યુવાન લોકોમાં કોઈ પરિસ્થિતિમાં ડાયાબિટીઝ આવે અને અમારે ગોળીઓ આપવી પડે જે જરૂરી બને છે, પરંતુ ડાયાબિટીઝ રિવર્સ જઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
ડાયાબિટીઝ માટે લોકોને ઘણી બધી અલગ-અલગ ધારણા છે મનમાં, જેમાંની એક ધારણા એ છે કે એક વખત દવાઓ શરૂ થઈ તો એ ક્યારેય બંધ થતી નથી. એ જ રીતે એક વખત ઇન્સ્યુલિન શરૂ થયું તો એ ક્યારેય બંધ થતું નથી. હકીકત એ છે કે ડાયાબિટીઝના રોગમાં ઘણી નવી-નવી દવાઓ અને નવા-નવા ઇલાજો સતત આવી રહ્યા છે. એના મૅનેજમેન્ટને વધુ ને વધુ કઈ રીતે સારું બનાવવું એના પ્રયાસ પણ ચાલતા રહે છે, માટે એક વખત જે થયું એ એમ જ રહેશે એવું છે નહીં. દરેક દરદીએ આ રોગ જુદો અને એનું મૅનેજમેન્ટ પણ વત્તે-ઓછે અંશે બદલે છે.
ઉંમર, વ્યક્તિની તકલીફ, ડાયાબિટીઝ સાથે બીજા કોઈ રોગ પણ છે કે ફક્ત આ જ રોગ આવ્યો છે. તેમના ઘરમાં કેટલા લોકોને ડાયાબિટીઝ છે, આ બધી જ બાબતો પર નિર્ભર કરે છે કે વ્યક્તિનો ઇલાજ કઈ રીતે આગળ વધારવો. જેમ કે આજની તારીખે ઘણા ૩૫-૪૦ વર્ષના લોકો અમારી પાસે ડાયાબિટીઝ લઈને આવે છે. શુગર એકદમ જ વધુ હોય કે તેમને બૉર્ડર પર ડાયાબિટીઝ હોય એવા પણ આવે છે. યુવાન લોકોમાં કોઈ પરિસ્થિતિમાં ડાયાબિટીઝ આવે અને અમારે ગોળીઓ આપવી પડે જે જરૂરી બને છે, પરંતુ ડાયાબિટીઝ રિવર્સ જઈ શકે છે. જો તમે મહેનત કરો તો અને કોઈ પણ વ્યક્તિએ આ મહેનત કરવી જ જોઈએ.
ADVERTISEMENT
મારી પાસે હાલમાં ૪૪ વર્ષના એક ભાઈ આવ્યા જેમને છેલ્લાં ૮ વર્ષથી ડાયાબિટીઝ છે. દવાઓ રેગ્યુલર લીધી નહીં એટલે થોડું વકરી ગયું. અમે તેનું ઇન્સ્યુલિન ચાલુ કર્યું. એ સમયે તેને એમ હતું કે હવે ઇન્સ્યુલિન ચાલુ કર્યું છે તો હવે જીવનભર એ લેવું જ પડશે. મોટા ભાગના દરદીઓ એટલે ઇન્સ્યુલિન લેતા નથી, પરંતુ આ કેસમાં એવું ન હતું. એક સમયે એવું હતું પહેલાં કે રોગ ખૂબ વધી જતો, તમારા બીટા સેલ્સ કામ કરવાનું બંધ કરી દેતા ત્યારે ઇન્સ્યુલિન આપવામાં આવતું, પરંતુ આજની તારીખે યુવાન દરદીઓને પણ ઇન્સ્યુલિન આપવામાં આવે છે, કારણ કે એની પાછળ એ થિયરી છે કે બીટા સેલ્સને આપણે થકવવા નથી માગતા. એને ઓવર સ્ટ્રેસ પણ નથી કરવા માગતા એટલે ઇન્સ્યુલિન શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ જો એક વખત વ્યક્તિ સ્ટેબલ થાય, વજન ઓછું કરે, લાઇફસ્ટાઇલ સુધારે તો ડાયાબિટીઝમાં પણ ફરક પડે છે અને ઇન્સ્યુલિન છૂટી શકે છે. એ ભાઈએ મહેનત કરી તો ઇન્સ્યુલિન અમે ૮ મહિના પછી બંધ પણ કર્યું. આમ, ધારી લેવું કે દવાઓ કે ઇન્સ્યુલિન જીવનભર માટે છે એ ખોટું છે.

