Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ૨૦૨૬માં દબદબો રહેશે આ હેલ્થ ટ્રેન્ડ્સનો

૨૦૨૬માં દબદબો રહેશે આ હેલ્થ ટ્રેન્ડ્સનો

Published : 01 January, 2026 12:18 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

માત્ર ફિઝિકલ ફિટનેસ નહીં પણ મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ ફિટનેસ તરફ પણ લોકોનો ઝુકાવ હવે ખૂબ જ વધી રહ્યો છે અને આ જ વાત ૨૦૨૬માં યુનિવર્સલ વેલનેસ મંત્ર બનશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સતત બદલાઈ રહેલી દુનિયામાં વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં અનેક નવા બદલાવ જોવા મળી રહ્યા છે. પહેલાં એવું હતું કે તમે સફળતા પાછળ દોડો, ખરાબ જીવનશૈલી રાખો અને જ્યારે માંદા પડો ત્યારે દવા લો. એ પછી સારી લાઇફસ્ટાઇલ પર એક્સરસાઇઝ, સ્લીપ અને હેલ્ધી ડાયટ પ્રાયોરિટી બનવા માંડ્યાં.

હવેનો સમય એનાથી પણ એક ડગલું આગળ નીકળી ગયો છે અને એમાં સારી જીવનશૈલી સાથે પ્રકૃતિ તરફ પાછા વળવાની, જાતને જાણવાની વાતો પણ વેલનેસ ટ્રેન્ડનો હિસ્સો બની રહી છે. હવેના વેલનેસ ટ્રેન્ડ હવે પહેલાં કરતાં વધુ ઇન્ટેલિજન્ટ યુગમાં પ્રવેશી ગયા હોય એવું લાગશે જેમાં તમારા ચેતાતંત્રને હોકાયંત્રની જેમ જોવામાં આવે છે અને ઊંઘ એક પવિત્ર ક્રિયા બની ગઈ છે તો પ્રકૃતિને શિક્ષક તરીકે લેવામાં આવે છે. તો આજે વર્ષના પહેલા દિવસે ૨૦૨૬ પર કયા વેલનેસ ટ્રેન્ડ રાજ કરશે એ વિશે વિગતવાર વાત કરીએ.



નર્વસ સિસ્ટમ સોવ્રિનિટી


આપણી નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર સુપ્રીમ પાવર ધરાવે છે અને એની ક્ષમતાને જાણીને ચેતાતંત્રની પ્રભુતાનો ઇનર હીલિંગ માટે ઉપયોગ કરીએ આ વખતના ફિટનેસ ટ્રેન્ડમાં મહત્ત્વપૂર્ણ રહેશે. તમારી આંતરિક શાંતિનો કન્ટ્રોલ તમારી પાસે હોય અને શરીરનાં વિવિધ સિગ્નલ્સને સમજીને ભૂતકાળના ટ્રૉમા તમારી માનસિક સ્થિતિને હાઇજૅક ન કરી જાય એની સાવધાની એટલે 
નર્વસ સિસ્ટમ સોવ્રિનિટી. સ્ટ્રેસ માટે ચેતાતંત્રને તૈયાર કરવું. ‘સેલ્ફ-લીડરશિપ’ અથવા તો ‘સેલ્ફ-કન્ટ્રોલ’થી સજ્જ થવું. વાતનો સાર એટલે બહાર ભલે ગમે તેટલાં તોફાન ચાલતાં હોય પણ અંદરનું વિશ્વ એના માટે સજ્જ હોય એ તૈયારી એટલે નર્વસ સિસ્ટમ સોવ્રિનિટી. આ કન્સેપ્ટમાં ત્રણ મુખ્ય બાબતો પર ફોકસ કરવામાં આવે છે. કોઈ પણ પીડાદાયી લાગણી કે અનુભવને દબાવવાને બદલે સ્ટ્રેસને રિલીઝ કરવાની પ્રોસેસ પર ફોકસ કરવું. તમારા શરીરનાં સિગ્નલ્સને ઓળખવાં અને એના પ્રત્યે રિસ્પેક્ટ દેખાડવો. બાયોલૉજીને રીવાયર કરીને ટ્રૉમા બેઝ્ડ સર્વાઇવલ પૅટર્નને ફૉલો કરવાને બદલે રિસ્પૉન્સ પૅટર્ન બદલવી. 

કરવાનું શું?


બ્રેથવર્ક, શારીરિક મૂવમેન્ટ, મેડિટેશન અને પ્રકૃતિ સાથે જોડાણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચેતાતંત્રને રીવાયર કરવાની પ્રોસેસ થઈ શકે છે. એ સિવાય થોડોક પોઝ લેવાની આદત કેળવવી. તમને ડિસ્ટર્બ કરનારા ટ્રિગર સામે તરત રીઍક્ટ કરવાને બદલે થોડુંક થોભી જવું અને શાંતિથી રિસ્પૉન્સ આપવો. આવા કેટલાક નુસખાઓ તમારા માઇન્ડને વિચલિત થતાં અટકાવી શકે એવી બાઉન્ડરી બનાવવામાં મદદ કરશે. તમારી નિર્ણયશક્તિ બહેતર બનશે અને તમારી સ્ટ્રેસને હૅન્ડલ કરવાની ક્ષમતા બહેતર બનશે.

ગટ-સોલ કનેક્શન

આજકાલ ગટ-હેલ્થ પર ભરપૂર વાતો થઈ રહી છે. તમારા પાચનતંત્રનું તમારી ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ સાથે ઊંડું કનેક્શન છે એવું સાબિત કરતાં સંશોધનો પણ છે. પાચનતંત્રને ‘સેકન્ડ બ્રેઇન’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એટલે જ હવે ગટને મૅનેજ કરીને મેન્ટલ હેલ્થને, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ હેલ્થને પણ મૅનેજ કરવાની વાતો ટ્રેન્ડ કરી રહી છે. કેટલાંક સ્ટ્રેસ, લાગણીઓ અથવા કેટલીક અંતઃસ્ફુરણાઓને આપણે ગટ-ફીલિંગ તરીકે પણ ઓળખીએ છીએ. આ ગટને મેડિટેશન, હેલ્ધી ઈટિંગ સાથે હેલ્ધી કરી શકાય. પેટના માઇક્રોબાયોમ સાથે પૉઝિટિવ રિલેશન મેડિટેશનના માધ્યમથી કનેક્શન બિલ્ડ કરી શકાય. તમારા પાચનતંત્ર માટે એક્સટેન્સિવ નર્વ નેટવર્ક છે જે કેટલાંક હૅપી હૉર્મોન્સ જનરેટ કરવામાં પણ મદદરૂપ થાય છે. મૂડ, ઍન્ગ્ઝાયટી, કૉગ્નિટિવ હેલ્થ વગેરેમાં પણ માઇક્રોબાયોમ મહત્ત્વનું ગણાય છે. ઇન ફૅક્ટ, કેટલીક ફિલોસૉફી તો એમ પણ કહે છે કે આપણા મનમાં પ્રોસેસ નહીં થયેલાં ઇમોશન્સ, સ્ટ્રેસ અને કેટલીક યાદો પણ ગટમાં સ્ટોર થતી હોય છે.

કરવાનું શું?

હેલ્ધી ડાયટ અને ગટ મેડિટેશન દ્વારા ગટ હેલ્થ પર ફોકસ કરવાનું આ વર્ષમાં વિશેષ ટ્રેન્ડમાં રહેશે. બેલી બ્રીધિંગ એટલે કે પેટથી શ્વાસ લેવા, યોગ, નિયમિત પ્રાર્થના, ગ્રેટિટ્યુડ અફર્મેશન જેવાં માધ્યમો થકી ગટ સાથે વધુ ઘનિષ્ઠ નાતો કેળવીને એના સ્વાસ્થ્યને જાળવવાની વાતો પણ ટ્રેન્ડમાં રહેશે.

પ્લૅનેટરી લેન્સ લિવિંગ

આજકાલ પોતાની સાથે પ્રકૃતિના સ્વાસ્થ્યને જાળવવાની વાત પણ જોરશોરથી ચર્ચાઈ રહી છે. પ્રકૃતિ સાથે લય બનાવીને જીવવાની અને આપણી સાથે પ્રકૃતિનું પણ જતન કરવાની વાતો પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે જેનું પ્રમાણ આ વર્ષે હજી વધશે. બાયોડાઇવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ જેવા વિષયોને પોતાની હેલ્થને જાળવવા માટે પણ મહત્ત્વના ગણવા જોઈએ. આપણે અને પ્રકૃતિ એકબીજા સાથે જોડાયેલા છીએ અને જો શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ અન્ન જોઈતાં હશે તો એના માટે પ્રકૃતિને જાળવવી પડશે. આ જ કન્સેપ્ટ ક્યૉર પર નહીં પણ પ્રિવેન્શન પર ફોકસ કરશે. બીમારીઓ થાય જ નહીં એવી જીવનશૈલી પ્લૅનેટરી લેન્સ લિવિંગમાં પ્રમોટ કરવામાં આવે છે.

કરવાનું શું?

