જીવનની ભાગદોડમાંથી પર્સનલ ટાઇમ મળવાનાં ફાંફાં હોય છે ત્યારે નાની-મોટી પીડા થાય ત્યારે એકાદ દિવસમાં ઠીક થઈ જશે એવું કહીને અવગણવામાં આવે છે, પણ ઘણી વાર આ જ સમસ્યાઓ મોટા રોગનું કારણ બને છે
પ્રતીકાત્મક તસવીર
ઘણી વાર આપણે શરીરમાં થતા નાના-મોટા દુખાવા કે અસામાન્ય ફેરફારો જેમ કે ખભાનો દુખાવો, નખના ગ્રોથમાં અસામાન્ય ફેરફાર, સતત ખંજવાળ આવવી, વજન ઘટવું, અકારણ પરસેવો થવો જેવાં લક્ષણોને થાક, સ્ટ્રેસ કે અનિદ્રાનું બહાનું આપીને અવગણતા હોઈએ છીએ. જોકે નજીવા લાગતા આ સંકેત ગંભીર બીમારીની પ્રારંભિક ચેતવણી હોઈ શકે છે. શરીર રાતોરાત તંદુરસ્તીમાંથી સંકટ તરફ વળતું નથી પણ સમય સાથે એ ગંભીર બીમારીને નોતરે છે. આવા સંકેતોને અવગણવાને બદલે સમયસર ધ્યાન આપવામાં આવે તો મોટી બીમારીના ભરડામાં આવવાથી બચી શકાય છે. નિષ્ણાત પાસેથી જાણીએ નજીવાં દેખાતાં લક્ષણોને રેડ ફ્લૅગ ક્યારે ગણવાં, કેવી રીતે ઓળખવાં અને એનાથી બચવા શું કરવું જોઈએ.
સૌથી ઇગ્નૉર કરવામાં આવતા સંકેત
ADVERTISEMENT
શરીરમાં મોટા ભાગની સમસ્યા અત્યારે ખરાબ લાઇફસ્ટાઇલને કારણે જ ઉદ્ભવે છે એવું માનતા નાલાસોપારામાં પ્રૅક્ટિસ કરતા અને ૪૫ વર્ષનો અનુભવ ધરાવતા ફૅમિલી ફિઝિશ્યન ડૉ. ગિરીશ તુરખિયા કહે છે, ‘લાઇફસ્ટાઇલમાં થતા નાના-મોટા ફેરફારને લોકો નૉર્મલ ગણવા લાગ્યા છે. લોકો માની લે છે કે ‘હવે ઉંમર થઈ ગઈ છે’, ‘થોડો જ દુખાવો છે, આપોઆપ મટી જશે’. ડૉક્ટર પાસે જવાનો પણ ટાઇમ નથી હોતો. આથી સમયનો અભાવ પણ અવગણવા માટે જવાબદાર હોય છે.
અત્યારે સૌથી કૉમન પ્રૉબ્લેમ છે અચાનક વજન વધવું અને ઘટવું. અચાનક વજન વધવાનું કારણ ઓબેસિટી અને થાઇરૉઇડની સમસ્યા હોઈ શકે. એક્સરસાઇઝ ન કરવાથી ફૅટ જમા થાય અને એને કારણે ડાયાબિટીઝ જેવી બીમારી પણ આવી શકે છે. હાઇપોથાઇરૉઇડમાં વજન વધે અને હાઇપર થાઇરૉઇડમાં અચાનક ઘટવા લાગે. વજન અચાનક ઘટવા લાગે તો આ કારણ હોઈ શકે છે. ટીબી જેવી બીમારીમાં પણ ભૂખ લાગતી નથી, જેને લીધે વજન ઘટવા લાગે છે. આ બન્ને સમસ્યાને સૌથી વધુ ઇગ્નૉર કરવામાં આવી રહી છે.
સતત અનિદ્રા અને થાક પણ શરીરમાં મોટી બીમારી પ્રવેશવાના સંકેત હોઈ શકે છે. આ લક્ષણો સીધા હૃદયના ફંક્શન્સને અસર કરે છે, એને લીધે ભવિષ્યમાં હાઇપરટેન્શન, સ્ટ્રોક, ડિપ્રેશન, સ્ટ્રેસ અને ડિમેન્શિયા જેવી બીમારી આવી શકે છે.
આ ઉપરાંત ઘણી વાર મોઢામાં ડ્રાયનેસનો પ્રૉબ્લેમ પણ થાય છે. સામાન્યપણે આવું ડીહાઇડ્રેશનને કારણે થાય છે. જો સતત અને અકારણ મોઢું સૂકું રહે તો એ ડાયાબિટીઝની બીમારી થવાનો ઇશારો કરી શકે છે. મોંમાં લાળની અછત મોંમાં બૅડ બૅક્ટેરિયાનું પ્રમાણ વધારે છે અને વાત ઑલ્ઝાઇમર્સ, હૃદયરોગ અને કોલોન કૅન્સર સુધી પહોંચે છે. કેટલાક કેસમાં વિટામિન્સની કમી અને જરૂર કરતાં વધુ સૉલ્ટી ખાવાનું ખાવાથી પણ મોંમાં ડ્રાયનેસ થતી હોય છે.
અકારણ પરસેવો થવો કે ઍસિડિટી જેવું ફીલ થાય તો તાત્કાલિક દવા લેવી અને ECG કરાવી લેવો. જો ધ્યાન આપવામાં ન આવે તો હાર્ટ-રિલેટેડ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. થોડું પણ ચેસ્ટ પેઇન થાય તો અવગણવાને બદલે તાત્કાલિક સારવાર કરાવવામાં જ ભલાઈ છે.
શરીરમાં પોષક તત્ત્વોની ઊણપ સર્જાય તો એ નખમાં રિફ્લેક્ટ થાય છે. નખમાં કૅલ્શિયમ અને આયર્નની ઊણપ હોય તો એ કમજોર થવા લાગે છે. નખમાં કાળી રેખા બને તો એ લિવર ખરાબ હોવાનો સંકેત છે.
નૉર્મલી તાવ પણ આવે તો લોકો ડૉક્ટર પાસે જવાને બદલે ડોલો કે પૅરાસિટામૉલ જેવી ગોળી ગળી જાય છે. વાઇરલ હોય તો ચાર દિવસમાં નૉર્મલ થાય છે, પણ એનાથી વધુ દિવસ સુધી જો તાવનાં લક્ષણો રહે તો લિવરમાં સોજો, ડેન્ગી કે મલેરિયા જેવી બીમારીઓ હોઈ શકે છે.
રેડ ફ્લૅગ્સને ઓળખવા કેવી રીતે?
ડીહાઇડ્રેશન કે શરીરમાં ક્યાંય દુખાવો થાય ત્યારે આ લક્ષણોને ક્યારે ડૉક્ટરની તપાસની જરૂર હોય છે એ સમજાવતાં ડૉ. ગિરીશ તુરખિયા જણાવે છે, ‘જનરલી સ્કિનમાં ઇરિટેશન કે ખંજવાળ આવે તો લોકો દવા લેવા જાય જ છે, પણ જો કોઈ ક્રીમ ઘરે પડી હોય તો એ લગાવ્યે રાખે છે. એમ છતાં ફરક ન પડે તો એ યકૃત કે કિડનીમાં પ્રૉબ્લેમ હોવાનું દર્શાવે છે. તેથી તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટર પાસે જઈને નિદાન કરવું જરૂરી છે. પગમાં સોજા આવવા કિડનીનો પ્રૉબ્લેમ હોવાનો સંકેત આપે છે. ઘણી વાર સતત પાણી પીવાથી પણ મોઢામાં ડ્રાયનેસની સમસ્યાથી રાહત ન મળે, ખભાનો લાંબા સમય સુધી દુખાવો, છાતીમાં અસ્વસ્થતા, પાચનમાં ફેરફાર જેવાં લક્ષણો જોવા મળે તો એ હૃદય, ફેફસાં કે પિત્તાશય જેવી આંતરિક સમસ્યાનું પ્રતિબિંબ હોઈ શકે છે. આ રેડ ફ્લૅગ્સને ઓળખીને તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે.’
શું ધ્યાનમાં રાખવું?
અત્યારે તો ૯૦ ટકા જેટલા પ્રૉબ્લેમ લાઇફસ્ટાઇલને કારણે જ થતા હોય છે એ વાતને માનતા ડૉ. ગિરીશ તુરખિયા લોકોએ કઈ રીતે તકેદારી રાખવી જોઈએ એ વિશે વાત કરે છે, ‘શરીરમાં અસામાન્ય ગતિવિધિ થાય એટલે છ મહિનામાં વજન કેટલું ઘટ્યું, પરસેવો ફક્ત રાત્રે જ આવે છે કે કેમ, તાવ ત્રણ દિવસમાં કેટલો ચડઊતર થાય છે, આ તમામ લક્ષણો ક્યારે શરૂ થાય છે અને એની તીવ્રતા કેટલી છે એનો રેકૉર્ડ રાખીને તાત્કાલિક ફૅમિલી ફિઝિશ્યન પાસે જાઓ. રેગ્યુલર બ્લડ-ટેસ્ટ, લિવર ફંક્શન ટેસ્ટ, કિડની ફંક્શન ટેસ્ટ કરાવી લેવી. અકારણ વજન ઘટવા અને મોઢામાં ડ્રાયનેસ માટે ડાયાબિટીઝ અને થાઇરૉઇડ ટેસ્ટ કરાવવી. પેટ, પિત્તાશય અને ફેફસાંમાં દુખાવો થાય તો અલ્ટ્રાસાઉન્ડ અથવા છાતીનો એક્સરે કરાવી લેવો.’
હેલ્થને કરો ટ્રૅક
દર અઠવાડિયે તમારા નખ, જીભનો રંગ, ત્વચામાં ફેરફાર, વજનમાં ફેરફારનું નિરીક્ષણ કરો.
તમારી સ્લીપિંગ સાઇકલની ક્વૉલિટી કેવી છે, તમને વારંવાર થાક, માથાનો દુખાવો, પરસેવો અને પાચનની સમસ્યા તો નથી થતીને એની નોંધ રાખો.
દર મહિને એક વાર વજન તપાસો. અચાનક ચાર-પાંચ કિલો ઘટી જાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો.
માત્ર બીમાર થઈએ ત્યારે જ ચેકઅપ કરાવવું એવો વિચાર રાખવાને બદલે વર્ષમાં એક વાર બૉડી ચેકઅપ કરાવી લેવું જેથી નાના ફેરફારોને સરળતાથી ઓળખીને તાત્કાલિક સારવાર કરી શકાય અને ભવિષ્યમાં આવનારી મોટી બીમારીથી બચી શકાય.
અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે બેડટાઇમના એકથી બે કલાક પહેલાં ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સનો વપરાશ ધીમે-ધીમે કરીને ઓછો કરી દો. લૅપટૉપ અને સ્માર્ટફોનમાંથી નીકળતી બ્લુ લાઇટ મગજમાં ઊંઘ માટે જવાબદાર મેલૅટોનિન હૉર્મોન્સને અવરોધે છે. તેથી ડિજિટલ ડીટૉક્સ અને માનસિક શાંતિ માટે અત્યારના સમયમાં જરૂરી છે.


