Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારા બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે?

તમારા બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે?

Published : 03 January, 2012 06:41 AM | IST |

તમારા બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે?

તમારા બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે?




(ડૉ. પંકજ પારેખ - પીડિયાટ્રિશ્યન)





‘તેજસ્વિની ખૂબ ફાસ્ટ શ્વાસ લે છે. કાંઈ ખાતી-પીતી નથી. તેને ૧૦૨ ડિગ્રી તાવ હતો. છેલ્લા ચાર મહિનામાં આ પાંચમી વાર માંદી પડી છે. દર વખતે આ રીતે જ હેરાન થાય છે. શરૂઆત સામાન્ય શરદીથી થાય, બીજે દિવસે ખાંસી અને સાંજે તો શ્વાસ ચડી જાય. અસ્થમા તો નથી લાગતોને. મને બહુ ડર લાગે છે.’ એક ભયભીત માતાએ કન્સલ્ટિંગ સમયે આ રીતે પોતાની નાનકડી દીકરીને થતી તકલીફનું વર્ણન કર્યું. છેલ્લા કેટલાક સમયમાં બાળકોમાં આ પ્રકારની તકલીફોનું પ્રમાણ વધ્યું છે.

આને ઍલર્જિક બ્રૉન્કાઇટિસ કહેવાય છે. કોઈ પણ કારણસર બાળકને ઍલર્જીની શરૂઆત શરદીથી થાય અને પછી ઝડપભેર શ્વાસમાં પરિણમે.



ઍલર્જી શેની?

જરૂરી નથી કે ચૉકલેટ, આઇસક્રીમ, ક્રીમવાળાં બિસ્કિટ, માવાની મીઠાઈ ખાવાથી જ આ પ્રકારની ઍલર્જી થાય. ઘણી વાર આમાંનું કંઈ પણ ન અપાતું હોય તો પણ ઍલર્જી થવાની સંભાવના હોય છે.

એમ કહેવાય કે સૂર્ય કે સૂર્યની નીચેની કોઈ પણ વસ્તુથી ઍલર્જી થઈ શકે. દા.ત. ધૂળ, માટી, હવાનું પ્રદૂષણ, ચણાની દાળ, સ્ટ્રૉબેરી વગેરે. ખાંસી, શરદી અને શ્વાસના રોગનું પ્રમાણ છેલ્લાં ૧૦ વર્ષમાં ખૂબ જ વધી ગયું છે. બાળકોમાં જન્ક ફૂડ ખાવાનું પ્રમાણ પણ છેલ્લાં થોડાં વર્ષોમાં સારુંએવું વધી ગયું છે.

મુખ્ય કારણ પ્રદૂષણ

જો ફાલતુ ખાવાની વસ્તુઓ જ શરદી-ખાંસી માટે જવાબદાર હોય તો એ ખાનારા દરેક બાળકને આ તકલીફ થવી જોઈએ. મારા હિસાબે હવાનું પ્રદૂષણ આ પ્રકારની માંદગીનું મુખ્ય કારણ છે. ઘરની બાજુમાં ક્યાં તો ટાવર બનતો હોય અથવા રસ્તાનું રિપેરકામ ચાલતું હોય, ઘરમાં ધૂળ જ ધૂળ હોય. જેટલી વાર ટેબલ પર પોતું મારો, પણ એ ધૂળથી ભરાઈ જ જાય. જરા વિચારો કે આટલી જ ધૂળ બાળકના શ્વાસમાં એકસરખી જતી હોય તો બાળક કેવી રીતે શ્વાસ લઈ શકે. ઘરમાં રિનોવેશન કે રંગ ચાલતો હોય ત્યારે કેટલાંય મા-બાપોની ફરિયાદ હોય છે કે તેમનું બાળક રોજ રાતે ખાંસી કરે છે. આ સિલસિલો મહિના બે મહિના સુધી ચાલે તો ચેતવા જેવું ગણાય. ઘણી વાર એવું પણ સાંભળવા મળે કે બાળક સ્કૂલમાં જતુ થાય ત્યારથી તે વધુ બિમાર પડવા લાગ્યુ હોય. તેનું એક કારણ એમ પણ હોય કે સ્કૂલના ઍરકન્ડિશન રૂમમાં ૧૫થી ૨૫ બાળકો સાથે બેસે. વર્ષગાંઠના દિવસે ચૉકલેટ કે કેક વહેંચાય અને પછી બાળકો પ્રેમથી એકબીજાનાં મોઢાં પાસે ખાંસી ખાતાં હોય. વેકેશનમાં ઘણી વખત શરદી-ખાંસીનું પ્રમાણ ઓછું જોવા મળે. ડૉક્ટરો હંમેશાં કહેતા હોય છે કે માતાનું દૂધ પીનારાં બાળકોની પ્રતિકારશક્તિ ખૂબ જ વધારે હોય છે. તેમને કોઈ માંદગી જલદી નથી લાગતી. આજકાલ બેથી ત્રણ મહિનાનાં બાળકોની છાતી પરથી ઘર ઘર અવાજ આવતો હોય છે. જેનું પણ મુખ્ય કારણ પ્રદુષણ જ હોય છે.

શિયાળામાં આ રોગનું પ્રમાણ વધેલું જોવા મળે છે. કારણ કે વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધારે હોય છે. અને ઠંડા હવામાનને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે.

ઉંમર વધે એમ ઘટે

નાની ઉંમરે શરૂ થતા આ ઍલર્જિક બ્રૉન્કાઇટિસવાળાં મોટા ભાગનાં બાળકો ઉંમર વધતાં આ રોગથી મુક્ત થઈ જાય છે. બહુ થોડાં બાળકોને જ આગળ જતાં અસ્થમા એટલે કે દમનો રોગ થાય છે, ખાસ કરીને જેના પરિવારમાં અસ્થમા આનુવાંશિક હોય.

રિફ્લક્સ એક કારણ

ઍલર્જિક બ્રૉન્કાઇટિસ થવા પાછળ રિફ્લક્સ પણ એક કારણ હોઇ શકે છે. ઘણાં બાળકોને રિફલક્સને કારણે પણ વારંવાર ખાંસી આવતી હોય અને શ્વાસ ચડતો હોય છે. રિફલક્સ એટલે જઠરમાં રહેલાં દૂધ કે ખોરાક ઊંધી દિશામાં એટલે કે અન્નનળીમાં પાછાં ફેંકાતાં હોય. એ ક્યાં તો ઊલટીના પ્રકારે બહાર નીકળી જાય અથવા એમાંનો સૂક્ષ્મ ભાગ શ્વાસનળીમાં જતો રહે જેથી ખાંસી આવે અને શ્વાસ ચડી જાય. છાતી અને માથાનો ભાગ સુવડાવતી વખતે ૩૦ ડિગ્રી ઉપર રાખવાથી, ખાલી પ્રવાહી ન આપતાં વજનદાર-સખત ખાવાનું આપવાથી અને થોડીક દવાઓથી મોટે ભાગે રિફલક્સ ઑપરેશન વગર સારો થઈ જાય છે.

ટ્રીટમેન્ટ

ઍલર્જિક બ્રૉન્કાઇટિસમાં મોટે ભાગે લોહી કે એક્સ-રેના રિપોર્ટ નૉર્મલ આવે છે. કોઈક વાર બૅક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે લોહીમાં શ્વેત કણોનું પ્રમાણ વધી જાય છે. રિફલક્સ માટે બૅરિયમ કે મિલ્ક સ્કૅનના રિપોર્ટ કઢાવવા પડે. બહુ જ હેરાન થતાં બાળકોમાં કઈ વસ્તુની ઍલર્જી છે એ જાણવા માટે સ્કિન ઍલર્જી ટેસ્ટ કરાવવી પડે.

ખાવામાં પરેજી ન પાળવાથી અમુક ઉંમર સુધી બાળકોને એકદમ સારાં કરવામાં તકલીફ પડે છે. વધારે હેરાન થતાં બાળકોને સિવિયર અટૅક વખતે નેબ્યુલાઇઝેશન આપવું પડે, જેમાં મશીન (નેબ્યુલાઇઝર)ની મદદથી શ્વાસનળીનો સોજો ઓછો કરવા હવા ફેફસાંમાં પહોંચાડવી પડે છે. આ પ્રકારના અટૅક વારંવાર ન આવે એ માટે તેમને થોડા મહિનાઓ માટે પમ્પ અને સ્પેસરથી રોજ દવા આપવી પડે છે.

એક ગેરસમજ છે

ઘણા પેરન્ટ્સને બાળકને પમ્પ નથી આપવો કારણ કે એ અસ્થમાના દરદીને અપાય અને એની આદત પડી જાય. એવી ગેરસમજ હોય છે. જોકે હકીકત એ છે કે પમ્પ વડે અપાતી દવાઓ અને મોઢેથી અપાતી દવાઓ મહદંશે એકસરખી જ હોય છે. પમ્પ વડે અપાતી દવાઓની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, કારણ કે એ પેટમાં ગયા વગર સીધી ફેફસાંમાં જ જતી હોય છે એટલે એની કોઈ આદત નથી પડતી. એ ઓછા પ્રમાણમાં હોવાથી, પ્રમાણમાં ઓછી હાનિકારક હોય છે. Whatsapp-channel Whatsapp-channel

03 January, 2012 06:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK