શરીરની ચરબીને ઓગાળવા માટે લોકો નવાં-નવાં ગતકડાં કરતા હોય છે ત્યારે હાલમાં સૂતાં પહેલાં ફૅટ બર્ન ડ્રિન્ક પીવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડ કેટલો કારગત નીવડે છે એ નિષ્ણાતને પૂછીને ફૅક્ટ ચેક કરીએ
પ્રતીકાત્મક તસવીર
લાઇફસ્ટાઇલને હેલ્ધી બનાવવાના નામે અઢળક ટ્રેન્ડ વાઇરલ થતા હોય છે, એમાંથી અમુક ટ્રેન્ડ જ એવા હોય છે જેને ખરેખર ઇમ્પ્લીમેન્ટ કરી શકાય. છેલ્લા કેટલાક સમયથી સૂતી વખતે ફૅટ બર્ન ડ્રિન્ક પીવાનું ચલણ વધ્યું છે. આ ટ્રેન્ડમાં એવું છે કે સૂતી વખતે ઘરે બનાવી શકાય એવાં નૅચરલ પીણાં જેમ કે અજમાનું પાણી, જીરાનું પાણી, તજનું પાણી, કાકડી અને ફુદીનાનું પાણી પીવામાં આવે તો આખી રાત દરમિયાન બૉડીમાં રહેલી ઍક્સેસ ફૅટ બર્ન થાય છે. તંદુરસ્ત જીવનશૈલીને અપનાવવા લાઇફસ્ટાઇલ સંબંધિત રોગને દૂર કરવા માટે નૅચરલ રેમેડીઝ તરફ લોકો વળી રહ્યા છે ત્યારે વજન ઘટાડવા અને શરીરમાં જમા થયેલી એક્સ્ટ્રા ચરબીને ઓગાળવામાં આ પીણાં કેટલાં કારગત છે એ વિશે ડોમ્બિવલીમાં રહેતાં અનુભવી ડાયટિશ્યન અશ્વિની શાહ પાસેથી જાણીએ અને સમજીએ તેમના જ શબ્દોમાં...

ADVERTISEMENT
અજમાનું પાણી

હિબિસ્કસ ટી
નુસખા જૂના, રંગરૂપ નવાં
એવું નથી કે ફૅટ બર્ન ડ્રિન્કનો ટ્રેન્ડ વધ્યો એટલે લોકો રાત્રે સૂતાં પહેલાં જીરાનું પાણી અને અજમાનું પાણી પીવા લાગ્યા છે. આ આયુર્વેદિક નુસખાઓ છે. લોકો એને વર્ષો પહેલાં યુઝ કરતા હતા. પહેલાં તો રાત્રે સૂતાં પહેલાં અથવા ડિનર પછી માઉથ-ફ્રેશનર તરીકે અજમાનો ઉપયોગ કરતા હતા, ફુદીનાવાળું પાણી પણ પિવાતું હતું. સૂતાં પહેલાં તજનું પાણી પણ પીવામાં આવતું હતું. આ તમામ દેશી નુસખાઓ ડાયરેક્ટ્લી કે ઇન્ડાયરેક્ટ્લી આપણી ડાઇજેસ્ટિવ સિસ્ટમને સુધારવાનું કામ કરે છે. પેટને ફીલ ગુડ થાય એટલે ઓવરઑલ હેલ્થ પણ સારી રહેતી. અત્યારે લાઇફસ્ટાઇલ એટલી અનહેલ્ધી થઈ ગઈ છે કે હેલ્ધી રહેવા માટે શું કરવું જોઈએ એ મોબાઇલમાં શોધતા હોય છે. લોકો પણ આ જૂના નુસખાઓને ફૅન્સી નામ આપીને ટ્રેન્ડ બનાવે છે અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સમાં શૉર્ટ વિડિયોઝ બનાવીને એવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે જાણે આ ડ્રિન્ક પીવાથી તાત્કાલિક ફૅટ બર્ન થશે, પણ એવું નથી. તાત્કાલિક કે શૉર્ટકટથી જોઈએ એવું પરિણામ મળશે નહીં. આ માટે ધૈર્ય અને કન્સિસ્ટન્સી જોઈએ. ફૅટ બર્ન ડ્રિન્કના નામે પિવાતાં પીણાં પીવાથી ફૅટ બર્ન થાય છે એવું પણ નથી. રિયલિટી એવી છે કે એ ફૅટને બર્ન કરવામાં મદદ કરી શકે. આ પીણાની સાથે લાઇફસ્ટાઇલમાં પણ ચેન્જિસ કરવા બહુ જરૂરી છે. એટલે કે જન્ક ફૂડને ડાયટમાંથી એલિમિનેટ કરીને હેલ્ધી ફૂડ ખાવું, સમયસર ખાવું અને સાથે નિયમિત એક્સરસાઇઝ કરવી એ બધા ચેન્જિસ આવશે તો ફૅટ બર્ન ડ્રિન્ક કારગત નીવડશે.

જીરાનું પાણી
ડ્રિન્કનું મેકૅનિઝમ
હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડ મુજબ ફૅટ બર્ન ડ્રિન્કમાં મારા હિસાબે મેથીનું પાણી, તજનું પાણી, લીંબુ અને મધનું પાણી, એલચી અથવા આદુંવાળું પાણી અને કાકડી-ફુદીનાના ડીટૉક્સ વૉટરનો સમાવેશ થાય છે. ઘણા લોકો હિબિસ્કસ ટી અને ગ્રીન ટી પણ પીએ છે, પણ એનું કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી કે આ પીણાથી ફૅટ બર્ન થશે જ; પણ હા, એ શરીરની ચરબી ઓગાળવામાં સહાય કરી શકે. આ ડ્રિન્કના મેકૅનિઝમને સમજીએ તો સૂતી વખતે એ પીવાથી મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયાને વધુ સારી બનાવે છે. જો તમારું પાચન સારું હશે તો ઊંઘ સારી આવશે અને જો ઊંઘ સારી આવશે તો બૉડી આપમેળે જમા થતાં ટૉક્સિન્સને રિલીઝ કરશે. એ ફૅટ બર્નિંગ પ્રોસેસમાં મેઇન રોલ નહીં પણ સાઇડ રોલ પ્લે કરે છે. મેથી અને જીરા જેવાં પીણાં શરીરમાં ફૅટને સ્ટોર થવા દેતાં નથી. એનાથી શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ સંતુલિત રહે છે. જો એ વધુ હશે તો ફૅટ સ્ટોર થાય છે અને ઘટશે તો બર્ન થશે. આ બહુ જ સિમ્પલ મેકૅનિઝમ છે. કેટલાક લોકો એવા પણ છે કે શરીરની ચરબીને ઓગાળવા માટે હળદરવાળું દૂધ અથવા પાણી પીએ છે. એ પાચન સુધારતું હોવાથી શરીરને રિલૅક્સ કરે છે. એને કારણે હૉર્મોન્સ રેગ્યુલેટ થાય છે અને આ પ્રોસેસથી ફૅટ જમા થતી નથી. મેથી, તજ અને આદું જેવી ચીજો અડધી રાત્રે થતી શુગર-ક્રેવિંગ અથવા વારંવાર લાગતી ભૂખને અટકાવે છે અને જો ખવાય જ નહીં તો ફૅટ પણ જમા નહીં થાય. આમાંથી કોઈ એક ડ્રિન્કની પસંદગી કરીને જો તમે નિયમિત બે કપ જેટલું પાણી ઓછામાં ઓછા એક મહિના સુધી પીઓ તો અસરકારક પરિણામ મેળવી શકાય.
કોણ પી શકે?
આમ તો ફૅટ બર્ન ડ્રિન્ક ૧૦૦ ટકા નૅચરલ હોવાથી બધા જ એને પી શકે, પણ પ્રમાણસર પિવાય એટલું ધ્યાન રાખવું. એનું વધુપડતું સેવન પાચનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. સૂતી વખતે એક ચમચી જેટલાં અજમો, જીરું, તજ, એલચી કે આદુંને બે કપ એટલે કે આશરે ૨૫૦ ml જેટલા ઉકાળેલા પાણીમાં ઍડ કરી પી જવું. ખાસ કરીને ગર્ભાવસ્થામાં કે સ્તનપાન કરાવતી મહિલાઓ, કૅન્સરથી પીડાતા લોકોએ આ પ્રકારનાં ડ્રિન્ક્સ લેવાં ન જોઈએ. બ્લડપ્રેશર અને ડાયાબિટીઝની દવા ખાતા લોકોને પણ ડૉક્ટર અથવા ડાયટિશ્યનની સલાહ લઈને જ આવાં પીણાં પીવાં જોઈએ. જેને ઍસિડિટી અને અલ્સર જેવી પેટની તકલીફ હોય તો પણ આવી ડ્રિન્કને પીવાનું ટાળવું જોઈએ.
યુઝફુલ ટિપ્સ
જ્યારે તમે હળદરવાળું પાણી પીઓ તો ઑલ્ટરનેટ ડે પીવું. એ પાચન સુધારવાની સાથે બ્લડ પ્યુરિફાયર તરીકે પણ કામ કરે છે. એનું અતિ સેવન સ્વાસ્થ્ય બગાડી શકે છે. તેથી એને મર્યાદિત પ્રમાણમાં મર્યાદિત સમય સુધી પીવું.
પહેલેથી ગૅસ, ઍસિડિટી, અપચો કે કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય તો એને સુધાર્યા બાદ જ ફૅટ બર્ન ડ્રિન્ક્સ પીવાનું શરૂ કરવું જોઈએ.
અત્યારે માર્કેટમાં રેડીમેડ પાઉડર્સ મળે છે જેને પાણીમાં મિક્સ કરીને પી શકાય છે, પણ એને ઘરે બનાવવાની કોશિશ કરવી. જીરાનું પાણી પીવાનો વિચાર હોય તો જીરું પાઉડર બનાવીને સ્ટોર કરી દેવું, અજમાનું પાણી પીવું હોય તો એનો પાઉડર બનાવી નાખો અને શક્ય હોય ત્યાં સુધી એને ઉકાળેલા પાણીમાં મિક્સ કરીને પીવું જોઈએ.
દર બે દિવસ અલગ-અલગ ડ્રિન્ક પીવાથી કોઈ ફાયદો થશે નહીં. તમને ભાવતું હોય એવું એક ડ્રિન્ક સિલેક્ટ કરો અને એને ૨૧ દિવસ કે ૩૦ દિવસ સુધી દરરોજ રાત્રે સૂતાં પહેલાં પીઓ. હેલ્ધી લાઇફસ્ટાઇલને ફૉલો કરીને આ ડ્રિન્ક પીવાથી એક મહિનામાં પરિણામ દેખાશે. તમારા શરીરની એક્સ્ટ્રા ફૅટ બર્ન થઈ જશે.


