આ એક સાઇકોલૉજિકલ તકલીફ છે.
પ્રતીકાત્મક તસવીર
આમ તો આ ચિહ્ન હોય ત્યારે ઘણા બધા રોગ હોય, પરંતુ આજે હું એક જુદા જ રોગની વાત કરવા માગું છું. તાજેતરમાં મારી પાસે એક કેસ આવ્યો હતો એ વિશે હું આજે બધાને અવગત કરવા માગું છું. ૨૬ વર્ષની સ્ત્રીને વૉમિટિંગની ઘણી વધારે તકલીફ હતી. ખાસ કરીને રાત્રે તેને ઊલટીઓ થતી. તે કંઈ પણ ખાય તો તેને લાગતું કે એ ગળે જ નથી ઉતારી શકતી. તેણે તેના ઘરની પાસેના એક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે તેને કહ્યું કે તને સ્ટ્રેસ વૉમિટિંગની તકલીફ છે. ખૂબ સ્ટ્રેસમાં રહે છે એટલે ઍસિડિટીનું પ્રમાણ વધે છે અને તેને વૉમિટ થઈ જાય છે. આ એક સાઇકોલૉજિકલ તકલીફ છે. બિચારીએ એક્સરસાઇઝ, પ્રાણાયામ, યોગ બધુ ચાલુ કર્યું. સ્ટ્રેસ જેટલું ઓછું કરી શકાય એ કર્યું, પણ તકલીફ ઓછી ન થઈ. ઘણા વખતથી બાળક માટે તે પ્રયાસ કરતી હતી, પરંતુ એમાં પણ સફળતા મળતી નહોતી. આ બધામાં તેની ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ચાલુ થઈ, પરંતુ તેના ડૉક્ટરને એ ચિંતા હતી કે આ સ્ત્રી આ જ રીતે ઊલટીઓ કરતી રહી તો પ્રેગ્નન્સી દરમ્યાન કઈ રીતે મૅનેજ કરશે. આ કેસ મારી પાસે આવ્યો.
તેની તપાસ વ્યવસ્થિત થઈ અને એના પરથી ખબર પડી કે આ સ્ત્રીને અકલસિયા (ACHALASIA) છે એટલે કે અન્નનળીનો એવો પ્રૉબ્લેમ જેમાં એ સાંકડી થઈ જાય છે અને ખોરાક અંદર જતો જ નથી, બહાર આવ્યા કરે છે. જ્યારે અન્નનળીના સ્નાયુઓ જાડા થઈ જાય અને એને કારણે આ નળીના છેડા સાંકડા થઈ જાય ત્યારે એમાંથી ખોરાક કે અન્ય કોઈ પદાર્થ પસાર થવાનું અઘરું બનતું જાય છે. એને લીધે અન્નનળીમાં જ જે પણ ખાઓ એ ફસાતું જાય છે. આ તકલીફ જ્યારે આગળ વધે ત્યારે વ્યક્તિનું થૂંક ગળવું પણ મુશ્કેલ થઈ જાય છે. આ રોગ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, પરંતુ ૩૦-૫૦ વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે.
આ રોગમાં દવાઓ કામ કરતી નથી. અન્નનળીના સ્નાયુઓ જે જાડા થઈ જાય છે એને દવાઓ વડે ઠીક કરી શકાતા નથી. એના માટે એન્ડોસ્કોપિક કે લેપ્રોસ્કોપિક સર્જરી કરવી અનિવાર્ય છે. આ સર્જરી સરળ છે અને કૉમ્પ્લીકેશનની શક્યતા નહીંવત છે. આમ, ઇલાજ એનો સરળ છે, પરંતુ નિદાન અઘરું છે. એનાં ચિહ્નોને સમજીને જરૂરી ટેસ્ટ કરાવીને એના નિદાન સુધી પહોંચવાની જરૂર છે. થોડા દિવસ પહેલાં જ એ છોકરીનું ઑપરેશન થયું અને હાલમાં તે એકદમ ઠીક છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે બે રોટલી પણ ખાઈ નહોતી શકતી એ આજે ખાઈ શકે છે. હવે તે પ્રેગ્નન્સી પ્લાન કરી શકે છે.
ડૉ. જિજ્ઞેશ ગાંધી

