જીવનને સેટલ કરવાની દોડધામ હોય ત્યારે હલનચલનને અસર કરતા આ રોગને જીરવવો વ્યક્તિ માટે અઘરો બને છે
પ્રતીકાત્મક તસવીર
આ રોગ વ્યક્તિની કાર્યક્ષમતા પર સીધી અસર કરે છે. જે ઉંમરમાં કરીઅર પીક પર હોય, ઘરમાં બાળકો હોય, જીવનને સેટલ કરવાની દોડધામ હોય ત્યારે હલનચલનને અસર કરતા આ રોગને જીરવવો વ્યક્તિ માટે અઘરો બને છે. આજે વર્લ્ડ પાર્કિન્સન્સ ડિસીઝ ડે છે ત્યારે મોટા ભાગે વૃદ્ધાવસ્થામાં આવતો આ રોગ યુવાન વયે આવે ત્યારની પરિસ્થિતિને જાણીએ નજીકથી
૩૫ વર્ષનો ધીરજ આજકાલ ચાલે તો તેનો જમણો પગ થોડો ઘસાતો હોય એમ લાગે છે. કૉર્પોરેટ વર્લ્ડમાં લગભગ બેઠાડુ જીવન જીવતો ધીરજ શરૂઆતમાં તો સમજી ન શક્યો, તેને લાગ્યું કે પગ થોડો અકડાઈ જાય છે કદાચ એટલે એવું થતું લાગે છે. જોકે તકલીફ ત્યારે થઈ જ્યારે તેણે ચેક પર સાઇન કરતી વખતે જોયું કે તેના અક્ષર બદલાવા લાગ્યા છે. મહામહેનતે તેણે સાચી સાઇન કરી. એ દિવસથી તેણે થોડા જાગ્રત થઈને સમજ્યું તો તેને સમજાયું કે જ્યારે તે ચાલતો હતો ત્યારે તેનો જમણો હાથ હલતો નથી. તે જમણેરી હતો. તેને શંકા થઈ એટલે તે ડૉક્ટર પાસે ગયો અને જરૂરી ટેસ્ટ પછી ખબર પડી કે તેને પાર્કિન્સન્સ ડિસીઝ છે. તેને આ વાત પર વિશ્વાસ જ નહોતો આવતો કે તેને આ રોગ આટલી નાની ઉંમરે કેવી રીતે આવ્યો. ધીમે-ધીમે ઑફિસમાં તેની કાર્યક્ષમતા ઘટતી ગઈ. લોકો પીઠ પાછળ વાતો કરવા લાગ્યા. પ્રમોશન અટકતાં ચાલ્યાં. આમ જ રહ્યું તો ઘર કેવી રીતે ચાલશે એવો ભય તેને ઘેરી વળ્યો. નવી દવાઓની સાઇડ-ઇફેક્ટ્સ, આવી પડેલી અઘરી પરિસ્થિતિઓ, પોતાને સતત આડી આવતી અક્ષમતાથી ઘેરાયેલું મન ખૂબ આહત થઈ ગયું. રોગ ભલે એક આવ્યો, પણ એની સાથે બીજી ઘણી સમસ્યાઓ લાવ્યો હતો.
ADVERTISEMENT
ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે ૫૦ વર્ષની ઉંમર પહેલાં જો પાર્કિન્સન્સ થાય તો એને યંગ ઑનસેટ પાર્કિન્સન્સ કહેવાય છે,. પરંતુ ભારતમાં આ ઉંમરનો આંકડો ૨૦ વર્ષથી લઈને ૪૦ વર્ષ સુધીનો છે. એટલે કે ૪૦ વર્ષથી નીચેની વ્યક્તિને આ રોગ થાય તો એને યંગ ઑનસેટ પાર્કિન્સન્સની કૅટેગરીમાં મૂકી શકાય છે. એક આંકડા મુજબ પાર્કિન્સન્સના કુલ દરદીઓના ૩-૬ ટકા દરદીઓ યુવાન છે. ૧૯૭૬થી લઈને ૨૦૨૨ સુધી કરાયેલા આ સર્વેક્ષણમાં જણાયું છે કે વિશ્વમાં દર એક લાખ વસ્તીએ ૧૦.૨ જેટલા યુવાનોને પાર્કિન્સન્સ રોગ થાય છે, જેમાં યુવાન પુરુષો પર આ રોગ થવાનું રિસ્ક સ્ત્રીઓ કરતાં ૧.૭ ગણું વધુ છે.
રોગની સમજ
આ રોગ વિશે સરળ સમજ આપતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના ન્યુરોલૉજિસ્ટ ડૉ. મોહિત ભટ્ટ કહે છે, ‘પાર્કિન્સન્સ મગજને લગતી બીમારી છે. આપણું મગજ સમગ્ર શરીર સાથે જોડાયેલું છે અને શરીરના કોઈ પણ ભાગમાંથી ચેતાતંત્ર દ્વારા એનો સંદેશ મગજ સુધી પહોંચે છે અને એને અનુરૂપ મગજ પોતાનો સંદેશ શરીરના કોઈ પણ ભાગ સુધી પહોંચાડે છે. હવે આ સંદેશ ઝીલવાનું કામ મગજમાં ન્યુરો-ટ્રાન્સમીટર્સ કરે છે. આ ન્યુરો-ટ્રાન્સમીટર્સ મગજની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં હોય છે. જ્યારે એ ખામીયુક્ત થાય ત્યારે મગજ એ સંદેશ પરનો પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. આ ન્યુરો-ટ્રાન્સમીટર્સ જ્યારે ૮૦ ટકા જેટલા ખામીયુક્ત બને ત્યારે પાર્કિન્સન્સ ડિસીઝનાં લક્ષણો દેખાવાનું શરૂ થઈ જાય છે. વળી ઉંમરની સાથે-સાથે એ વધતાં જાય છે.’
ટેસ્ટ કેવી?
ભારતમાં ૫૦ વર્ષથી ઉપરના લોકોમાં ૧ ટકા વ્યક્તિઓને પાર્કિન્સન્સ ડિસીઝ થાય છે. મોટી ઉંમરે આવતી આ બીમારી યુવાન વયે કેમ આવે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘એનું કોઈ ખાસ કારણ જાણીતું નથી કે આ રોગ યુવાન અવસ્થામાં કેમ આવે છે, પણ એમ ચોક્કસ કહી શકાય કે એની પાછળ જીન્સ જવાબદાર હોઈ શકે છે. વળી જો તમારાં માતા-પિતાને આ રોગ હોય તો તમને પણ એ થઈ શકે છે. જોકે થશે જ એવું હોતું નથી. બીજું એ કે જો પરિવારમાં ન હોય તો પણ આ રોગ થઈ શકે છે. એનાં શરૂઆતી લક્ષણોને સમજીને યુવાનો જ્યારે અમારી પાસે આવે ત્યારે અમે બ્રેઇનનો PET (પૉઝિટ્રૉન ઇમિશન ટોમોગ્રાફી) સ્કૅન કરાવીએ છીએ જેમાં ડોપમાઇનનું લેવલ ઘટતું દેખાય તો સમજી શકાય કે વ્યક્તિને આ રોગ આવ્યો છે. પ્રાચીન ભારતીય ઔષધ વિજ્ઞાન એટલે કે ૪૦૦૦-૫૦૦૦ વર્ષ જૂના ગ્રંથોમાં પણ આ રોગનો ઉલ્લેખ છે, જેને કંપવાત કહેવામાં આવે છે. એના પર મ્યુકોના પીરીયન્સ નામના છોડમાંથી બનેલી દવા ખૂબ કારગર નીવડે છે એવો પણ ઉલ્લેખ જોવા મળે છે. આ છોડમાંથી મળતા તત્ત્વ લેવોડોપા અને કાર્બીડોપા બન્ને આજે મૉડર્ન મેડિસિનમાં ઉપયોગમાં લઈને આ રોગ માટેની દવા બને છે.’
ઇલાજ શું?
યુવાનોમાં પાર્કિન્સન્સ તેમની કાર્યક્ષમતાને જે અસર પહોંચાડે છે એ બાબતે એનો અકસીર ઇલાજ આપણી પાસે છે કે નહીં એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘ઇલાજ તો છે પણ યુવાનોમાં જ્યારે આ દવાઓ આપવામાં આવે ત્યારે એની આડઅસર વૃદ્ધ લોકો કરતાં વધુ જોવા મળે છે, જે ચિંતાનો વિષય છે. આ રોગમાં અપાતી દવાઓથી વ્યક્તિની ક્વૉલિટી ઑફ લાઇફ સારી થાય છે પરંતુ જો આડઅસર ઊભી થાય તો એ વ્યક્તિ જમ્પિંગ જૅક બની જતી હોય છે. એક જગ્યાએ ટકીને બેસવું તેમના માટે શક્ય હોતું નથી. આમ એના ઇલાજ માટે ખાસ ધ્યાન રાખવું પડે છે.’
એની ગંભીરતા વિશે વાત કરતાં ડૉ. મોહિત ભટ્ટ કહે છે, ‘મહત્ત્વની વાત એ છે કે આ રોગમાં જીવનપર્યંત ઇલાજ ચાલે છે. જો કોઈ ૭૦ વર્ષની વ્યક્તિને આ રોગ થાય તો અમારે તેનો ઇલાજ વધુમાં વધુ ૧૫ વર્ષ ચલાવવો પડે છે, પરંતુ જો કોઈ યુવાન વ્યક્તિને આ રોગ થાય તો તેનો ઇલાજ બીજાં ૪૦-૫૦ વર્ષ કરવાનો રહે છે. આ દરમિયાન ઘણી દવાઓ મૅનેજ કરવી પડે છે. કોઈ દવા સતત લીધા કરીએ તો એની અસર ઓછી થઈ જાય તો કોઈ દવા તમને સદે જ નહીં એવું પણ બને. આમ યુવાન વયે આવતો આ રોગ થોડી વધુ કાળજી માગી લે છે. મારી પાસે છેલ્લાં ૩૫ વર્ષથી આ રોગ સાથે સારું જીવન જીવી શકનારા દરદીઓ પણ છે.’
સર્જરી થઈ શકે
પાર્કિન્સન્સ જેવા રોગમાં ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી ઘણી મદદગાર સાબિત થાય છે. એ વિશે વાત કરતાં ડૉ. મોહિત ભટ્ટ કહે છે, ‘મુંબઈમાં સૌથી પહેલી આ સર્જરી અમારી ટીમે કરી હતી. આ સર્જરીમાં લોકલ ઍનેસ્થેસિયા આપવામાં આવે છે અને દરદી એકદમ જાગૃત અવસ્થામાં હોય છે. આ સર્જરી સરકાર દ્વારા અપ્રૂવ્ડ સર્જરી છે, જેના ઘણા ફાયદા છે. એવું નથી કે એના પછી દરદીને દવાઓ નથી લેવી પડતી, પરંતુ લગભગ અડધી દવાઓ ઘટી જાય છે. જીવન વધુ સારી રીતે જીવી શકાય છે.’
માનસિક રોગ
યુવાન દરદીઓ માટે આ રોગને સહન કરવો કે અપનાવવો સરળ તો નથી, કારણ કે એ વ્યક્તિની કાર્યક્ષમતા પર સીધી અસર પાડે છે. તમે ધીમા થઈ જાઓ છો, તમે અક્ષમતા અનુભવો છો, મગજ તો વ્યવસ્થિત જ ચાલે છે પણ શરીર ચાલતું નથી. એ વિશે વાત કરતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘એટલે જ આ દરદીઓમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે કે તેમને ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટી જેવા રોગ થઈ ન જાય, કારણ કે જ્યાં એક રોગને સંભાળવાનું ચાલતું હોય ત્યાં બીજા રોગો ઇલાજને વધુ કૉમ્પ્લીકેટેડ બનાવે છે. આ દરદીઓને સામાજિક, આર્થિક અને લાગણીના સપોર્ટની જરૂર રહે છે.’
પ્રેગ્નન્સીમાં તકલીફ
જો દરદીને પ્રેગ્નન્સી દરમિયાન આ રોગ આવે અથવા આ રોગ હોય અને પ્રેગ્નન્સી આવે તો જરૂરી સંભાળ વિશે વાત કરતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘પ્રેગ્નન્સી આ રોગને ટ્રિગર કરતી નથી, પરંતુ આ રોગ હોય અને પ્રેગ્નન્સી આવે તો રોગની તીવ્રતા વધી જતી હોય છે. જોકે આ રોગ માટે લેવામાં આવતી દવાઓ ગર્ભને અસર કરતી નથી એટલું સારું છે પરંતુ જો તમે દવા લેતા હો તો સ્તનપાન કરાવવાનું શક્ય નથી. એનાથી બાળકને અસર થાય છે.’
આ ચિહ્નો પર ખાસ ધ્યાન આપો
હલનચલન સંબંધિત ચિહ્નો
કંપન - જ્યારે તમે આરામ કરતા હો ત્યારે ખાસ કંપન થાય.
જટિલતા - અંગો અકડાઈ જાય, જટિલ થઈ જાય.
બ્રેડીકાયનેસિયા – કોઈ પણ પ્રકારનું હલનચલન એકદમ ધીમું થતું જાય.
પોશ્ચરલ ઇનસ્ટેબિલિટી – બેસવામાં-ઊઠવામાં બૅલૅન્સ ન રહે.
હલનચલન વગરનાં ચિહ્નો
ઊંઘમાં સતત પડતી ખલેલ.
થાક.

