Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું રાતના એક પહેલાં ઊંઘ નથી જ આવતી?

શું રાતના એક પહેલાં ઊંઘ નથી જ આવતી?

19 April, 2024 11:04 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

ભારતના લગભગ ૩૮ ટકા લોકો વિવિધ તબક્કાનો ફૅટી લિવર ડિસીઝ ધરાવે છે. ભારતમાં મૃત્યુનાં કારણોમાં લિવર-ડિસીઝ નવમા નંબરે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તો આ એક આદત પણ તમારા લિવરને બગાડવા માટે પૂરતી છે. આયુર્વેદના સ્વસ્થવૃત્તમાં કહેવાયેલી આ વાત હવે મૉડર્ન મેડિસિનના અભ્યાસુઓએ પણ સ્વીકારી છે. રાતનો ૧૧થી ૧ વાગ્યાનો સમય યકૃતની સાફસફાઈનો હોય છે, પણ જો એ જ ‌દરમ્યાન આપણે સિસ્ટમને આરામ ન આપીએ તો એનાથી ફૅટી લિવરની તકલીફ થાય છે. ૩૮ ટકા ભારતીયો કોઈક ને કોઈક લેવલનું ફૅટી લિવર ધરાવે છે ત્યારે જાણીએ આજે વર્લ્ડ લિવર ડે પર જીવનશૈલીની કઈ આદતો આપણા માટે દારૂથીયે વધુ હાનિકારક છે. 

આપણા શરીરમાં લગભગ સવા-દોઢ કિલોનું વજન ધરાવતું લિવર શરીર માટે કેટલું મહત્ત્વનું છે એનો આપણને ત્યાં સુધી અંદાજ નથી આવતો જ્યાં સુધી એ બગડીને ખોરંભાઈ ન જાય. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના લેટેસ્ટ આંકડાઓ કહે છે કે ભારતના લગભગ ૩૮ ટકા લોકો વિવિધ તબક્કાનો ફૅટી લિવર ડિસીઝ ધરાવે છે. ભારતમાં મૃત્યુનાં કારણોમાં લિવર-ડિસીઝ નવમા નંબરે છે. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ અને ઓબેસિટીની જેમ જ યકૃતના રોગો પણ જીવનશૈલીનાં દૂષણોને કારણે અનેકગણા ફૂલીફાલી રહ્યા છે. 

