શરીરમાંથી પરસેવા વાટે માત્ર પાણી જ નહીં, સોડિયમ અને પોટૅશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ પણ વહી જાય છે. જ્યારે આ ક્ષારો ખૂટે છે ત્યારે કોષો પાણીને પકડી શકતા નથી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
શરીરમાંથી પરસેવા વાટે માત્ર પાણી જ નહીં, સોડિયમ અને પોટૅશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ પણ વહી જાય છે. જ્યારે આ ક્ષારો ખૂટે છે ત્યારે કોષો પાણીને પકડી શકતા નથી. ગમે એટલું પાણી પીવા છતાં અનુભવાતો થાક, માથાનો દુખાવો અને સતત લાગતી તરસ એ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની કમી હોઈ શકે છે...
ગરમી વધતાંની સાથે શરીરમાંથી પરસેવારૂપે પાણી બહાર નીકળી જતું હોય છે જે સ્વાભાવિક છે. આની સાથે ગળું સુકાવાની સમસ્યા પણ થાય છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ દિવસભર પુષ્કળ પાણી પીએ છે છતાં તેમને તરસ લાગ્યા કરે છે. જો તમને પણ આવું થતું હોય તો સમજી લેવું કે આ માત્ર ગરમીની અસર નથી પણ તમારા શરીરની આંતરિક હાઇડ્રેશન
સિસ્ટમનો સંકેત છે. ‘ઍક્સેસિવ થર્સ્ટ’ તરીકે ઓળખાતી આ સ્થિતિ પાછળ કયાં કારણો જવાબદાર છે અને એનું સૉલ્યુશન શું હોઈ શકે એ વિશે કાંદિવલીનાં અનુભવી ન્યુટ્રિશનિસ્ટ
અને હોલિસ્ટિક હેલ્થ કોચ ડૉ. રિશિતા જોશી પાસેથી જાણીએ.
વધુ તરસ લાગવા પાછળનાં કારણો
પરસેવા દ્વારા સોડિયમ અને પોટૅશિયમ જેવા જરૂરી ક્ષારો પણ શરીરની બહાર નીકળી જાય છે. જો તમે માત્ર સાદું પાણી પીઓ છો અને શરીરમાં ક્ષારની કમી છે તો કોષો પાણીને જકડી શકતા નથી અને તમને વારંવાર તરસ લાગે છે. ઉનાળામાં જો તમે ચિપ્સ, અથાણું કે વધુપડતા મસાલેદાર ભોજનનો ઉપયોગ કરો છો તો મીઠામાં રહેલું સોડિયમ કોષોમાંથી પાણી ખેંચી લે છે. આ પ્રક્રિયાને કારણે મગજ સતત તરસ લાગવાનો સંકેત આપે છે. ઘણા લોકો ગરમીમાં ઠંડાં પીણાં કે વધુપડતી ચા-કૉફી પીતા હોય છે. આ પીણાં પેશાબ વાટે શરીરનું પાણી બહાર કાઢી નાખે છે. એને પરિણામે ડીહાઇડ્રેશન વધે છે. લોહીમાં શુગરનું પ્રમાણ વધવાને કારણે કિડની એને બહાર કાઢવા માટે વધુ મહેનત કરે છે, જેને કારણે વારંવાર પેશાબ લાગે છે અને શરીર પાણીની ડિમાન્ડ કરે છે.
કોષો સુધી પાણી પહોંચતું કેમ નથી?
ડૉ. રિશિતા જોશી કહે છે, ‘સેલ્યુલર હાઇડ્રેશન એટલે આપણા શરીરના બધા કોષોની અંદર પાણી પહોંચવું. કોષમાં પાણી પહોંચાડવા માટે સોડિયમ અને પોટૅશિયમ જેવા
ઇલેક્ટ્રોલાઇટ્સ પમ્પ તરીકે કામ કરે છે. પરસેવા વાટે સોડિયમ અને પોટૅશિયમ નીકળી જાય છે અને જો ખાલી સાદું પાણી પીવામાં આવે તો શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન ખોરવાય છે. પરિણામે કોષો પાણીને જકડી શકતા નથી અને એ પેશાબ વાટે બહાર નીકળી જાય છે, જેથી આપણે પાણી પીતા હોવા છતાં કોષો તરસ્યા
જ રહે છે.’
તરસ વધારતાં વિલન ફૂડ્સ
આપણી ખાણી-પીણી તરસ વધારવામાં મોટો ભાગ ભજવે છે. ચિપ્સ, પાપડ, અથાણું કે વધુપડતા મસાલેદાર અને પ્રોસેસ્ડ ફૂડમાં રહેલું સોડિયમ કોષોમાંથી પાણી ખેંચી લે છે.
એવી જ રીતે વધુપડતી ચા, કૉફી કે ઠંડાં પીણાં શરીરને વધુ ડીહાઇડ્રેટ કરે છે. પાણી માત્ર પીવા કરતાં પાણી ખાઓ પણ, એટલે કે તમારી ડાયટમાં એવાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ જેમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ વધારે હોય. તરબૂચ, કાકડી, સંતરાં, મોસંબી, શક્કરટેટી અને તાડગોળા ઉનાળા માટે શ્રેષ્ઠ છે. તકમરિયાં અને ચિયાસિડ્સને પણ પાણીમાં પલાળીને ખાવાથી હાઇડ્રેશનમાં મદદરૂપ થાય છે. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડ્યું છે એ કેવી રીતે જાણવું? આ સવાલનો જવાબ આપતાં ડૉ. રિશિતા કહે છે, ‘જો તમને વારંવાર
તરસ લાગે, થાક અને કમજોરી અનુભવાય, માથાનો દુખાવો થાય, સ્નાયુઓમાં ગોટલા ચડી જાય એટલે કે મસલ ક્રૅમ્પ્સ કે ચક્કર આવે તો એ ઇલેક્ટ્રોલાઇટ્સની અછત હોઈ શકે છે. ગંભીર કિસ્સામાં આની અસર હૃદયના ધબકારા અને નર્વસ સિસ્ટમ પર પણ થઈ શકે છે.’
