાઓમાં ઉપરના કોઈ કારણ વગર પણ સ્ત્રીના યુટરસમાં ફાઇબ્રૉઇડ્સ ઉદ્ભવી શકે છે.
ખબર કેવી રીતે પડે?
ઉપર જણાવ્યું એમ ફાઇબ્રૉઇડ્સ એક અત્યંત સામાન્ય સમસ્યા છે, પરંતુ એ પેટની અંદર હોવાથી જ્યાં સુધી એના પગલે અન્ય કોઈ સમસ્યા ઊભી થતી નથી ત્યાં સુધી સ્ત્રીને એની હયાતીનો અંદાજ આવતો નથી. આ જ કારણ છે કે મોટા ભાગના કિસ્સાઓમાં આવાં બાહ્ય લક્ષણના અભાવમાં સ્ત્રીને જીવનભર તેના ગર્ભાશયમાં કોઈ ગાંઠ હોવાની ખબર જ પડતી નથી. અલબત્ત, જો આ ગાંઠ કદમાં મોટી હોય કે પછી ગર્ભાશયમાં એક કરતાં વધુ ગાંઠો હોય તો મહિલાને બે માસિકની વચ્ચે બ્લીડિંગ થવું, માસિક છ દિવસથી વધુ લાંબું ચાલવું, પેટ, કમર કે પેઢુમાં દુખાવો થવો, વારંવાર પેશાબ થવો, સમાગમ દરમિયાન પીડા થવી તથા ગર્ભધારણમાં મુશ્કેલી થવી જેવી અનેક સમસ્યાઓ સતાવી શકે છે. અહીં જોગેશ્વરીના મધર કૅર ક્લિનિકના ગાયનેકોલૉજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જરીમાં નિપુણ ડૉ. મનન શેઠ કહે છે, ‘એનિમિયા એટલે કે શરીરમાં હીમોગ્લોબિન ઓછું હોવાની સમસ્યા સાથે આવતી મહિલાઓને અમે અચૂક સોનોગ્રાફી કરાવવાની સલાહ આપીએ છીએ. મોટા ભાગની ઉચ્ચ મધ્યમ વર્ગની મહિલાઓના એનિમિયા પાછળ ગર્ભાશયમાં રહેલા ફાઇબ્રૉઇડ્સ જવાબદાર હોવાનું જોવા મળે છે. આ ગાંઠને કારણે તેમને માસિક દરમિયાન જરૂર કરતાં વધુ બ્લીડિંગ થાય છે, જેમાં ઘણીવાર બ્લીડિંગની સાથે ક્લોટિંગ પણ થતું હોવાનું જોવા મળે છે.’’
દવાઓ દ્વારા સારવાર
જોકે, આટલું વાંચી ગભરાઈ જવાની જરૂર નથી, કારણ હવે યુટરાઇન ફાઇબ્રૉઇડ્સની સારવાર દવાઓથી લઈ ઓપરેશન જેવા વિવિધ વિકલ્પો દ્વારા સરળતાથી કરી શકાય છે. જોગેશ્વરી અને જુહુમાં પ્રૅક્ટિસ કરતા લેપ્રોસ્કોપિક ડો.મનન કહે છે કે, ‘‘બધા જ ફાઇબ્રૉઇડ્સને ઓપરેટ ન કરાય. બલકે સારવારનો વિકલ્પ પસંદ કરવા પહેલાં ફાઇબ્રૉઇડની લાક્ષણિક્તા તથા દરદીની આવશ્યક્તા બંનેનો પૂરતો વિચાર કરવો આવશ્યક છે. જેમકે ગર્ભાશયની બહારની દિવાલ પેરિમેટ્રિયમ પર થતા સબસિરોસલ ફાઇબ્રૉઇડ બહુ મોટા ન હોય તથા તેને કારણે દરદીને કોઈ પીડા ન થતી હોય તો તેને ઓપરેટ કરવાની જરૂર પડતી નથી. ગર્ભાશયના વચ્ચેના લેયર માયોમેટ્રિયમ પર થતા ઈન્ટ્રામ્યુરલ ફાઇબ્રૉઇડને કારણે મોટાભાગના કિસ્સાઓમાં દરદીને પેટમાં દુખાવો તથા હેવી બ્લીડિંગ બંને થાય છે. આવું થાય ત્યારે બંને ત્યાં સુધી અમે દવાઓ દ્વારા તેની સારવાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અલબત્ત આ દવાઓ લેવાથી કંઈ ફાઇબ્રૉઇડ્સ દૂર નથી થઈ જતા, પરંતુ તેને કારણે થતો દુખાવો, પેઢુ પર અનુભવાતું પ્રેશર તથા વધુ પડતું બ્લીડિંગ ચોક્કસ ઓછું થાય છે. આ માટે અમે દરદીને હોર્મોનલ થેરાપી આપીએ છીએ. આ થેરાપી દ્વારા અમે સ્ત્રી શરીરમાં માસિક ચક્રનું નિયંત્રણ કરતા હૉર્મોન્સને ટાર્ગેટ કરીએ છીએ. એમ કરવાથી હેવી બ્લીડિંગ તથા પ્રેશર જેવી તકલીફો ઓછી થઈ જાય છે તથા સમયાંતરે ફાઇબ્રૉઇડ્સનું કદ પણ નાનું થઈ જાય છે. આ સિવાય મિરિના નામક ઇન્ટ્રાયુટરાઇન ડિવાઇસ પણ આવે છે, જે અંગ્રેજી આલ્ફાબેટ Tના આકારનું હોય છે. આ ડિવાઇસ યુટરસમાં બેસાડવાથી એ પ્રોજેસ્ટિન નામક હૉર્મોનનો સતત ધીમો-ધીમો સ્રાવ કર્યા કરે છે. આ હૉર્મોનને પગલે બે-ત્રણ મહિનામાં બ્લીડિંગ સદંતર બંધ થઈ જાય છે. અલબત્ત, એનો અર્થ એવો નથી કે મેનોપૉઝ આવી ગયું. બલકે એ ડિવાઇસ કઢાવી નાખો તો ફરી પાછું માસિકચક્ર ચાલુ થઈ જાય છે અને પ્રેગ્નન્સી પણ રહી શકે છે. આ ડિવાઇસનો મૂળ ઉદ્દેશ હેવી બ્લીડિંગને કારણે થતા બ્લડ લૉસથી મહિલાને બચાવવાનો છે.’
સર્જરીના વિકલ્પો
દવાઓ ઉપરાંત સર્જરી સંબંધી વિવિધ વિકલ્પોની વાત કરતાં ડૉ. મનન કહે છે, ‘ફાઇબ્રૉઇડ્સને લગતા સર્જિકલ મૅનેજમેન્ટમાં હવે માત્ર ફાઇબ્રૉઇડ્સ પણ કઢાવી શકાય છે અને આખેઆખું ગર્ભાશય પણ કઢાવી શકાય છે. મહદ્ અંશે ૪૫ વર્ષથી નાની ઉંમરની સ્ત્રીને અમે માત્ર ફાઇબ્રૉઇડ કઢાવવાની સલાહ આપીએ છીએ. તેનાથી મોટી ઉંમરની સ્ત્રીઓ આખું ગર્ભાશય કઢાવી નાખે તો પણ ચાલે. અલબત્ત, જે સ્ત્રીઓને હજી બાળક જોઈતું હોય તેમણે માત્ર ફાઇબ્રૉઇડ કઢાવવાનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. આ બંને સર્જરી હવે પેટ કાપીને તથા લેપ્રોસ્કોપી એમ બંને પ્રકારે થઈ શકે છે. પહેલાંની સરખામણીમાં આ બંને સર્જરી હવે ખૂબ સરળ થઈ ગઈ છે, જેમાં પરિણામ પણ સારું મળે છે તથા રિકવરી પણ ઝડપથી થાય છે.’
ટૂંકમાં ગર્ભાશયની ગાંઠથી ગભરાવાની જરૂર નથી. જરૂર છે યોગ્ય ટ્રીટમેન્ટનો વિકલ્પ પસંદ કરવાની. અહીં ડૉ. દિલીપ રાયચુરા ઉમેરે છે, ‘વાસ્તવમાં તો યુટરાઇન ફાઇબ્રૉઇડ્સ નિર્દોષ ટ્યુમર છે, જે મોટા ભાગની મહિલાઓને કોઈ હાનિ પહોંચાડતાં નથી. ઉપરાંત ટ્યુમર છે એટલે એમાં કૅન્સર પણ થઈ શકે છે એવો ડર રાખવાની પણ જરૂર નથી. યુટરાઇન ફાઇબ્રૉઇડ્સ કૅન્સરસ થવાની સંભાવના લગભગ નહીંવત્ જ રહે છે.’
અલબત્ત, ફાઇબ્રૉઇડ કઢાવી નાખ્યા બાદ ફરી પાછાં નવાં ફાઇબ્રૉઇડ પણ થઈ શકે છે. તેથી ઑપરેશન બાદ પણ સાવધાન રહેવું આવશ્યક છે.