રાતના ઉજાગરા વિલન કેમ?
નાઇટ-શિફ્ટ કરનારા લોકો કમને ઉજાગરા કરે છે, જ્યારે ‍‍‍આજની યંગ જનરેશન મનગમતી વેબ-સિરીઝ જોવામાં છેક પરોઢે સૂઈ જાય છે. આ લોકોમાં ફૅટી લિવરની સાઇલન્ટ સમસ્યા ખૂબ વધી છે. રાતના ઉજાગરા કઈ રીતે લિવર પર અસર કરે છે એનું વિજ્ઞાન સમજાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘માનવશરીર જ્યારે ઊંઘી જાય ત્યારે શરીરના આંતરિક અવયવોની સફાઈપ્રક્રિયા ચાલે છે. રાતે અગિયારથી એક વાગ્યા દરમ્યાન લિવર આખા શરીરના ફ્લુઇડમાં એકઠો થયેલો કચરો સાફ કરે છે અને લિવરની આંતરિક સફાઈ પણ થાય છે. આખું શરીર જ્યારે આરામ કરતું હોય ત્યારે અન્ય ભાગોની લોહીની જરૂરિયાત ઓછી થાય છે ને એટલે જ ડ‌િટૉક્સિફાઇંગ પ્રોસેસ સારી રીતે થઈ શકે છે. ટૂંકમાં લિવર બરાબર સાફ થાય અને શરીરમાંનો ઝેરી કચરો ઠલવાય એ માટે રાતના અગિયારથી એક દરમ્યાન ડીપ સ્લીપ લેવી જરૂરી છે. વર્ષો સુધી રોજ બારથી એક વાગ્યા સુધી જાગતા લોકોનું લિવર આપમેળે નબળું પડતું જાય છે.’ લિવરની કાર્યક્ષમતા ઘટવાનું પહેલું લક્ષણ એટલે કે ફૅટી લિવર થવાની શરૂઆત થાય ત્યારે એનાં કોઈ જ લક્ષણો નથી હોતાં. ખરાબ લાઇફ-સ્ટાઇલને કારણે ફૅટી લિવરની સમસ્યા એ હદે વકરી છે કે ન પૂછો વાત. આ વાત સાથે સહમત થતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘તમે રસ્તે જતા રૅન્ડમ ૧૦૦ માણસોને તપાસશો તો લગભગ ૩૦થી વધુ લોકોમાં ફૅટી લિવરની સમસ્યા હશે. મારે ત્યાં મોટા ભાગના યંગ પેશન્ટ્સ ફૅટી લિવરની સમસ્યા લઈને આવે છે.’ઉજાગરાની સાથે બીજી આદતો
રાતે જાગીને દિવસે સૂવાથી શરીરની બૉડી-ક્લૉક ખોરવાય છે એ તો કારણ છે જ, પણ સાથે રાતે જાગતી વખતે જન્ક ફૂડનું ક્રેવિંગ પણ એટલું જ જવાબદાર છે એમ જણાવતાં યોગિતાબહેન કહે છે, ‘રાતે જાગતા હો ત્યારે તમે કંઈક મન્ચિંગ ચાલુ કરી જ દો છો. તેલ, ઘી, બટરની ચરબી પચાવવા માટે જરૂરી એન્ઝાઇમ્સ લિવરમાંથી સ્રવે છે. જ્યારે શરીર થાકી ગયું હોય ત્યારે લિવરની ક્ષમતા પણ ઘટી ગયેલી હોય છે. એવા સમયે જો વડાપાંઉ, સમોસા, ચિપ્સ, ચેવડો, પૂરી જેવી તળેલી અથવા તો એક્સ્ટ્રા બટર લગાવેલી ચીજો લેવામાં આવે તો એ ચરબીનું યોગ્ય વિઘટન નથી થતું. આ ચરબી લિવરમાં સંઘરાઈ રહે છે. લિવરમાં જેટલી વધુ ચરબીની જમાવટ હોય એટલી લિવરની કાર્યક્ષમતા ઘટતી જાય છે. એ ઉપરાંત પ્રિઝર્વેટિવ્સ, ઍડિટિવ્સ, ફૂડ-કલર્સ અને આર્ટિફિશ્યલ સ્વીટનર્સવાળી ચીજમાં રહેલાં કેમિકલ્સને પ્રોસેસ કરીને કિડની દ્વારા બહાર કાઢવા માટે લિવરને વધુ કામ કરવું પડે છે. આમાંનાં કેટલાંક કેમિકલ્સ લિવરને ડાયરેક્ટ ડૅમેજ પણ કરે છે.’ તમે ફ્રેશ હો, સ્વસ્થ હો, પાચન બરાબર થતું હોય એવા સમયે જો તમે થોડીક તળેલી ચીજો ખાઈ લેશો તો વાંધો નહીં આવે પણ થાકેલા હો ત્યારે ખાધેલી થોડીક પણ ફૅટવાળી ચીજો લિવરને વધુ નુકસાનકારક છે.


ફૅટી લિવરથી બચવા શું થઈ શકે?

યોગ્ય ડાયટ અને એક્સરસાઇઝ એ બેસિક અને પાયાની બાબત છે એમ જણાવતાં ડૉ. રુચિત પટેલ કહે છે, ‘સૌથી પહેલાં તો શું ન કરવું એ સમજી લેવું જોઈએ. તમારા ફૂડમાં ઍક્સેસ માત્રામાં શુગર, ફૅટ, પ્રોસેસ્ડ ફૂડ, પ્રિઝર્વેટિવ્સ અને ઍડિટિવ્સ ન હોય એ જોવું. મેંદાને બદલે હોલગ્રેઇન લઈ શકાય. તમારું શરીર જેટલું ખર્ચી શકે છે એટલું ભોજન લેવું. રોજ પોણો કલાકની ફિઝિકલ ઍક્ટિવિટી રાખવી મસ્ટ છે. જરૂરી નથી કે બધાએ જિમમાં જ જવું, પણ શરીર ઍક્ટિવ રહેવું જોઈએ. પેટની ફરતે ચરબીની જમાવટ ન થવી જોઈએ. ફાંદ વધે છે એ બતાવે છે કે મેટાબોલિઝમમાં ગરબડ છે. સમયસર સૂવું અને વહેલા ઊઠવું જરૂરી છે.’

લિવર માટે ફાયદાકારક આદતો 
૧. જે શાકભાજી, ફળો કે ધાન્યમાં ડિટૉક્સ ઍટલે કે ઝેરનિકાલ કરવાની શક્તિ હોય એવી ચીજો લેવી. જેમ કે બ્રૉકલી, કોબી, સોયાબીન, લસણ, મગ, વટાણા, હળદર. 
૨. પૂરતું પાણી : રોજનું અઢીથી ત્રણ લીટર જેટલું પાણી પીવું. 
૩. ઘઉંના જ્વારાનો રસ 
પીવો અથવા તો રોજ સવારે ઘઉંના લીલા જ્વારા ચાવી જવા. 
૪. સમયસર, માપસર અને પચવામાં હલકો ખોરાક લેવો. 
૫. રાતે ૧૧ પહેલાં સૂવું અને સવારે સાત પહેલાં ઊઠવું.


ફૅટી લિવર કેમ થાય?
ફૅટી લિવર એટલે ખૂબ સાદી ભાષામાં કહીએ તો લિવરમાં ચરબીની જમાવટ. ખાસ કરીને પેટ ફરતેની ચરબી મેટાબોલિકલી ઍક્ટિવ કહેવાય. જ્યારે એમાં વધારો અને ભરાવો થાય ત્યારે ઇન્સ્યુલિન-રેઝિસ્ટન્સ આવે. મતલબ કે શરીર જે ઇન્સ્યુલિન પેદા કરે છે એ બરાબર વપરાય નહીં. એને કારણે તમે જે પણ તેલ-ચરબી અને શુગરવાળી ચીજો ખાધી એમાંથી પેદા થયેલા ગ્લુકોઝનું  એનર્જીમાં રૂપાંતર કરવામાં અડચણ ઊભી થાય છે. આમ વપરાયા વિનાનો ગ્લુકોઝ લોહીમાં પડ્યો રહે અને પડી રહેલો ગ્લુકોઝ ધીમે-ધીમે લિવરમાં ચરબીરૂપે જમા થાય. કેમ ગ્લુકોઝ ચરબીમાં જ રૂપાંતરિત થાય એ પણ સમજવા જેવું છે. જેમ ગોલ્ડ યુનિવર્સલ કરન્સી કહેવાય એમ ફૅટ એ આપણા શરીરની યુનિવર્સલ ચીજ છે. આપણે કમાણીમાંથી બચત કરીને સોનું લઈને બચત કરીએ છીએ એમ શરીરને આપણે જે ખાવાનું આપીએ છીએ એમાંથી પેદા થયેલી વધારાની ઊર્જા પણ શરીરમાં બચત થઈને પડી રહે છે. શરીરમાં એનર્જીની બચત હંમેશાં ચરબીરૂપે જ થાય. ઘણા લોકો માને છે કે વધુપડતી ફૅટ ખાવાથી જ લિવરમાં ચરબી વધે, પણ એ ખોટી માન્યતા છે. તમે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફૅટ કોઈ પણ ચીજ વધુ માત્રામાં ખાઓ તો એની બચત લિવરમાં ચરબીરૂપે જ થાય. ફૅટી લિવરની સમસ્યા જે હદે ભારતમાં વકરી છે એની પાછળ આપણી ખોટી જીવનશૈલી જવાબદાર છે. જુહુના ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. રુચિત પટેલ કહે છે, ‘ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ, હાઇપરટેન્શન અને ઓબેસિટી એ ચાર એવાં ફૅક્ટર્સ છે જે લિવરનું સ્વાસ્થ્ય બગાડે છે. દારૂથી લિવર બગડે છે એ તો એક વાત થઈ; પણ જન્ક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, શુગર અને સોડિયમથી લથબથ એનર્જી ડ્રિન્ક્સની આદતો લિવર પર વધુ ભારે પડે છે. લોકો બ્લડ-શુગર, બ્લડ-પ્રેશર કે વજન માપે છે; પણ કોઈને લિવરના શું હાલ છે એનું રેગ્યુલર ચેકઅપ કરવાની જાગૃતિ નથી. શરીરમાં લક્ષણો હોય કે ન હોય, સ્ટ્રેસફુલ લાઇફ જીવનારી દરેક વ્યક્તિએ વર્ષે એકાદ વાર લિવર પ્રોફાઇલની ટેસ્ટ કરાવીને તમારા આ મહામૂલા અંગની ખબર પૂછી લેવી જોઈએ.’
ફૅટી લિવર એ રોગ આવતાં પહેલાંની ઘંટડી છે. જીવનશૈલીને સંતુલિત કરી દેવા માટેનું ભગવાનનું અલાર્મ જ કહી લો. જોકે આ ઘંટડી એટલી સાઇલન્ટ્લી વાગે છે કે એને સાંભળવા માટે સતર્કતા જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 11:04 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK