મગજનો જે ભાગ ડૅમેજ થયો છે એ ભાગ માટે ક્યારેય કોઈ ટ્રીટમેન્ટ હોતી નથી, કારણ કે એ ભાગ એક વખત ડૅમેજ થઈ ગયો તો એ રિપેર થતો નથી
બાળકની પ્રતીકાત્મક તસવીર
મારી પાસે જ્યારે ચાર-પાંચ વર્ષનું બાળક કોઈ ડેવલપમેન્ટલ ડિસઑર્ડર કે મેન્ટલ ડિસઑર્ડર લઈને આવે ત્યારે મને ખૂબ દુઃખ થાય, કારણ કે મગજને ડૅમેજ થયાને ઘણો સમય થઈ ગયો હોવાથી બાળકને ડેવલપમેન્ટલ સહાય આપવામાં ઘણું મોડું થઈ ગયું હોય છે. એમાં પેરન્ટ્સનો પણ વાંક નથી હોતો, કેમ કે તેમને બાળક શારીરિક રીતે સ્વસ્થ લાગતું હોય એટલે મગજના વિકાસમાં પાછળ છે એ સમજવામાં જ વાર લાગે છે.
આવું ન થાય એ માટે હું કહેવા માગું છું કે બાળક જન્મે ત્યારે જ કેટલીક બેઝિક બાબતોએ પેરન્ટ્સે સભાન રહેવું. સામાન્ય રીતે અધૂરા મહિને કે નવ મહિના પહેલાં બાળક જન્મે ત્યારે ગર્ભમાં જ બાળકનાં જે અંગોનો વિકાસ થવો જોઈતો હતો એ થયો હોતો નથી એટલે તેમને નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (NICU)માં રાખવામાં આવે. બાળક શારીરિક રીતે સ્ટેબલ થાય પછી ઘરે મોકલવામાં આવે છે ત્યારે પેરન્ટ્સને લાગે છે કે એમનું બાળક સ્વસ્થ છે, પરંતુ હકીકતમાં જે મગજ ડૅમેજ થયું છે એ પાછળથી સામે આવે છે. જે બાળકો કોઈ પણ કારણસર NICUમાં જાય છે તેમનું મગજ પણ જુદા-જુદા અંશે અસરગ્રસ્ત થાય છે. આવાં બાળકોના મગજનો કોઈ ભાગ અવિકસિત રહી ગયો હોય અથવા તો શરીરનું મગજ સાથેનું કનેક્શન બરાબર વિકસી ન શક્યું હોય કે જન્મ સમયે ઑક્સિજન બરાબર ન મળ્યો હોય તો મગજનો કોઈ ભાગ ડૅમેજ થઈ જાય એવું બની શકે છે. આ ડૅમેજ બધાં બાળકોમાં જુદું-જુદું હોય છે, પરંતુ મોટા ભાગે આ બાળકોને જે રોગ થાય છે એ છે સેરિબ્રલ પૉલ્ઝી. ૨૪-૨૮ અઠવાડિયાંની અંદર જન્મતા બાળકમાં સેરિબ્રલ પૉલ્ઝી થવાની શક્યતા લગભગ ૬૦ ટકા જેટલી હોય છે, એમાં પણ જો એ બાળક ૨૪ અઠવાડિયાંનું જ હોય એટલે કે ભાગ્યે ૮૦૦-૯૦૦ ગ્રામનું બાળક હોય એમાં તો આ શક્યતા ૮૦ ટકા જેટલી જ હોય છે. જો તે ૩૫ અઠવાડિયાંએ જન્મ્યું તો આ શક્યતા ૩૦ ટકા જેટલી હોય છે. આમ, રિસ્ક ઘણું ઊંચું હોય છે.
ADVERTISEMENT
મગજનો જે ભાગ ડૅમેજ થયો છે એ ભાગ માટે ક્યારેય કોઈ ટ્રીટમેન્ટ હોતી નથી, કારણ કે એ ભાગ એક વખત ડૅમેજ થઈ ગયો તો એ રિપેર થતો નથી; પરંતુ એમનો ઇલાજ લક્ષણો અને શરીર પર રોગની અસર ઘટાડવા માટે થતો હોય છે અને આ માટે મદદરૂપ થાય છે અર્લી ઇન્ટરવેન્શન. જો તમારું બાળક NICUમાં હોય તો એ ખાસ ધ્યાન રાખો કે તેનું બાળકો માટેના મગજના નિષ્ણાત દ્વારા ચેકઅપ થાય. પાછળથી રોગ સામે આવે એના કરતાં પહેલાં આવે તો ઇલાજ સારો કરી શકાય.