કેટલું પાણી પીવું?
તમારે જાણવું હોય કે શરીરના વજનના હિસાબે દિવસ દરમ્યાન કેટલું પાણી પીવું જોઈએ તો એક સિમ્પલ ફૉર્મ્યુલા છે. ધારો કે તમારું વજન ૬૦ કિલો હોય તો બેથી અઢી લીટર પાણી તો પીવું જ જોઈએ. જો તમે એક્સરસાઇઝ કરો છો કે બહાર ફરો છો તો આ પ્રમાણ વધારવું જોઈએ. જોકે ગમે એટલું પાણી પીવું પણ જોખમી છે. ઓવર-હાઇડ્રેશનને લીધે સોડિયમનું લેવલ ઘટી જાય છે, જેનાથી બ્રેઇન સ્વેલિંગ જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. સાદા પાણીને બદલે નારિયેળપાણી અથવા ઘરે બનાવેલું ગોળ-લીંબુનું શરબત એમાં સંચળ અને જીરું પાઉડર નાખીને પી શકાય અથવા નૉર્મલ ORS પાઉડર શ્રેષ્ઠ વિકલ્પ છે. યાદ રાખો કે ટેટ્રાપૅકવાળાં ડ્રિન્ક્સ કે ગ્લુકોન-D હાઇડ્રેશન માટે યોગ્ય પસંદગી નથી.
લાફસ્ટાઇલમાં કરો ફેરફાર
ઘણી વાર ડાયાબિટીઝ કે કિડનીની સમસ્યા ન હોવા છતાં તરસ લાગે છે, જેનું કારણ વધુપડતો સ્ક્રીન-ટાઇમ કે સતત ACમાં રહેવાની આદત છે. ACમાં સ્વેટિંગ ન થવાને કારણે આપણને ડીહાઇડ્રેશનનો અંદાજ આવતો નથી. તમારા હાઇડ્રેશન સ્ટેટસને જાણવા માટે યુરિનનો કલર ચેક કરો. ડાર્ક યલો એટલે ડીહાઇડ્રેશન, લાઇટ યલો એટલે પર્ફેક્ટ અને જો સફેદ હોય તો એ ઓવર-હાઇડ્રેશન સૂચવે છે. હાઇડ્રેશન એટલે માત્ર ગ્લાસ ભરીને પાણી પીવું નહીં પણ પાણી, મિનરલ્સ અને યોગ્ય આહારનું સંતુલન જાળવવું.
એક રિપોર્ટ મુજબ લગભગ ૭૦ ટકા ભારતીયો અજાણતાં જ ક્રોનિક ડીહાઇડ્રેશનનો શિકાર બનતા હોય છે. ખાસ કરીને ઉનાળામાં કામ કરતી દર દસમાંથી ૬ વ્યક્તિ પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ્સ લેતી નથી, જેને કારણે તેઓ વારંવાર થાક અને ફોકસની કમીનો અનુભવ કરે છે.
હાઇડ્રેશન જાળવવા માટેની ખાસ ટિપ્સતરસ લાગે ત્યારે પાણી ગટગટાવીને પીશો તો એ પાણી કોષો સુધી પહોંચશે નહીં અને યુરિન વાટે નીકળી જશે. તેથી હંમેશાં પાણી ઘૂંટડે-ઘૂંટડે પીવું.
એક વાસણમાં પાણી લો અને એમાં કાકડીના ટુકડા, ફુદીનો અને આદું નાખો. આ સ્ટ્રક્ચર્ડ અને ડીટૉક્સ વૉટર હાઇડ્રેશન માટે વધુ અસરકારક છે.
સાદા મીઠાને બદલે સંચળ કે સિંધવ મીઠાનો ઉપયોગ કરો, જે કુદરતી મિનરલ્સ પૂરાં પાડે છે.
સવારના નાસ્તામાં અથવા બપોરે જમતાં પહેલાં પાણીથી ભરપૂર ફળ જેમ કે તરબૂચ અને શક્કરટેટી લો. આ ફળો હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ્સ બન્ને બૅલૅન્સમાં રાખશે.
તરસ ન હોવા છતાં ડેઇલી ઇન્ટેક પૂરો કરવાના ટાર્ગેટ પાછળ દોડતા લોકોને ઓવર-હાઇડ્રેશનની સમસ્યા ઉદ્ભવી શકે છે. આનાથી સોડિયમનું લેવલ ઘટી જશે. તેથી જ્યારે તરસ લાગે ત્યારે જ પાણી પીઓ.
જો તમે એક કપ કૉફી પીઓ છો તો તમારા શરીરમાંથી એટલા જ પ્રમાણમાં વધુ પાણી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. તેથી દરેક કપ કૅફીન પછી એક ગ્લાસ વધારાનું પાણી પીવું જોઈએ. ફ્રિજના અતિશય ઠંડા પાણી કરતાં માટલાનું પાણી શરીરના તાપમાન સાથે જલદી અનુકૂળ થાય છે અને તરસ વધુ સારી રીતે છિપાવે છે.
