યસ, નજીકના ભવિષ્યમાં આ સંભવ છે. છેલ્લા થોડાક સમયમાં ન્યુરોસર્જ્યન દ્વારા થયેલા અભ્યાસનાં તારણો કહે છે કે ફિલ્મી લાગતી આ વાત સંભવ છે. કેવી રીતે એ વિશે જાણી લો
પ્રતીકાત્મક તસવીર
‘ઇટર્નલ સનશાઇન ઑફ ધ સ્પૉટલેસ માઇન્ડ’ નામની આ અમેરિકન ફિલ્મ જો ન જોઈ હોય તો જોઈ લેજો. એક રિલેશનશિપનો દુઃખદ અંત આવે છે અને એક પ્રોસીજરના માધ્યમે તમે તમારા મનમાં રહેલી તમામ નકારાત્મક યાદોને મિટાવી શકો એવી શોધનો હિરોઇન ઉપયોગ કરે છે અને નવી શરૂઆત કરે છે. જોકે હીરો જૂની યાદોને મિટાવવાની પ્રોસીજરમાંથી પસાર થઈ રહ્યો હોય છે ત્યાં જ તેનું સબકૉન્શિયસ માઇન્ડ એ સંબંધની સારી મેમરીઝને સાચવવા બળવો કરે છે અને તે ફરી પોતાના પ્રેમને પામે છે. આપણા જીવનના સારા અને ખરાબ અનુભવો સ્મૃતિપટમાં જડાઈ જાય છે અને જે-તે વ્યક્તિ, વસ્તુ અથવા સ્થાનની એ યાદો સુખ અને દુઃખ આપવાનું અને ઘણી વાર વ્યક્તિના વ્યક્તિત્વને પણ બદલવાનું કામ કરી શકે છે. ઉપર કહી એ ફિલ્મમાં યાદોને ભૂંસનારું મશીન માત્ર કલ્પનાની વાત હતી પરંતુ કદાચ હવે એ વાસ્તવિક થઈ શકે એવું કેટલાક ન્યુરો સાયન્ટિસ્ટોને પોતાના સંશોધનમાં મળ્યું છે.
કૅમ્બ્રિજ યુનિવર્સિટી, જૉન હોપકીન યુનિવર્સિટી જેવી દુનિયાની ટૉપ કક્ષાની યુનિવર્સિટીમાં થઈ રહેલા સર્વે મુજબ મેમરીને ઇરેઝ કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. સૌથી પહેલાં તો વૈજ્ઞાનિકો મેમરી કઈ રીતે સ્ટોર થાય છે એ જાણવા મથી રહ્યા હતા. અત્યાર સુધી થયેલાં રિસર્ચોનાં તારણો કહે છે કે મેમરી સ્થિર નથી હોતી. એટલે કે એ પરિવર્તનશીલ હોય છે. મેમરીમાં સ્ટોર થયેલી કોઈ પણ યાદને રીકૉલ કરવામાં ‘રીકન્સોલિડેશન’ નામની પ્રોસેસ થાય છે. કોઈક વાતને યાદ કરવા માટે થતી આ પ્રક્રિયા જ એવી વિન્ડો છે જ્યારે મેમરીને રિપ્લેસ અથવા ઇરેઝ કરી શકાય એવું અનુમાન વૈજ્ઞાનિકોનું છે, કારણ કે આ સમયે મેમરી થોડીક ક્ષણો માટે સંવેદનશીલ અવસ્થામાં હોય છે. બીટા બ્લૉકર્સ જેવી કેટલીક દવાઓ પેઇનફુલ મેમરી સાથે જોડાયેલા ભાવનાત્મક ભારને ઘટાડવામાં મદદ કરી શકે એવું પણ વૈજ્ઞાનિકોને સંશોધન દરમ્યાન સમજાયું છે પરંતુ એ પૂરેપૂરી રીતે આવી યાદોને ભૂંસી નથી શકતી.
ADVERTISEMENT
ઉંદરો પર થયેલા પ્રયોગોમાં વૈજ્ઞાનિકોએ જોયું કે મસ્તિષ્કમાં રહેલા ન્યુરૉન્સને સક્રિય કરવા અથા એને અવરોધવા માટે લાઇટનો પ્રયોગ કરવામાં આવ્યો અને એમાં ખરાબ યાદોને રિપ્લેસ કરવાનું શક્ય બન્યું છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે ઊંઘ દરમિયાન ચોક્કસ નકારાત્મક યાદોને હકારાત્મક યાદો સાથે જોડીને નકારાત્મક યાદોને નબળી પાડી શકાય છે. આ સંશોધનનો મુખ્ય હેતુ પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (PTSD), ફોબિયા અને ઍન્ગ્ઝાયટી જેવી માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી પીડિત લોકોને મદદ મળી શકે છે.
જોકે આ પ્રકારના સંશોધનમાં સંપૂર્ણ સફળતા મળી તો આવનારા સમયમાં કેટલાંક ભયસ્થાનો પણ છે જેના પર પણ ચર્ચાઓ થઈ રહી છે. જેમ કે નકારાત્મક યાદોને ભૂંસી નાખવી એ વ્યક્તિની ઓળખ સાથે થતી છેડખાની છે. કોઈક સમયે આ પ્રોસેસનો દુરુપયોગ થાય એવી પણ પૂરી સંભાવના છે.


