સોશ્યલ મીડિયા પર થતા આવા દાવાઓ લોકોને ભરમાવે એવા છે. હર્બલ ટી હેલ્ધી છે, પણ એ પેટ સંબંધિત ગંભીર રોગોમાં દવાનું કામ કરતી નથી
પ્રતીકાત્મક તસવીર
ઇન્સ્ટાગ્રામ પર આવતા સ્કિનકૅર અને હેલ્થ સંબંધિત નુસખાઓને ઘરે અજમાવવાનું મન બધાને થતું હોય છે, પણ એમાં કરવામાં આવતા દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે એ વિશે કોઈ જાણતું નથી. તાજેતરમાં એક શેફે ઇન્સ્ટાગ્રામમાં એવો દાવો કર્યો હતો કે પાણીમાં વરિયાળી, તુલસીનાં પાન, લવિંગ, એલચી અને ગોળ નાખીને બનાવવામાં આવતી હર્બલ ટી સતત બેથી ત્રણ દિવસ સુધી પીવામાં આવે તો એ પેટની ૩૦૦ કરતાં વધુ સમસ્યાઓને ઠીક કરે છે અને ૧૦૦ ટકા સ્વસ્થ રાખે છે. જોકે નિષ્ણાતોએ શેફના આ દાવાને રદિયો આપતાં કહ્યું છે કે ઘરે આ પ્રકારે બનતી હર્બલ ટી પેટને ૧૦૦ ટકા હેલ્ધી રાખી શકે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ મળ્યા નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણે આ દાવાઓને સંપૂર્ણ રીતે સાચા માની શકાય નહીં. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર આ પ્રકારની પોસ્ટ ગેરમાર્ગે દોરી શકે છે. ફૅક્ટ-ચેક કર્યા વગર એને માનવું ન જોઈએ.
હર્બલ ટીમાં ચા પત્તીના ઉપયોગને બદલે ઔષધીય ગુણો ધરાવતાં ફૂલ, બીજ અથવા એનાં પાંદડાં જેમ કે તુલસીનાં પાન, આદું, વરિયાળી, જીરું, તજ, લવિંગ અને મરીનો ઉપયોગ થાય છે જે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. પેટ અને ગટ હેલ્થ કેવી રહેશે એ ફક્ત હર્બલ ટી જ નહીં પણ તમારી ડાયટ પર પણ આધાર રાખે છે. વરિયાળી અને જીરુંની હર્બલ ટી પાચનશક્તિને મજબૂત બનાવવામાં તથા અપચા, ગૅસ, કબજિયાત અને ઍસિડિટીમાં આરામ આપે છે ત્યારે આદુંવાળી હર્બલ ટી ઊલટીની સમસ્યામાં કારગત છે. તુલસીનાં પાનમાં ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણ છે જે પેટના ઇન્ફ્લમેશન એટલે કે સોજા તથા પેટની પીડામાં રાહત આપે છે. ટૂંકમાં દરેક વ્યક્તિના શરીર પ્રમાણે હર્બલ ટી પીવાથી થતાં પરિણામ અલગ હોય છે પણ ગંભીર રોગ જેમ કે પેટનું અલ્સર, હેપેટાઇટિસ અને આંતરડાના સોજામાં મુખ્ય સારવાર તરીકે એનો ઉપયોગ થતો નથી. નાના-મોટા પ્રૉબ્લેમ્સમાં જ એનું સેવન કરવું હિતાવહ છે.

