ખાસ કરીને અપૂરતી ઊંઘને કારણે ડિપ્રેશનનાં લક્ષણો ટીનેજ ગર્લ્સમાં વધુ જોવા મળતાં હોવાનું એક સર્વેમાં તારણ નીકળ્યું છે
પ્રતીકાત્મક તસવીર
તમારાં ટીનેજર બાળકો લૅપટૉપ, મોબાઇલ પર વધુ સમય પસાર કરે છે? તો બની શકે કે તેમને રાત્રે ઊંઘવામાં સમસ્યા થતી હોય. આ સમસ્યા મહિનાઓ સુધી ચાલે તો વ્યક્તિ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. ખાસ કરીને અપૂરતી ઊંઘને કારણે ડિપ્રેશનનાં લક્ષણો ટીનેજ ગર્લ્સમાં વધુ જોવા મળતાં હોવાનું એક સર્વેમાં તારણ નીકળ્યું છે
વધુપડતો સ્ક્રીન-ટાઇમ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. એને કારણે ડિપ્રેશનનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ટીનેજ ગર્લ્સ પર એની અસર વધુ જોવા મળે છે. સ્વીડનના એક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં આ તારણ નીકળ્યું છે. સ્લીપ-પ્રૉબ્લેમ અને ડિપ્રેશન વચ્ચેનું સીધું કનેક્શન હજી એટલું સ્પષ્ટ નથી, પણ એ વાત નક્કી છે કે અપૂરતી ઊંઘ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.
ADVERTISEMENT
સર્વેમાં જોવા મળ્યું હતું કે ત્રણ મહિનાની અંદર જ લૅપટૉપ, મોબાઇલ વધુપડતા વાપરવાની અસર ઊંઘના કલાકો અને ઊંઘની ગુણવત્તા પર જોવા મળી હતી એટલું જ નહીં, વધુપડતા સ્ક્રીન-ટાઇમને કારણે ઊંઘવાનો સમય પાછળ ધકેલાતો ગયો, પરિણામે વ્યક્તિની જે સ્લીપ-સાઇકલ હોય એ ડિસ્ટર્બ થતી જોવા મળી હતી.
આ રિસર્ચમાં ૧૨થી ૧૬ વર્ષના ટીનેજર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં છોકરાઓમાં સ્ક્રીન-ટાઇમ અને ડિપ્રેશનનું ડાયરેક્ટ કનેક્શન જોવા મળ્યું હતું, જ્યારે છોકરીઓમાં ઊંઘમાં પહોંચેલી ખલેલને કારણે ડિપ્રેશનનાં લક્ષણો જોવા મળ્યાં હતાં.
ઊંઘમાં ખલેલ પહોંચવી અને ડિપ્રેશન આ એક સિક્કાના બે પહેલુ જેવા છે. અપૂરતી ઊંઘને કારણે વ્યક્તિને ડિપ્રેશન થઈ શકે અને ડિપ્રેશનમાં હોય તેને ઊંઘવામાં સમસ્યા થઈ શકે. અપૂરતી ઊંઘ વ્યક્તિ પર નકારાત્મક અસર નાખી શકે. તેનો મૂડ ખરાબ થઈ શકે, ચીડિયાપણું આવી શકે, કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થઈ શકે, એનર્જી ઓછી થઈ શકે. આ બધાં જ ડિપ્રેશનનાં લક્ષણો છે.
ડિપ્રેશનનાં ઘણાં કારણો છે, પણ જો વધુપડતા સ્ક્રીન-ટાઇમથી ઊંઘમાં ખલેલ પહોંચી રહી હોય તો એના પર નિયંત્રણ મેળવવું આપણા હાથમાં છે. ટીનેજર્સે બેથી ત્રણ કલાકથી વધારે સમય મોબાઇલ, લૅપટૉપ પર પસાર ન કરવો જોઈએ. રાત્રે સૂવાનો અને સવારે ઊઠવાનો એક ચોક્કસ સમય નક્કી કરીને એનું અનુસરણ કરવું જોઈએ.

