તહેવારોની સીઝનમાં ઘરમાં પણ નાસ્તાપાણીનો ખડકલો થતો રહેતો હોય ત્યારે આચરકૂચર ખવાઈ જાય છે અને પાર્ટીઓ તથા સામાજિક મેળાવડાઓમાં રોજિંદી ડાયટનું નિયંત્રણ છૂટી જાય તો લાંબા સમયથી કરેલી મહેનત માથે પડી શકે છે
પ્રતીકાત્મક તસવીર
તહેવારોના દિવસો પછી વજન વધી ન જાય, પેટનો ઘેરાવો ફેલાઈ ન જાય અને ડાયાબિટીઝ કે પ્રેશર બેફામ થઈ જાય એવું ન ઇચ્છતા હો તો ખુશીના આ તહેવારમાં પહેલેથી સભાનતા જાળવવી જરૂરી છે. આજથી જ એક પછી એક પર્વોની શરૂઆત થઈ રહી છે ત્યારે બિન્જ ઇટિંગ થવાની શક્યતા વધારે છે. ઉત્સવના દિવસો અને એ પછીના દિવસો પણ હેલ્ધી રહે એ માટે શું કરવું એ નિષ્ણાત પાસેથી જાણી લઈએ.
બિન્જ ઇટિંગમાં બેટર ઑપ્શન
ADVERTISEMENT
કાંદિવલી અને ગોરેગામમાં ડાયટ અને ઓબિસિટી કન્સલ્ટન્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં મેઘના પારેખ કહે છે, ‘દિવાળી દરમ્યાન તમને ખબર જ છે કે ઘણી વાનગીઓ પીરસાવાની છે. તો વધારે તળેલા કે ફૂડ એડિટિવ્સવાળી ચીજોના હેલ્ધી ઑપ્શન શોધો. આજે માર્કેટમાં તમને મોટા ભાગની વાનગીઓના બેક્ડ વિકલ્પો મળી રહેશે. તહેવારમાં લોકો જ્યારે ઑફર કરે ત્યારે આપણે અમુક પરિસ્થિતિમાં ના નથી પાડી શકતા અને મનમાં વજન વધવાની બીક પણ લાગે છે. તો જ્યારે આ પરિસ્થિતિથી આપણે પહેલેથી વાકેફ છીએ તો તમારે તમારા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો સમય નથી ચૂકવાનો. એ ઉપરાંત તમારા ડાયટમાં શાકભાજી, ફળ, સૅલડ, દાળ અને પ્રોટીનની માત્રા હોવી જોઈએ. આ બધું તો સામાન્ય રીતે પણ આપણે લેતા હોઈએ છીએ, તો એમાં નવું શું છે? નવું એ છે કે તહેવારના સમયમાં આપણે સમયસર ધ્યાન નથી આપતા કાં તો બહુ જ કામને કારણે આપણે નાસ્તામાં એકાદ મીઠાઈ ખાઈ લીધી કે નમકીન પડ્યું હોય તો એનાથી કામ ચલાવીને ફરી કામમાં ઓતપ્રોત થઈ ગયા. તો આ આદત પછીથી વજન વધારવાનું કારણ બની શકે છે. બિન્જ ઇટિંગ કરવાના હો તો પણ સમયનું ધ્યાન રાખવું. જેમ કે લંચટાઇમે વધુ પડતું ખાઈ લેશો તો સિસ્ટમ મૅનેજ કરી લેશે, પરંતુ રાતે ૧૧ કે ૧૨ વાગ્યે બિન્જ ઇટિંગ કરશો તો તહેવારની મજા બગડશે. માનો કે દિવાળીની પાર્ટીમાં જવાના હો તો ઘરેથી છાશ કે સૅલડ કે થોડું હેલ્ધી ખાઈને જવું. રેગ્યુલર ડાયટના સમય અને ડાયટમાં મોટો બદલાવ ન આવે તો તહેવાર દરમ્યાન પણ વજન પર વધારે ફરક નહીં પડે.
માઇન્ડફુલ ઇટિંગ અને એક્સરસાઇઝ
શું માત્ર સમય અને ડાયટ પર ધ્યાન રાખવાથી વજન વધવાની ચિંતા નહીં થાય? ના, એવું નથી. ખાતી વખતે પણ સભાનતા રાખવી જરૂરી છે એમ જણાવતાં મેઘના ઉમેરે છે, ‘માઇન્ડફુલ ઇટિંગ કરતા હો એટલે દરેક કોળિયો ચાવીને ખાતા હો અને જમતી વખતે કોઈ ડિસ્ટ્રેક્શન ન હોય તો ઓવરઇટિંગ નહીં થાય, પરંતુ એની સાથે-સાથે તમારે દિવસની જે અડધો કલાકની કસરત છે એ પણ ચાલુ જ રાખવાની છે. અડધો કલાક તો તમારે તમારા શરીરને આપવાનો જ છે. જે રૂટીન આખું વર્ષ સાચવ્યું છે એ પછી તહેવારને કારણે બદલાવું ન જોઈએ. ટાઇમ મૅનેજ કરીને પણ યોગ, વૉકિંગ કે જૉગિંગ તો કરવાનું જ છે. આ સમયે મીઠાઈનું સેવન વધુ થતું હોય છે, તો મીઠાઈ ખાવાનો સમય પણ ધ્યાન રાખવાનો છે. રાતના સમયે શુગરનું સેવન અવગણવું, કારણ કે તમારી ઊંઘ પર અસર થઈ શકે છે. જો ઊંઘ પૂરી ન થઈ તો પણ તમારા મૂડ અને વજન પર ફરક પડી શકે છે. ઊંઘની કમી સ્ટ્રેસને વધારે છે અને સ્ટ્રેસ ઇટિંગમાં પરિણમે છે. ટૂંકમાં કહીએ તો, તહેવારનો સમય થોડો સ્ટ્રેસફુલ હોય છે, પરંતુ જો જમવાનો સમય સચવાય અને ઊંઘ પૂરતી થઈ હોય તો બીજા દિવસે તમારામાં વધુ ખાવાની એનર્જી રહે છે. તો દિવાળીની વાનગીઓ માણવી હોય તો ઊંઘ પર અસર ન થવા દેવી.’
આ સાત સ્ટેપ્સ ભૂલતા નહીં: કેજલ શાહ
દિવાળીનું આ આખું અઠવાડિયું પાર્ટીઓમાં પસાર થવાનું છે. ઘણી વાર થાય છે એવું કે મહિનાઓ સુધી ખુદનું ધ્યાન રાખ્યા પછી દિવાળીના પાંચ દિવસની પાર્ટીઓ મહિનાઓની એ મહેનત પર પાણી ફેરવી દેતી હોય છે. જો એવું ન થાય એમ ઇચ્છતા હો તો આ કેટલીક ટિપ્સ છે જે ઘણી ઉપયોગી નીવડશે. દિવાળી પાર્ટીમાં જતાં પહેલાં ઘરેથી ખાઈને જ નીકળો.
૧. ભૂખ્યા પેટે ઘરેથી નીકળવું ઘણું રિસ્કી ગણી શકાય છે, કારણ કે પાર્ટીમાં ભાત-ભાતનાં જે વ્યંજનો હશે એ જોઈને તમે એના પર એમ ને એમ પણ તૂટી પડવાના. એના કરતાં પેટ ભરેલું હોય તો ખાવાનું ફક્ત શોખ પૂરતું જ સીમિત રહે અને જે ભાવતું હોય એ જ થોડું ચાખવાનું રહે.
૨. દિવાળી છે અને તમે બધાને મળવામાં, ઘર સજાવવામાં, પકવાન બનાવવામાં કે છેલ્લી ઘડીના શૉપિંગમાં વ્યસ્ત હો તો જમવાના કે નાસ્તાના સમયમાં ઉપર-નીચે થવાનું જ છે. જોકે એવું ન થાય, તમારા ખોરાકનો સમય ન બદલાય એનું ધ્યાન રાખવાની જવાબદારી લેવી જરૂરી છે, કારણ કે તમે શું ખાઓ છો એ જેટલું મહત્ત્વનું છે એટલું જ એ મહત્ત્વનું છે કે તમે ક્યારે ખાઓ છો.
૩. જો દિવાળીમાં રાત્રિ-જાગરણ દરમ્યાન બે-ત્રણ વાગ્યા સુધી તમે ખા-ખા કરો તો એ યોગ્ય નહીં જ ગણાય. જેટલું પણ ફરસાણ અને મીઠાઈઓ છે એ બને ત્યાં સુધી દિવસ દરમ્યાન ખાવાનું રાખો. નાસ્તામાં કે બપોરના જમવામાં મીઠાઈ અને ફરસાણ ખાઈ શકાય. બાકી રાત્રે એટલો વધુ કૅલરીવાળો ખોરાક ખાઓ એ યોગ્ય નથી. રાત્રે નૉર્મલ જમવાનું જમો જેથી પચાવી શકો.
૪. રાત્રે જો હેવી ખાશો તો પાચનતંત્ર પર લોડ વધુ આવશે. ભાત-ભાતની વસ્તુઓ બની હોય ત્યારે બધું થોડું-થોડું ખાઈને જ પેટ ભરાઈ જાય છે. આવા સમયે પેટનું સાંભળો, મનનું નહીં.
૫. આ પાંચ દિવસ દરમ્યાન બધી મજા કરો. ખાઓ-પીઓ, હરો-ફરો; પરંતુ એક કલાક એક્સરસાઇઝ માટે ચોક્કસ ફાળવો.
૬. રોજ એક કલાક બીજું કંઈ ન થાય તો વૉક કરતા આવો. જો એ ન અનુકૂળ હોય, કારણ કે બહાર વાતાવરણ પ્રદૂષિત લાગે તો ઘરમાં જ એક્સરસાઇઝ કરી લો; પણ કરો ચોક્કસ.
૭. શરીરમાં જેટલું ખાઓ છો એટલું પચાવી શકાય માટે એ જરૂરી છે કે હાઇડ્રેશનનું ધ્યાન રાખો. દિવાળી આવે ત્યારે વાતાવરણ થોડું ઠંડું તો થઈ જ જાય છે. આવા વાતાવરણમાં, દિવાળીના ઉત્સાહમાં કે કામમાં પાણી પીવાનું રહી જાય છે. વળી રાત-રાત જાગ્યા હશો તો ચોક્કસ શરીરમાં સોજા જેવું રહેશે. બ્લોટિંગને કાઢવા માટે પણ જરૂરી છે કે પાણી પીવું જોઈએ. બહાર જાઓ તો પણ પાણી પીવાનું ન ભૂલો. શુગર-લેવલ જાળવી રાખવા માટે પણ હાઇડ્રેશન પૂરતું હોવું જરૂરી છે.

