પિરિયડના દિવસો દરમિયાન જો ખોરાક પર ધ્યાન ન આપ્યું તો બ્લડ-પ્રેશર લો થવાની શક્યતા પણ રહે છે એટલે ધ્યાન રાખવું જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
માસિકના એક અઠવાડિયા પહેલાં અને માસિક દરમ્યાન પણ એક્સ્ટ્રીમ ડાયટ કરવાને કારણે કે ઉપવાસ કર્યો હોય ત્યારે તબિયત લથડી શકે છે. પિરિયડ્સના અઠવાડિયા પહેલાંથી આવતા હૉર્મોનલ બદલાવ અમુક પ્રકારનો ખોરાક માગે છે જે તમે ન આપો તો માથું દુખે છે, મૂડ-સ્વિંગ્સ પ્રબળ બને છે અને તમારા રૂટીન પર અસર પડે છે. પિરિયડના દિવસો દરમિયાન જો ખોરાક પર ધ્યાન ન આપ્યું તો બ્લડ-પ્રેશર લો થવાની શક્યતા પણ રહે છે એટલે ધ્યાન રાખવું જરૂરી છે.
૧૬ વર્ષની કાવ્યાને વજન ઉતારવાનું ભૂત ચડ્યું હતું અને તે ૧૮-૨૦ કલાકના ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પર જતી રહી હતી. તેને તેના ટાર્ગેટ અચીવ કરવા જ હતા. એક્સરસાઇઝ પણ તે દરરોજ દોઢ કલાક કરતી હતી અને ડાયટ પણ. આરામથી ૧૮ કલાકનું ફાસ્ટિંગ કરી શકનાર કાવ્યાને છેલ્લા બે દિવસથી ભયંકર માથું દુખે છે. તેને ખૂબ જ ગુસ્સો આવે છે. ભૂખ લાગે છે. ઘરમાં બધા પર તે ચિડાઈ ચૂકી છે એ પછી ખુદ ખૂબ રોઈ ચૂકી છે. એના બે દિવસ પછી તેને પિરિયડ્સ આવ્યા પછી તે શાંત થઈ. છતાં હજી ડાયટ તો ચાલુ જ છે.
ADVERTISEMENT
૨૪ વર્ષની અનુએ જીવનમાં કોઈ દિવસ વ્રત કે ઉપવાસ કર્યા નહોતા પરંતુ લગ્ન પછી સાસરામાં બધાને ઉપવાસ કરતા જોઈને તેને પણ ભાવ જાગ્યા કે હું પણ કરું. આખું ઘર ઉપવાસ કરતું હોય અને પોતે ન કરે એવું તેને ગમ્યું નહીં. પરંતુ નસીબજોગે બે દિવસ પહેલા જ તેના પિરિયડ્સ શરૂ થયા અને ઉપવાસના દિવસે તેનું બ્લડ-પ્રેશર સાવ ઘટી ગયું. તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવી પડી અને ગ્લુકોઝ ચડાવવું પડ્યું.
આ બંને કિસ્સાઓ હકીકત છે. ભૂખ્યા રહેવું, ડાયટ કરવું અને એને કારણે આવતી તકલીફોથી લગભગ દરેક વ્યક્તિ માહિતગાર હોય છે. બધાને ખબર છે, કારણ કે એનો અનુભવ દરેકે પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક કરેલો છે અથવા આસપાસના લોકોને તેમણે હેરાન થતા જોયા છે. બાકી રહી ઉપવાસની વાત તો એ શ્રદ્ધાનો વિષય છે એ વાત સાચી. ઉપવાસ એક તપ છે, જે વ્યક્તિને આત્મકલ્યાણના માર્ગ તરફ આગળ વધવા માટે ધર્મમાં સૂચિત કરેલું છે. ડાયટ શરીર માટે અને ઉપવાસ શરીર જ નહીં; આત્મા માટે કલ્યાણકારી છે, ઘણી ઉપયોગી છે. પરંતુ છોકરીઓએ કે સ્ત્રીઓએ એ ક્યારે કરવું એની તેને સમજ હોવી જરૂરી છે.
ઉપવાસની ક્ષમતા
આ વિષય પર આગળ વધતાં પહેલાં એક સ્પષ્ટતા જરૂરી છે એમ જણાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘દરેક વ્યક્તિ જુદી છે, દરેકના શરીરની અવસ્થા પણ જુદી હોય છે. પિરિયડ્સ પહેલાંની અને એ દરમિયાનની અવસ્થા પણ દરેક સ્ત્રીની જુદી હોય છે. ઘણી સ્ત્રીઓ પિરિયડ્સ હોય તો પણ સખત પરિશ્રમ કરી શકે છે અને ઘણી સ્ત્રીઓ પથારીમાંથી ઊઠી પણ નથી શકતી. રહી વાત એક્સ્ટ્રીમ ડાયટની, તો એ તો અમે કોઈ પણ પરિસ્થિતિમાં ના જ પાડીએ છીએ. હેલ્ધી અને સંપૂર્ણ કહી શકાય એવો ખોરાક હેલ્થ માટે અનિવાર્ય છે. બાકી રહી ઉપવાસની વાત, તો એ સંપૂર્ણ રીતે અલગ કારણોથી કરવામાં આવે છે. વળી બધાના ઉપવાસમાં પણ ઘણો ફરક હોય છે. આપણે ત્યાં નિર્જળા ઉપવાસથી લઈને ચાર ટાઇમ ફરાળ ખાઈને પણ લોકો ઉપવાસ કરતા હોય છે. એટલે એ એકદમ અંગત શ્રદ્ધા અને ખુદની ક્ષમતાનો વિષય છે.’
હૉર્મોન્સમાં બદલાવ
જ્યારે પિરિયડ્સ આવે ત્યારે એના આગલા અઠવાડિયે શરીરમાં હૉર્મોન્સની ઘણી ઊથલપાથલ થાય છે. એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘જ્યારે પિરિયડ્સ આવવાના હોય એના એક અઠવાડિયા પહેલાં શરીરનું ઇન્સ્યુલિન લેવલ સહજ રીતે વધે છે. એનો અર્થ એ થયો કે શરીર કાર્બ્સ વધુ પ્રમાણમાં માગે છે. ઘણી સ્ત્રીઓને આ સમય દરમિયાન જ મૂડ સ્વિંગ્સ આવે છે. આ દરમિયાન જ્યારે તમે કાર્બોહાઇડ્રેટ્સ લો ત્યારે તમને સંતોષ થાય છે. દરેક સ્ત્રીએ આ અનુભવ્યું હશે કે મહિનાના અમુક
દિવસો તેને વધુ ભૂખ લાગે છે. જો તે ન ખાય તો તેને ખોટી એટલે કે અનહેલ્ધી વસ્તુઓ પ્રત્યે આકર્ષણ વધુ થાય છે. તળેલું ખાઈ લઉં, બહારનું ખાઈ લઉં, ગળ્યું ખાઈ લઉં, જન્ક ખાઈ લઉં, આ બધા ક્રેવિંગ પાછળ તમે તમારા સમયને સાચવતા નથી એ કારણ જવાબદાર છે. જો તમે આ સમયે કાર્બસ લો તો ઊંઘ સારી આવે છે. ચીડ ચડતી નથી. પરંતુ જો આ સમય દરમિયાન તમે રોટલી કે ભાત જેવા કાર્બ નથી લેતા તો શરીર રીઍક્ટ કરે છે. એટલે પિરિયડ્સ આવવાના અઠવાડિયા પહેલાં લો કાર્બ જેવી કોઈ ડાયટ ન કરવી. ભૂખ સંતોષવી. ખોટું ન ખાવું. ખાસ કરીને એ છોકરીઓને જેને પિરિયડની પહેલાં ઘણા મૂડ સ્વિંગ્સ રહે છે, માથું દુખતું હોય કે બીજી કોઈ તકલીફ હોય.’
કૉમ્પ્લીકેશન
છોકરીઓના પિરિયડ્સ અને ભૂખ્યા રહેવાની વાતને એકબીજા સાથે શું સંબંધ છે એ સમજાવતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. જયેશ શેઠ કહે છે, ‘પિરિયડ્સ વખતે ઍવરેજ ૧૫૦-૨૦૦ મિલીલીટર જેટલું લોહી શરીરમાંથી વહી જાય છે. એ દરમિયાન અમુક છોકરીઓને લો બ્લડ-પ્રેશરની તકલીફ રહે છે. ચક્કર આવે કે ઊલટી થાય. ભલે આવા કેસ ઓછા હોય, પણ હોય છે. આ દરમિયાન જો તમે વ્યવસ્થિત જમો નહીં તો નબળાઈ વધુ આવી જાય, પાણી ઓછું પિવાય તો કૉમ્પ્લીકેશન આવી શકે છે. મારા મતે બિલકુલ જ ભૂખ્યા રહેવાનું હોય એવી અવસ્થા પિરિયડના દિવસોમાં ન આવે એ સારું છે. આદર્શ રીતે આ દિવસોમાં ઘરનું ખાવાનું ખાવું અને સાદું ભોજન લેવું, જેને લીધે શરીરનું બૅલૅન્સ જળવાઈ રહે.’
હાઇડ્રેશનનું ધ્યાન
તો પણ એવું બની શકે કે જો પિરિયડ્સ દરમિયાન ભૂખ્યું રહેવું પડ્યું કે એ દિવસોમાં જ જરૂરી ઉપવાસ આવ્યા તો શું કરવું? એનો જવાબ આપતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘એકાદ દિવસ એવો જાય તો ખાસ તકલીફ નથી પડતી પરંતુ વધુ દિવસો હોય તો તકલીફ થઈ શકે છે. ખાસ કરીને આ દિવસોમાં જેનું ધ્યાન રાખવાનું હોય છે એ છે હાઇડ્રેશન. શરીરમાંથી પાણી ઓછું ન જ થવું જોઈએ. એવું હોય તો ઉપવાસમાં પાણીની છૂટ રાખો. લિક્વિડ લઈ શકાય કે ઇલેક્ટ્રલ લઈ શકાય તો સારું પડે. માથું દુખવાનું, ચક્કર આવવાં, ઊલ્ટી થવી કે બ્લડ-પ્રેશર લો થઈ જવા જેવાં ચિહ્નો ત્યારે જ આવે છે જ્યારે શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય. જો તમે પાણીને સંભાળી લેશો તો વાંધો નહીં આવે.’
ધ્યાનમાં રાખો
પિરિયડ્સ તમને કોઈ પણ કામ કરતાં કે કોઈ પણ ક્રિયા માટે રોકતા નથી જ. એટલે પિરિયડ્સને લિમિટેશન સમજવાની જરૂરત નથી, પરંતુ તમારા શરીરની જરૂરિયાત શું છે એ સમજીને ચાલવું એ પણ સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી બાબત છે. ઘણી સ્ત્રીઓ હશે જે પિરિયડ્સ દરમિયાન નકોરડા ઉપવાસ પણ સારી રીતે કરી શકતી હશે. ઘણી સ્ત્રીઓ એવી પણ હશે જે એક ટંક ન ખાય ત્યાં તેમની હાલત ખરાબ થઈ જાય. ઉપવાસ એક હેલ્ધી અપ્રોચ છે, પણ જો તમે એ પિરિયડના પછીના દિવસોમાં પ્લાન કરી શકો તો વધુ સારું ગણાશે.

