Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ૧૬ કલાકના ઉપવાસ ૮ કલાક ખાવાનું

૧૬ કલાકના ઉપવાસ ૮ કલાક ખાવાનું

12 March, 2021 01:50 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

૧૬ કલાકના ઉપવાસ ૮ કલાક ખાવાનું

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વખતે દિવસ દરમિયાન તમને જે ભૂખ લાગે છે એ ભૂખનો ઉપયોગ તમારે કરવાનો જ છે. એ ભૂખ શરીરને ઉપયોગી છે.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વખતે દિવસ દરમિયાન તમને જે ભૂખ લાગે છે એ ભૂખનો ઉપયોગ તમારે કરવાનો જ છે. એ ભૂખ શરીરને ઉપયોગી છે.


ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ હજારો વર્ષોથી દુનિયાના અલગ-અલગ ધર્મોએ વિચારેલી એક જીવનશૈલી છે જે સ્વસ્થ જીવન માટે ઘણી ઉપયોગી છે. આજકાલ અઢળક લોકો એનું પાલન કરે છે, પરંતુ દેખાદેખીના ચક્કરમાં અને સગવડિયા વલણને લીધે ઘણા લોકો એના નિયમોને બરાબર સમજ્યા વગર ખોટી માન્યતાઓને અનુસરીને ફાયદાની જગ્યાએ પોતાનું નુકસાન કરી બેસે છે. આજે સમજીએ કે આ ખોટી માન્યતાઓ પાછળની હકીકત શું છે
ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કે ૨૪ કલાકમાંથી ૧૨-૧૪-૧૮ કલાક શરીરને ઉપવાસ ઉપર રાખવું અને કંઈ જ ન ખાવું. આમ તો જૈનોના ચોવિહાર કે પોરસીને નવું આધુનિક નામ આપો તો બની જાય છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. એના અઢળક ફાયદાઓ જોઈને આજકાલ ઘણા લોકો એ ફૉલો કરતા થયા છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એની ચૅલેન્જિસ પણ ઘણા લોકો સ્વીકારતા થયા છે, પરંતુ તકલીફ એ છે કે બધાને એ વિશેની પૂરી હકીકત ખબર નથી અને દેખાદેખીમાં જ્યારે એ ચાલુ કરવા જાય છે ત્યારે ફાયદા કરતાં મોટું નુકસાન કરી બેસે છે. જો તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શરૂ કર્યું હોય અને એને દસેક દિવસ થઈ ગયા હોય એ પછી પણ તમને ભૂખ ન લાગતી હોય અથવા જરૂરત કરતાં ખૂબ વધારે લાગતી હોય, ઊંઘ વ્યવસ્થિત ન આવતી હોય, વજન ઘટવાને બદલે વધી ગયું હોય, શરીરમાં હલકું ન લાગતું હોય, એનર્જી લાગવાને બદલે નબળાઈ લાગતી હોય, મસલ લૉસ થઈ ગયો હોય, સ્કિન અને વાળ પહેલાં કરતાં ખરાબ થયાં હોય તો સમજો કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો. એ ખોટાને સાચું કરવાનો સમય આવી ગયો છે. ઇન્ટિગ્રેટિવ મેડિસિનના હોલિસ્ટિક લાઇફસ્ટાઇલ કોચ લ્યુક કુટિન્હો, જે ખુદ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ખરા હિમાયતી છે અને જેમની પ્રેરણાથી હજારો લોકોએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અપનાવ્યું છે તેમની પાસેથી જાણીએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ સાથે સંકળાયેલી અમુક ખોટી માન્યતાઓ પાછળ રહેલી સાચી હકીકતો.
lll
માન્યતા - ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ એક ફેડ ડાયટનો પ્રકાર છે, જે આજકાલ ટ્રેન્ડિંગ છે.
હકીકત - ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ હજારો વર્ષો જૂનું સાયન્સ છે જે દુનિયાભરના જુદા-જુદા ધર્મો દ્વારા અપનાવેલી એક લાઇફસ્ટાઇલ છે જે માનવ શરીર માટે ઘણી જ ઉપયોગી છે. આ કોઈ ડાયટનો પ્રકાર કે વેઇટલૉસ માટે કરવામાં આવતી વ્યવસ્થા નથી, આ એક નીરોગી જીવન જીવવા માટે અપનાવવામાં આવતી લાઇફસ્ટાઇલ છે. સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે જ નિશ્ચિત સમયે ખાવું જોઈએ અને બાકીનો સમય શરીરને બીજા કામે લગાડવું જોઈએ એ એક મૂળભૂત સમજણ છે જે અપનાવવા જેવી છે.
lll
માન્યતા - જો ૧૨-૧૪ કલાક ન ખાવાનું હોય તો સવારે ૧૦થી રાત્રે ૧૦ કલાક ખાઈ શકાય અને બાકીના કલાક ભૂખ્યા રહેવાનું.
હકીકત - ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કુદરત સાથેનો મેળ. સૂર્યોદય પછી ખાવું અને સૂર્યાસ્ત પછી ન ખાવું એને જ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય છે. ૧૨-૧૪-૧૬ કલાક ભૂખ્યા રહેવાનું જ મહત્ત્વનું નથી, રાત્રે પાચનતંત્રને આરામ આપવાનું ખૂબ જ જરૂરી છે. આપણા શરીરની ૮૦ ટકા એનર્જી ખોરાકના પાચન માટે વપરાય છે અને ૨૦ ટકા એનર્જી શરીરના રિપેરિંગ કામમાં વપરાય છે. જો રાત્રે પાચન પ્રક્રિયા બંધ રહેશે તો રાત્રે શરીર પોતાને રિપેર કરવાનું કામ સારી રીતે કરી શકશે. જો આ કામ સારી રીતે થયું તો તમે નીરોગી રહી શકશો. એટલે રાત્રે ખાવું યોગ્ય નથી. આદર્શ રીતે સૂર્યાસ્ત પહેલાં જમી લેવું અને એવું ન થાય તો મોડામાં મોડું સૂર્યાસ્ત પછીના ૧ કલાકમાં તમારું ડિનર પતી જવું જોઈએ.
lll
માન્યતા - આજે મેં સવારે ૮થી રાત્રે ૮ સુધી જમ્યું પણ કાલે પાર્ટી છે તો એક કામ કરીએ, કાલે સવારે ૧૦થી રાત્રે ૧૦ સુધી ખાઈ લઈશ. કોઈ પણ ૧૨ કલાક જ તો ફાસ્ટિંગ કરવાનું છે.
હકીકત - ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં કોઈ પણ ૧૨ કે ૧૪ કલાક ભૂખ્યા રહેવાનું એવું નથી હોતું. શરીરને એક સમયે ખાવાની અને એક સમયે ફાસ્ટિંગની આદત પાડવાની હોય છે. તમે આજે સવારે ૮ વાગ્યે ખાવાનું શરૂ કર્યું, બીજા દિવસે ૧૦ વાગ્યે શરૂ કરો, ત્રીજા દિવસે સીધું ૧ વાગ્યે જમો એમ ન ચાલે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં શરીરને શિસ્તબદ્ધ કરવાની વાત મુખ્ય છે. સવારે જો તમે ૯ વાગ્યે ખાવાનું શરૂ કરો છો તો દરરોજ સવારે ૯ વાગ્યે જ ખાવાનું શરૂ કરવું. એ જ રીતે સાંજે ૭ વાગ્યે ખાવાનું બંધ કરો છો તો એ જ સમયે બંધ કરવું. એનાથી શરીરને ખબર પડે છે કે આ એનો ખોરાકનો સમય છે અને આ રેસ્ટનો. શરૂઆતમાં સમય ૫-૧૫ મિનિટ ઉપર-નીચે થાય તો ચાલે, પરંતુ એ જ તો શીખવાનું છે કે તમારી બધી વસ્તુઓ તમે એ સમય અનુસાર જ પ્લાન કરો.
lll
માન્યતા - રાત્રે ખોરાક તો હું લેતો નથી, પરંતુ ભૂખ લાગે કે ક્રેવિંગ થાય તો એની જગ્યાએ ચા-કૉફી કે ગ્રીન ટી તો લઈ શકાય.
હકીકત - ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં જ્યારે તમે ખોરાક બંધ કરો ત્યારે પાણી સિવાય કંઈ જ લેવું યોગ્ય નથી. ઘણા લોકો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને ડ્રાય ફાસ્ટ રૂપે પણ કરે છે જેમાં ખાવાનું બંધ કરો અને ફરીથી ચાલુ કરો ત્યાં સુધી પાણી પણ નથી પીતા. જુદા-જુદા ધર્મોમાં પણ એનું અલગ જ મહત્ત્વ છે. એના ફાયદા પણ ઘણા છે. જો તમે પાણી વગર ન રહી શકો તો કંઈ નહીં, પાણી પી શકાય પરંતુ એના સિવાય કોઈ વસ્તુ લેવી નહીં. દૂધ, ચા, કૉફી કે ફળ કંઈ પણ નહીં. ફાસ્ટિંગમાં ચા-કૉફી ન જ લેવાં જોઈએ. કૅફીનયુક્ત પદાર્થો તમારા શરીરને રેસ્ટ નથી આપતા ઊલટું નુકસાન જ કરે છે. ૧-૨ દિવસ તમને થોડી તકલીફ પડશે, પણ એટલા મક્કમ રહી જશો પછી ફાયદા સમજાશે.
lll
માન્યતા - ડાયાબિટીઝના દરદીઓ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ન કરી શકે.
હકીકત - ડાયાબિટીઝના દરદીઓ પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરી શકે છે. ઊલટું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની તકલીફમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ખૂબ જ ફાયદાકારક છે. મારા ઘણા પેશન્ટને ડાયાબિટીઝ હોવા છતાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ દ્વારા ખૂબ સારાં રિઝલ્ટ્સ મળ્યા છે. ઊલટું એનાથી તેમનું શુગર રેગ્યુલેશન પણ ખૂબ સારું થયું છે.
પરંતુ અહીં સમજવા જેવી બાબત એ છે કે આ દરદીઓ એક્સપર્ટ વ્યક્તિના ગાઇડન્સ હેઠળ જ પ્રયત્ન કરે. ડાયાબિટીઝમાં શુગર વધી જવાના ભય કરતાં ઘટી જવાનો ભય ખૂબ વધુ હોય છે. જાતે અજમાવવામાં જો એકદમ જ શુગર ડ્રૉપ થઈ જાય તો તકલીફ થઈ શકે એટલે ડૉક્ટરની સલાહ સાથે જે વ્યક્તિને એની સમજ હોય તેની દેખરેખમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો પ્રયત્ન કરી શકાય. એક વખત બૅલૅન્સ થઈ જશે પછી વાંધો નહીં આવે.
luke

ઇન્ટિગ્રેટિવ મેડિસિનના હોલિસ્ટિક લાઇફસ્ટાઇલ કોચ લ્યુક કુટિન્હો



 


માન્યતા - સવારે ઊઠીને જ્યારે ખાવાનો સમય છે ત્યારે પણ વેઇટલૉસ કરવા ઓછું ખાઈને કન્ટ્રોલ કરીએ તો રિઝલ્ટ સારું મળે.
હકીકત - ઘણા લોકો એવા હોય છે જે ખાવાના કલાકો છે એ દરમિયાન પણ લો-ફૅટ અને લો-કાર્બ્સવાળો ખોરાક ખાય છે. ફક્ત સૅલડ ખાઈને લંચ પતાવે છે, કારણ કે તેમને જલદી વજન ઉતારવું હોય છે. આવું ન કરો. જ્યારે તમારા શરીરને ભૂખ લાગે છે એનો અર્થ એ છે કે એને ન્યુટ્રિશનની અને એનર્જીની જરૂર છે. એ સમયે લો-કૅલરી પાછળ ન પડો. એ સમયે શરીરને પોષણયુક્ત ખોરાક આપો. તમને જ્યારે ભૂખ લાગે ત્યારે સરળ, સંપૂર્ણ અને પોષણયુક્ત આહાર તમારા શરીરને જરૂરી છે. એ સમયે શરીરને એ મળવું જ જોઈએ. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વખતે દિવસ દરમિયાન તમને જે ભૂખ લાગે છે એ ભૂખનો ઉપયોગ તમારે કરવાનો જ છે. એ ભૂખ શરીરને ઉપયોગી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2021 01:50 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK