Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ફાયદાઓ જાણો છો ખારેક ખાવાના?

ફાયદાઓ જાણો છો ખારેક ખાવાના?

Published : 28 June, 2016 05:31 AM | IST |

ફાયદાઓ જાણો છો ખારેક ખાવાના?

ફાયદાઓ જાણો છો ખારેક ખાવાના?




dates for sale



હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન

ઉનાળો પત્યો અને બજારમાંથી હવે કેરી ધીમે-ધીમે ઓછી થવા લાગી છે. એનું સ્થાન અત્યારે બીજાં ચોમાસુ ફળો લેવા લાગ્યાં છે જેમાં કાળા જાંબુ, પ્લમ્સ, પીચ, ચેરી જેવાં ફળો આવે. એની સાથે-સાથે ખારેક પણ બજારમાં ઢગલેઢગલા મળવા લાગી છે. આમ તો આદર્શ રીતે ખારેકનો સમય ઑગસ્ટથી લઈને સપ્ટેમ્બર સુધીનો ગણાય, પરંતુ આજકાલ કુદરત બદલાતી ચાલી છે અને ક્યારે શેનો પાક આવવા લાગે એ કહેવું અઘરું છે. એમાં પણ મુંબઈ જેવા શહેરમાં જ્યાં દરેક ફળ બારેમાસ મળવા લાગ્યાં છે ત્યાં ખારેક ઑગસ્ટને બદલે જૂન-જુલાઈમાં જ મળવા લાગે એમાં નવાઈ શી? ખારેક ઉગાડવી ખૂબ જ અઘરું કામ છે. ખૂબ જ મહેનત અને વર્ષોનો અનુભવ હોય એ લોકો જ ખારેક ઉગાડી શકે છે અને મનગમતો પાક લઈ શકે છે. મહત્વની વાત એ છે કે ખારેકની સીઝન આવી ગઈ છે અને સીઝનમાં આ ફળનો જેટલો ફાયદો લઈ શકાય એટલો દરેક વ્યક્તિએ ચોક્કસ લેવો જોઈએ. એના વિચિત્ર સ્વાદને લીધે અને ખાસ વધુ માત્રામાં ન મળતી હોવાને કારણે ખારેક ખૂબ પ્રચલિત ફળ નથી, પરંતુ ગુજરાતને કુદરતની દેન છે. કચ્છની ખારેક દેશ-વિદેશમાં અત્યંત પ્રસિદ્ધ છે ત્યારે ગુજરાતીઓ માટે ખારેક નવું ફળ ન હોય શકે. જે લોકોએ ખાસ ખાધી ન હોય અને જેમને એનો ટેસ્ટ ઓછો પસંદ હોય તેમણે પણ એનો ટેસ્ટ ડેવલપ કરીને ચોમાસાની આ સીઝનમાં ચોક્કસ ખાવી જ જોઈએ. એવું શા માટે? તો જાણીએ આજે ખારેક ખાવાના ફાયદા. 

વિટામિનનો ખજાનો

ખારેકમાંથી વિટામિન-A, વિટામિન-C, વિટામિન-E અને વિટામિન-B કૉમ્પ્લેક્સ મળી આવે છે. કોઈ પણ એક ફળમાંથી આટલી બહોળી માત્રામાં વિટામિન્સ ભાગ્યે જ મળી શકે. ચોમાસામાં જાત-જાતનાં ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. આ સમયે હેલ્ધી રહેવા માટે અને ઇન્ફેક્શનથી બચવા માટે એક સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટીની જરૂર રહે છે. રોગો સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિને સ્ટ્રૉન્ગ બનાવવા ખારેક અત્યંત ઉપયોગી છે એમ જણાવતાં ક્રિટિકૅર હૉસ્પિટલ-જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા ઉમેરે છે, ‘ખારેકમાં ઘણી વધુ માત્રામાં વિટામિન-C રહેલું છે જે રોગપ્રતિકારક શક્તિને બળ આપે છે જેને લીધે ચોમાસમાં થતાં ઇન્ફેક્શન, શરદી, ઉધરસથી બચવામાં મદદ મળે છે. આ સિવાય વિટામિન-A અને ચ્ને કારણે આંખ, સ્કિન અને વાળ માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે. B-કૉમ્પ્લેક્સ વિટામિન મગજનાં કાર્યો માટે, મેમરી અને એકાગ્રતા માટે ઉપયોગી છે.’

મિનરલ્સનો ભંડાર

ખારેક ખાવાથી શક્તિ આવે એવું આપણા વડીલો કહેતા એનું કારણ છે એમાં રહેલાં મિનરલ્સ એટલે કે ખનીજ તત્વો. શાકાહારી ખોરાકમાં જે ભાગ્યે જ મળી રહે છે એવું આયર્ન ખારેકમાં ભરપૂર માત્રામાં છે. એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘જેના શરીરમાં લોહીની ઊણપ હોય, હીમોગ્લોબિન ઓછું હોય, એનીમિયા હોય તેમણે ખારેક ચોક્કસ ખાવી જોઈએ. એમાં રહેલું આયર્નનું સ્વરૂપ એવું છે કે શરીરમાં જાય ત્યારે શરીરને પૂરેપૂરું મળે છે. જેને ખૂબ થાક લાગતો હોય, શારીરિક અને માનસિક કામ વધુ રહેતાં હોય તેમણે ખારેક ખાવી જ જોઈએ. આયર્ન સિવાય ઝિન્ક, ફૉસ્ફરસ, કૉપર, સેલેનિયમ, પોટૅશિયમ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે જે નસોની હેલ્થ માટે ટૉનિક ગણી શકાય. ખાસ કરીને સ્ત્રીઓને તેમના માસિક દરમ્યાન એ લોહીની કમીને પૂરી કરે છે. જેમનું માસિક અનિયમિત હોય એવી છોકરીઓને પણ ખારેક ખાવાથી ફાયદો થઈ શકે છે.’

સૂકી ખારેક

મોટા ભાગે લોકો સૂકી ખારેકને દૂધમાં ઉકાળીને પીતા હોય છે. ખાસ કરીને બાળકોના મગજના વિકાસ માટે નાનપણમાં, લગ્ન પછી દંપતીને તેમનું લગ્નજીવન સુખમય રહે એ માટે અને દુર્બળ વ્યક્તિઓને તાકાત માટે ખારેકનો ઉપયોગ લોકો વર્ષોથી કરતા આવ્યા છે. સૂકી ખારેક બારેમાસ લઈ શકાય છે, કારણ કે એ ખારેકનું સૂકું સ્વરૂપ એટલે કે ડ્રાય ફ્રૂટ ગણાય છે, પરંતુ એનું લીલું સ્વરૂપ એક ફ્રૂટ તરીકે ફક્ત સીઝનમાં જ ખાઈ શકાય છે. આમ તો બન્ને ખારેક વચ્ચે ખાસ ભેદ નથી. જે લીલી ખારેકના ફાયદા છે એ જ સૂકી ખારેકના હોય છે, પરંતુ અમુક મહત્વના ફેરફાર વિશે વાત કરતાં ફિમ્સ ક્લિનિક-માટુંગા અને વિલે પાર્લેના હીલિંગ ડાયટ સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘સૂકી ખારેકમાં વિટામિન-C અને વિટામિન-B૧૨ની ઊણપ વર્તાય છે. વળી એ સૂકી થઈ જવાને લીધે એમાં રહેલું પાણીનું પ્રમાણ પણ જતું રહે છે જે લીલી ખારેકમાં હોય છે, પરંતુ જો કોઈને કબજિયાત માટે ખાવી હોય તો સૂકી ખારેક વધુ ઉપયોગી થઈ શકે, કારણ કે એમાં ફાઇબર્સ વધુ માત્રામાં હોય છે.’

ભેદ

આ બન્નેના બીજા મહત્વના ભેદ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘સૂકી ખારેકમાં વધુ કૅલરી હોય છે. જે લોકો વેઇટલૉસ માટે પ્રયત્ïન કરતા હોય તેઓ સૂકી ખારેક ખાઈ શકતા નથી, પરંતુ ફળ તરીકે એમાં જેટલી કૅલરી હોય છે એ કૅલરી હેલ્ધી ગણી શકાય જે કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે. આમ પણ ખારેક એક હેવી ફળ છે જેથી દિવસમાં ફ્રેશ હોય તો પણ ૪-૫ ખારેકથી વધુ ખારેક ખાઈ શકાય નહીં. ફ્રેશ ખારેકમાં કૅલ્શિયમ વધુ માત્રામાં નથી હોતું. વળી ફ્રેશ ખારેકમાં સૉલ્યુબલ ફાઇબર્સ હોય છે અને ડ્રાય ખારેકમાં અનસૉલ્યુબલ ફાઇબર્સ, જેને લીધે સરખામણી કરીએ તો ફ્રેશ ખારેકમાં રહેલાં પોષક તત્વો શરીરને સરળતાથી મળે છે.’

જુદા-જુદા રોગોમાં ઉપયોગી

ધ્વનિ શાહ પાસેથી જાણીએ ખારેક કયા-કયા રોગોમાં ઉપયોગી નીવડે છે.

કબજિયાત : જે લોકોને લાંબા ગાળાની કબજિયાત હોય તો તેમને ખારેક ઘણી મદદ કરે છે. ખાસ કરીને બાળકોને પણ એ આપી શકાય છે. દવાઓ કે બીજી કોઈ પદ્ધતિ કરતાં ખારેકથી સરળતાથી આ તકલીફ દૂર થઈ શકે છે.

શરદી : જેમને અવારનવાર શરદી થઈ જતી હોય, વારંવાર માંદા પડતા હોય એવા લોકોએ ખારેક ખાવી જોઈએ જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ થાય અને શરદી વારંવાર ન રહે.

કૉલેસ્ટરોલ : ખારેક કૉલેસ્ટરોલની માત્રાને શરીરમાં નિયંત્રણમાં રાખે છે, જેને લીધે હાર્ટ-ડિસીઝ થવાનું રિસ્ક ઘટી જાય છે.

વેઇટલૉસ : ખારેક ખાવાથી પેટ ભરેલું લાગે છે અને જલદી ભૂખ નથી લાગતી. ખાલી પેટે, સાંજના સમયે નાસ્તામાં ચાર ખારેક ખાઈ લેવાથી ડિનરમાં વધુ ભૂખ નથી લાગતી અને વ્યક્તિ હળવું ડિનર લઈ શકે છે.

આ સિવાય ખારેક ડાયાબિટીઝ, ઉધરસ, નબળાઈ, ટીબી, શુક્રાણુની કમી, દાંતમાં દુખાવો, એનીમિયામાં પણ ઉપયોગી થાય છે.



હેલ્થ-ડિક્શનરી


હૃદયની ધડકન હંમેશાં ધક-ધક કેમ હોય છે?

ફિલ્મી ભાષામાં વાત કરીએ કે મેડિકલ ભાષામાં હૃદયની ધડકનને વર્ણવવા માટે હંમેશાં ધક-ધક, ધક-ધક શબ્દ જ વપરાય છે. કોઈ પણ વ્યક્તિની છાતી પાસે કાન રાખીને શાંતિથી સાંભળવાની કોશિશ કરીએ તો હકીકતમાં ચોક્કસ ઇન્ટરવલ પર ધક-ધક, ધક-ધક એમ અવાજ સંભળાય છે. હૃદય ધડકે છે તો આપણે જીવીએ છીએ અને આખા શરીરમાં લોહી પહોંચે છે. હાર્ટનું કામ છે પૂરતા ફોર્સ સાથે હૃદયમાં લોહી પહોંચાડવું. મોટા ભાગના લોકો માને છે કે હૃદયના સ્નાયુઓ જોરથી સંકોચન અને વિસ્તરણ પામે છે એટલે ધડકનનો અવાજ સંભળાય છે. હકીકતમાં એવું નથી. સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણનો આવો અવાજ નથી આવતો, પણ સ્નાયુઓની મૂવમેન્ટમાં વચ્ચે આવતા વાલ્વને કારણે આમ થાય છે.

જરાક સમજીએ. હૃદયમાં ચાર ચેમ્બર્સ છે. બે ઉપરની અને બે નીચેની. ઉપર અને નીચેની ચેમ્બરને જોડતા વાલ્વ હોય છે. લોહી ઉપરની ચેમ્બરમાં પ્રવેશે એ પછી ઇલેક્ટ્રિકલ પલ્સને કારણે હૃદયની ઉપરના સ્નાયુઓ સંકોચાય છે અને લોહીને દબાણ કરીને નીચેની ચેમ્બરમાં મોકલે છે. આ ચેમ્બરમાં મોકલતી વખતે વચ્ચેનો વાલ્વ ખૂલે છે. લોહી નીચે જાય એટલે ફરી વાલ્વ બંધ થઈ જાય છે. નીચેની ચેમ્બરમાં પણ બીજો વાલ્વ આવેલો છે. આ વાલ્વ સાથે જોડાયેલી રક્તવાહિનીઓ લોહીને ફેફસાંમાં લઈ જાય છે. વારાફરતી આ બન્ને વાલ્વ ખોલ-બંધ થવાને કારણે હાર્ટબીટનો અવાજ આવે છે. ખૂલે ત્યારે ધક અને બંધ થાય ત્યારે ધક એમ બે વાર અવાજ આવે છે. મતલબ કે ધક-ધક એમ બે વાર અવાજ આવે છે જે વાલ્વની ખોલ-બંધ સૂચવે છે.

સ્નાયુઓ એકદમ સાઇલન્ટલી સંકોચન અને વિસ્તરણ કરે છે, પણ એ બન્ને વચ્ચેના વાલ્વ ખોલ-બંધ થાય ત્યારે અવાજ આવે છે જે શરીરમાં લોહીનું વહન કરતી મુખ્ય નળીઓમાં ફીલ કરી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2016 05:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK