આ આયુષ-કાઢો દિવસમાં બે વાર પીશો તો રોગપ્રતિકારક શક્તિ વધશે
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉન વધારવાની જાહેરાત કરી ત્યારે પણ દેશવાસીઓને આયુષ દ્વારા સૂચવેલા નુસખાઓનું પાલન કરવાનું કહેલું.
ભારતમાં વૈકલ્પિક સારવાર પદ્ધતિના સંશોધન અને સ્ટાન્ડર્ડાઇઝેશન માટે કામ કરતા આયુષ મંત્રાલયે કોરોના વાઇરસ સામે રક્ષણ આપે એવો કાઢો પીવાની ભલામણ કરી છે. આ કાઢામાં દરેક ઘરમાં આસાનીથી મળી જાય એવા તેજાનાનો સમાવેશ થાય છે જે વાઇરસ સામે ઇમ્યુનિટી વધારતો હોવાનું આયુષ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ કાઢામાં તુલસી, સૂંઠ, તજ, કાળાં મરી એમ ચાર ચીજો વાપરવામાં આવી છે.
હજી જ્યારે કોવિડ-૧૯ની કોઈ પ્રમાણભૂત સારવાર શોધાઈ નથી ત્યારે એનાથી બચવું એ જ સૌથી શાણપણભર્યો વિકલ્પ છે. આપણું શરીર વાઇરસના સંસર્ગમાં ન આવે અને ધારો કે આવે તો વાઇરસનો ખાતમો બોલાવી શકે એવી ક્ષમતા કેળવાય એ માટે ઘરગથ્થુ કાઢો પીવાની ભલામણ આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.
આ કાઢો બનાવવા માટે બે ગ્લાસ પાણી લેવું, એમાં દસથી બાર તુલસીનાં પાન નાખવા, સૂંઠ, તજ અને કાળાં મરી નાખવા. કાઢો ઉકળીને લગભગ અડધો થઈ જાય એટલે એમાં થોડોક ગોળ નાખીને ઓગળવા દેવું. આ પીણું સહેજ કોકરવરણું હોય ત્યારે જ પી જવું. રોજ સવાર-સાંજ દિવસમાં બે વાર આવો કાઢો પીવામાં આવે તો એનાથી પ્રતિકારક્ષમતા વધે છે.
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉન વધારવાની જાહેરાત કરી ત્યારે પણ દેશવાસીઓને આયુષ દ્વારા સૂચવેલા નુસખાઓનું પાલન
કરવાનું કહેલું. આ કાઢા ઉપરાંત વારંવાર ગરમ પાણી પીતા રહેવાની સલાહ પણ અપાઈ છે. તેમ જ પાણીમાં અજમો નાખેલું ગરમ પાણી ઉકાળીને એની વરાળ પણ નાક-મોં પર લેવાનું કહેવાયું છે.