નૉન-કમ્યુનિકેબલ ડિસીઝથી બચવા વધુ ને વધુ પ્લાન્ટ બેઝ્ડ ડાયટ પર ફોકસ કરવું. કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવા ગાડીઓ અને વાહનોનો ઉપયોગ ઓછો કરીને સાઇક્લિંગ, વૉકિંગ, રનિંગને પ્રાધાન્ય આપવું. જેમાં પ્રકૃતિ અને આપણું બન્નેનું સ્વાસ્થ્ય જળવાયેલું છે એવી ઍક્ટિવિટીને પ્રાધાન્ય આપવું. ઓછામાં ઓછા બગાડ સાથે જીવન જીવવું. રિડ્યુસ, રીયુઝ અને રીસાઇકલને પ્લૅનેટરી વેલનેસ પ્લાનના પિલર માનવામાં આવે છે. 

સ્લીપ ઍઝ સેક્રેડ પોર્ટલ

ઊંઘ શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે કેટલી જરૂરી છે એ વિષય તો વર્ષોથી ચર્ચાઈ રહ્યો છે. જોકે આ વર્ષે એ વાતને જોવાનો નવો નજરિયો પૉપ્યુલર થશે. ઊંઘ જરૂરી જ નહીં પણ પવિત્ર છે. ફિઝિકલી જ નહીં પણ આધ્યાત્મિક રીતે પણ ઊંઘનો મહિમા સમજીને જાતને બ્રહ્માંડનાં ગૂઢ રહસ્યો તરફ ગતિ કરવા માટે પણ ઊંઘનું મહત્ત્વ રહેશે.

કરવાનું શું?

ઊંઘતાં પહેલાં અમુક પ્રકારની ફ્રીક્વન્સી સાંભળવી, અમુક પ્રકારના શ્લોક સાંભળવા, મેડિટેશન કરવું વગેરે બાબતોનો પ્રચુર માત્રામાં પ્રચાર થશે. પરમાત્મા સાથે અનુસંધાન સાધવાના માધ્યમ તરીકે ઊંઘનો ઉપયોગ કરવાની વાતને કારણે ઊંઘવાના સ્થાનને પણ ખાસ રીતે ડિઝાઇન કરવાની, ઊંઘ સમયે જમીન પર સૂઈને ગ્રાઉન્ડિંગ કરવું જેવી બાબતો પણ આ વર્ષે ટ્રેન્ડમાં રહેશે. 

સ્પિરિચ્યુઅલ બાયોહૅકિંગ

કેટલાક પ્રાચીન અધ્યાત્મિક અભ્યાસોને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને સ્વાસ્થ્યને વધારવાના પ્રયોગો એટલે સ્પિરિચ્યુઅલ બાયોહૅકિંગ. માઇન્ડ, બૉડી અને આત્મ તત્ત્વના સમન્વય સાથે માત્ર શારીરિક કે માનસિક ગ્રોથની દિશામાં નહીં પરંતુ જીવનના ઊંડાણપૂર્ણ અન્ય લક્ષ્યને પામવાની દિશામાં સ્પિરિચ્યુઅલ બાયોહૅકિંગનો કન્સેપ્ટ ટ્રેન્ડમાં રહેશે. ઇન્ટરનલ સિસ્ટમ અને એક્સટર્નલ સિસ્ટમના કૉમ્બિનેશન સાથે વિવિધ અભ્યાસો કરવામાં આવશે. અવેરનેસ સાથે ફિઝિકલ ઇફેક્ટને નોટિસ કરવામાં આવશે. 

કરવાનું શું?

ધ્યાન, પ્રાણાયામ, યોગ, મંત્ર ચૅન્ટિંગ, મ્યુઝિક, અફર્મેશન વગેરેનો નિયમિત અભ્યાસ નર્વસ સિસ્ટમને, હાર્ટ-રેટને કઈ રીતે અસર કરે છે એ બાયોહૅકિંગનો હિસ્સો છે. તમે ગ્રેટિટ્યુડ પ્રૅક્ટિસ કરો કે પૉઝિટિવ માઇન્ડસેટ માટે જાતને ટ્રેઇન કરો ત્યારે સ્ટ્રેસ ટેસ્ટ પર કેવો પ્રભાવ પડશે એનું ટેસ્ટિંગ એ સ્પિરિચ્યુઅલ બાયોહૅકિંગનો હિસ્સો ગણાય. તમે અધ્યાત્મને લગતા જે પણ અભ્યાસ કરો એની ડાયરેક્ટ તમારા શરીર પર શું અસર થાય છે એ આજના અવેલેબલ વૈજ્ઞાનિક મેઝરમેન્ટ મશીનના માધ્યમે ચકાસવાની પદ્ધતિ આ વર્ષે પૉપ્યુલર થશે.

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2026 12:18 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK