જે છોકરીઓએ સેક્સ કર્યું નથી તે છોકરીઓ ટૅમ્પૉન કે મેન્સ્ટ્રુઅલ કપનો પ્રયોગ કઈ રીતે કરવો એ સમજી શકતી નથી.
પ્રતીકાત્મક તસવીર
મેન્સ્ટ્રુઅલ હાઇજીન દીકરીને પહેલેથી શીખવવું જરૂરી છે. માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ્સ છે જે આ માટે મદદરૂપ થઈ શકે છે, પરંતુ નવી-નવી પ્રોડક્ટ્સ વાપરતી વખતે અમુક પ્રકારની મૂળભૂત જાણકારી અને સજ્જતા અનિવાર્ય છે. હાલમાં પર્યાવરણને બચાવવા માટે મેન્સ્ટ્રુઅલ કપ નામની એક પ્રોડક્ટ માર્કેટમાં છે. સ્ત્રીઓને એ ઘણી કમ્ફર્ટ આપે છે. ધીમે-ધીમે એ ઘણી સ્ત્રીઓને માફક આવતી જાય છે. આજની તારીખે ઘણી છોકરીઓ અને સ્ત્રીઓ એની તરફેણમાં છે કે કપ એ નકામા વેસ્ટને ઘટાડે છે માટે સૅનિટરી પૅડ્સ કરતાં મેન્સ્ટ્રુઅલ કપ વાપરવા વધુ સારા, પરંતુ અહીં એક વસ્તુ સમજવી જરૂરી છે જે મોટા ભાગની છોકરીઓને સમજાતી નથી. મેન્સ્ટ્રુઅલ કપ આવ્યા એ પહેલાં ટૅમ્પૉન જેવી એક પ્રોડક્ટ પણ પ્રચલિત હતી જે વજાઇનામાં અંદર નાખવાની હોય છે. એમાં રૂ હોય છે જે લોહીને શોષી લે છે. ૧૦-૧૮ વર્ષની નાની વયે છોકરીઓને ટૅમ્પૉનનો પ્રયોગ થોડો અઘરો લાગી શકે છે. જે છોકરીઓએ સેક્સ કર્યું નથી તે છોકરીઓ ટૅમ્પૉન કે મેન્સ્ટ્રુઅલ કપનો પ્રયોગ કઈ રીતે કરવો એ સમજી શકતી નથી. આ સમજણ એકદમ નાની ઉંમરે આપવાનું પણ ઠીક ન ગણી શકાય. માટે પર્યાવરણ બચાવવા કરતાં પહેલાં એ સમજવું જરૂરી છે ઉંમર પ્રમાણે, સમજ પ્રમાણે મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ દીકરીને આપવી. જો ઉંમર વધતાની સાથે તેમણે ટૅમ્પૉન વાપર્યું હોય અને તેમને એ ફાવતું હોય તો જ મેન્સ્ટ્રુઅલ કપ પણ વાપરવા દઈ શકાય. જોકે આમાં તકલીફ ફક્ત એ નથી કે એનો વપરાશ ફાવે નહીં. નાની છોકરીઓ હાઇજીન બાબતે કેટલી સતર્ક છે એ પણ જોવું જરૂરી છે. મેન્સ્ટ્રુઅલ કપને વજાઇનાની અંદર દાખલ કરવામાં આવે છે એટલે જો એ હાઇજીનિક ન હોય તો ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઘણી વધી જાય છે. એવું જ ટૅમ્પૉનનું છે. એને એકદમ ક્લીન રાખવા જરૂરી છે અને સ્ત્રીઓના કમ્ફર્ટ માટે પણ જોઈએ તો એ ખૂબ સારું છે. એ પહેરીને છોકરીઓ સ્વિમિંગ કરી શકે છે, રમી પણ શકે છે; પરંતુ નાની છોકરીઓને એ પહેરવું કઈ રીતે અને કાઢવું કઈ રીતે એ ન ફાવે તો એ વજાઇનામાં ફસાઈ જાય અને એને જોરથી કાઢવામાં આવે ત્યારે ઇન્જરી પણ થઈ જાય. એટલે નાની વયની છોકરીઓને જો તમે કપ આપો તો એને કઈ રીતે વાપરવાનો છે એની સમજણ આપીને તેને પહેલાં તૈયાર કરો. ફક્ત આંધળું અનુકરણ ઠીક નથી કે આજકાલ બધા મેન્સ્ટ્રુઅલ કપ વાપરે છે તો આપણે પણ વાપરો. આ બધું ટ્રેન્ડ પર નહીં, દીકરીની માનસિકતા અને સજ્જતા સાથે સંકળાયેલું છે એ સમજવું જોઈએ.

