સામાન્ય રીતે મોટી ઉંમરે જોવા મળતી ભૂલી જવાની આ બીમારીનાં કેટલાંક લક્ષણો મિડલ એજમાં જ દેખાવા માંડે છે. પહેલેથી જ ચેતી જવાય તો એને કન્ટ્રોલ કરી શકાય
પ્રતીકાત્મક તસવીર
ડિમેન્શિયા એટલે કે ભૂલવાની બીમારી માત્ર મોટી ઉંમરના લોકોને જ નહીં પણ યુવાન વયના લોકોને પણ અસર કરી શકે છે, જેને યંગ-ઑન્સેટ ડિમેન્શિયા પણ કહેવાય છે. ડિમેન્શિયા વ્યક્તિની યાદશક્તિ સાથે વિચારવાની ક્ષમતાને અસર કરે છે. અમેરિકન ક્લિનિકલ નિષ્ણાતો અને સંસ્થાઓ દ્વારા ડિમેન્શિયા પહેલાંના મુખ્ય પાંચ સંકેતો દર્શવાયા છે. એના પ્રત્યે જો સભાન થઈને ઍક્શન લઈએ તો એની તીવ્રતાને પહેલાં જ અટકાવી શકાય છે.
૧. તાજેતરમાં શીખેલી વાતો કે મેળવેલી માહિતી, મહત્ત્વપૂર્ણ તારીખો અથવા ઘટનાઓ વારંવાર ભૂલી જવી. એક જ પ્રશ્ન વારંવાર પૂછવો. રોજિંદાં કાર્યો માટે નોટ્સ અથવા ડિજિટલ માધ્યમો પર અવલંબિત થઈ જવું અથવા પરિવારના સભ્યો પર વાત કરવા માટે નિર્ભર રહેવું. સામાન્ય રીતે ક્યારેક કોઈનું નામ ભૂલવું અને પછીથી એ યાદ આવી જવું નૉર્મલ છે, પરંતુ આવું વારંવાર થાય તો ચેતી જવું.
ADVERTISEMENT
૨. રોજબરોજનાં રૂટીન કાર્યો કરવામાં પણ તકલીફ પડવી. જે કામ પહેલાં ધ્યાન નહોતાં આપતાં છતાં થઈ જતાં હતાં એ કામમાં ધ્યાન લગાવ્યા પછી પણ યાદ ન આવે. જેમ કે રસોઈની વર્ષોથી બનાવતા હો એવી રેસિપી કે મેથડ ભૂલી જવી, મહિનાના બિલનો હિસાબ રાખવામાં અથવા નિયમિત ડ્રાઇવિંગ રૂટ પર જવામાં અચાનક મુશ્કેલી અનુભવવી. કોઈ મનપસંદ રમતના નિયમો ભૂલી જવું. આ લક્ષણોને ગંભીરતાથી લેવાં.
૩. સમય અથવા સ્થળને લઈને મૂંઝાઈ જવું. તારીખો, ઋતુ અથવા સમય પસાર થયાનો ખ્યાલ જ ન રહેવો. વ્યક્તિને એ ખબર ન હોવી કે તે ક્યાં છે અથવા ત્યાં કેવી રીતે પહોંચી. જો કંઈ તરત જ ન બની રહ્યું હોય, તો એ સમજવું મુશ્કેલ બની જવું. પરિચિત પાડોશમાં ખોવાઈ જવું. આ પણ ખતરાની ઘંટડી હોઈ શકે છે.
૪. બોલવા અથવા લખવામાં શબ્દોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં તકલીફ પડતી હોય. વાતચીતની વચ્ચે અટકી જવું, યોગ્ય શબ્દો શોધવામાં સંઘર્ષ થવો અથવા અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો. રોજિંદી વસ્તુઓ માટે અસામાન્ય શબ્દોનો ઉપયોગ કરવો. આવું વારંવાર થાય તો ચેતી જવું.
૫. નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો થવો અથવા નિર્ણયાત્મક શક્તિ નબળી પડી હોય અને ખોટા નિર્ણયો વારંવાર લેવા માંડ્યા હો. ખાસ કરીને નાણાકીય બાબતોમાં નબળો નિર્ણય લેવો, જેમ કે અસામાન્ય રીતે મોટી ખરીદી કરવી. ઠંડા વાતાવરણમાં યોગ્ય કપડાં ન પહેરવા જેવા બિનવ્યવહારુ નિર્ણયો લેવા. અંગત સ્વચ્છતા અને દેખરેખ પ્રત્યેની રુચિ ગુમાવવી.
જો તમને અથવા તમારા મિડલ એજના સ્વજનમાં આવાં લક્ષણો દેખાઈ રહ્યા હોય તો વિલંબ કર્યા વિના ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. વહેલું નિદાન સારવારના વિકલ્પો અને જીવનશૈલીના ફેરફારો દ્વારા સ્થિતિને બહેતર બનાવી શકાય છે.
ભૂલવાની બીમારી ન જોઈતી હોય તો
ફળો, શાકભાજી, આખું ધાન, બદામ જેવાં પોષક તત્ત્વો આહારમાં સામેલ કરો.
શારીરિક રીતે સક્રિય રહેવાથી ડિમેન્શિયાનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે.
મગજને સક્રિય રાખવું, જેમ કે ક્રૉસવર્ડ ઉકેલવા, નવી ભાષા શીખવી કે નવા શોખ અપનાવવા.
સામાજિક રીતે જોડાયેલા રહેવાથી અને મિત્રો તથા પરિવાર સાથે વાતચીત કરવાથી એકલતા અને હતાશાનું જોખમ ઘટે છે, જે ડિમેન્શિયા માટે જોખમી પરિબળો છે.


