Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સ્ટ્રેસને અવગણો નહીં, મોડું થઈ જાય એ પહેલાં જ એને મૅનેજ કરી લો

સ્ટ્રેસને અવગણો નહીં, મોડું થઈ જાય એ પહેલાં જ એને મૅનેજ કરી લો

Published : 22 December, 2025 01:29 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

સ્ટ્રેસને લોકો ઇગ્નૉર કરતા હોય છે, પણ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ૨૪ કલાક સ્ટ્રેસમાં રહેતી હોય તો એ તેને માટે ધીમા ઝેર જેવું કામ કરે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્ટ્રેસને લોકો ઇગ્નૉર કરતા હોય છે, પણ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ૨૪ કલાક સ્ટ્રેસમાં રહેતી હોય તો એ તેને માટે ધીમા ઝેર જેવું કામ કરે છે. ક્રૉનિક સ્ટ્રેસ તેમને હાઈ બ્લડપ્રેશર, હાર્ટ-ડિસીઝ, ડિપ્રેશન તરફ ધકેલી શકે છે. જોકે આ થાય એ પહેલાં આપણું શરીર આપણને કેટલીક ફિઝિકલ, ઇમોશનલ, કૉગ્નિટિવ અને બિહેવ્યરલ સાઇન્સ આપે છે જેને આપણે કૉમન સમજીને ગણકારતા નથી.  આ સાઇન્સ કઈ છે અને એને કઈ રીતે મૅનેજ કરી શકાય એ વિશે વાત કરીએ

સ્ટ્રેસને આપણે ઘણી વાર નૉર્મલ કહીને ટાળી દઈએ છીએ. કામનું પ્રેશર, જવાબદારીઓ, પૈસાની ચિંતા કે સંબંધોમાં ખેંચતાણ આ બધું આપણા જીવનનો ભાગ છે; પણ જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી દિવસ-રાત ૨૪ કલાક સ્ટ્રેસમાં જીવે છે ત્યારે એ સ્ટ્રેસ ધીમા ઝેર જેવું કામ કરવા લાગે છે. ક્રૉનિક સ્ટ્રેસ ફક્ત થાક કે ટેન્શન સુધી સીમિત નથી રહેતું. એ હાઈ બ્લડપ્રેશર, હાર્ટ-ડિસીઝ, ડિપ્રેશન અને અનેક ગંભીર સ્વાસ્થ્ય-સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ બધું એક દિવસમાં નથી થતું. એ પહેલાં આપણું શરીર અને મન આપણને વારંવાર સંકેતો આપે છે ફિઝિકલ, ઇમોશનલ, કૉગ્નિટિવ અને બિહેવ્યરલ લેવલ પર; પરંતુ આપણે એને સામાન્ય માથાનો દુખાવો, થાક, ચીડિયાપણું કે ઓવરથિન્કિંગ કહીને અવગણીએ છીએ. આજે આપણે નિષ્ણાતો પાસેથી અલગ-અલગ લેવલ પર દેખાતા સ્ટ્રેસના સંકેતો વિશે અને એને મૅનેજ કરવા શું કરી શકાય એ વિશે વાત કરીએ.



ફિઝિકલ સાઇન્સ


લાંબા સમય સુધી ચાલનારું સ્ટ્રેસ અચાનક નથી આવતું, ધીરે-ધીરે શરીરમાં દેખાવા લાગે છે. આ વિશે માહિતી આપતાં જનરલ ફિઝિશ્યન ડૉ.એકતા ગાલા કહે છે, ‘શરૂઆત સામાન્ય રીતે માથાના દુખાવા અને શરીરના દુખાવાથી થાય છે. ઑફિસ, ઘર અથવા જવાબદારીઓના દબાવમાં રહેનારા લોકોની એવી ફરિયાદ રહેતી હોય છે કે માથું ભારે રહે છે, ડોક અને ખભા જકડાયેલા રહે છે અથવા કોઈ સ્પષ્ટ કારણ વગર પૂરા શરીરમાં દુખાવાનો અનુભવ થાય છે. આ સામાન્ય વાત સ્ટ્રેસનો સંકેત હોઈ શકે છે. સાથે જ થાક સતત બનેલો રહે છે. ભલે ગમેએટલી ઊંઘ લઈ લો તેમ છતાં દિવસભર ઊર્જાની કમી લાગે છે. સવારે ઊઠતાંવેંત જ થાકનો અનુભવ થાય છે. આ સ્ટ્રેસ આગળ જઈને ઊંઘની સમસ્યા બની જાય છે. કોઈને ઊંઘ મોડેથી આવે છે, કોઈની વચ્ચે-વચ્ચે ઊંઘ તૂટી જાય તો કોઈ પૂરી રાત ઊંઘ્યા પછી પણ તાજગીનો અનુભવ કરતું નથી. સ્ટ્રેસની સીધી અસર પાચનતંત્ર પર પણ પડે છે. કેટલાક લોકો એને ઍસિડિટી અને ગૅસનો પ્રૉબ્લેમ સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે પણ પેટમાં દુખાવો, ડાયેરિયા, કબજિયાત જેવી સમસ્યા માનસિક દબાવથી પણ જોડાયેલી હોય છે. શરીર અને દિમાગનું આ કનેક્શન બહુ ઊંડું હોય છે.

લાંબા સમય સુધી સ્ટ્રેસમાં રહેવાથી


હૃદય-સંબંધિત ફરિયાદો પણ સામે આવવા લાગે છે; જેમ કે હાર્ટબીટ વધી જવી, ગભરામણ, છાતીમાં ભારે લાગવું અથવા બ્લડપ્રેશર વધી જવું. સ્ટ્રેસ 
ઇમ્યુનિટી-સિસ્ટમને પણ નબળી પાડી દે છે, જેનાથી વારંવાર શરદી-ઊધરસ અથવા ઇન્ફેક્શન થવા લાગે છે અને શરીર જલદી રિકવર થઈ શકતું નથી. એ સિવાય પણ કેટલાક બદલાવ જોવા મળે છે જેમ કે વધુપડતો પરસેવો વળવો, ત્વચા-સંબંધિત સમસ્યા થવી અને મહિલાઓમાં પિરિયડ્સનું અનિયિમત થવું.’

ઇમોશનલ સાઇન્સ

ક્રૉનિક સ્ટ્રેસ ફક્ત શરીર પર નહીં, ભાવનાઓ પર પણ ઊંડી અસર કરે છે. આ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ મિતી મહેતા કહે છે, ‘સૌથી પહેલો આનો સંકેત ચીડિયાપણું અને મૂડ-સ્વિંગ્સના રૂપમાં દેખાય છે. નાની-નાની વાતો પર ગુસ્સો આવી જવો, એક વસ્તુનો ગુસ્સો બીજી વસ્તુ પર કાઢવો અથવા કોઈ સ્પષ્ટ કારણ વગર ઉદાસ થઈ જવું. આ બધી વસ્તુને આપણે થાક કહીને ટાળી દઈએ છીએ, પણ એની પાછળ લાંબા સમયથી જમા થયેલો માનસિક દબાવ હોય છે. આ સાથે જ ઍન્ગ્ઝાયટી પણ વધવા લાગે છે. મનમાં સતત બેચેની રહે છે. ક્રૉનિક સ્ટ્રેસની એક મોટી ઓળખ છે આરામ ન કરી શકવો. ભલે રજા હોય, ઘરમાં સમય હોય કે બધું ઠીકઠાક ચાલી રહ્યું હોય તેમ છતાં દિમાગ બંધ જ નથી થતું. વ્યક્તિ ફિઝિકલી બેઠી હોય છે, પણ મેન્ટલી હંમેશાં કોઈ ને કોઈ ચિંતામાં અટવાયેલી હોય છે. સમય સાથે એની અસર ઇન્ટિમસી અને સેક્સ-ડ્રાઇવ પર પણ પડે છે. તનાવને કારણે શરીર અને મન બન્ને થાકી જાય છે, જેથી ઇચ્છામાં કમી આવી શકે છે. લોકો આ બદલાવને નજરઅંદાજ કરી દે છે અથવા પોતાને દોષ આપવા લાગે છે, જ્યારે વાસ્તિવક કારણ ક્રૉનિક સ્ટ્રેસ હોય છે.’

કૉગ્નિટિવ સાઇન્સ

કૉગ્નિટિવ એટલે કે માનસિક ચિહ્‌નો વિશે વાત કરતાં મિતી મહેતા કહે છે, ‘સૌથી સામાન્ય સંકેત છે કૉન્સન્ટ્રેશનનો પ્રૉબ્લેમ. વ્યક્તિ કામ પર ફોકસ કરી શકતી નથી. વારંવાર તેનું ધ્યાન ભટકી જાય છે. સાથે જ મેમરી સાથે જોડાયેલી સમસ્યા પણ થાય છે. રોજબરોજની વાતો ભૂલી જવી, વસ્તુઓ ક્યાં રાખી છે એ ભૂલી જવું. આ સ્ટ્રેસની અસર હોઈ શકે છે, ઉંમર કે બેદરકારી નહીં. વધુ એક મોટો સંકેત સતત ચિંતા રહેવી. કોઈ ખાસ કારણ વગર મનમાં ડર અને શંકા રહે છે, જેમ કે કંઈ ખોટું થવાનું છે. આ ચિંતા દિમાગને શાંત રહેવા દેતી નથી. વ્યક્તિ દરેક સ્થિતિમાં વર્સ્ટ-કેસ સિનારિયો વિચારવા લાગે છે. તનાવને કારણે દિમાગમાં એકસાથે એટલા વિચારો ઘૂમરાયા કરે કે વ્યક્તિ મેન્ટલી એક્ઝૉસ્ટેડ ફીલ કરે છે. ધીરે-ધીરે નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. સાધારણ નિર્ણયો કરવામાં પણ ગૂંચવણ લાગે. ઉકેલ લાવવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે. તનાવ વ્યક્તિના દૃષ્ટિકોણને પણ બદલી નાખે છે. નકારાત્મક વિચાર હાવી થવા લાગે છે. જે વાતો પહેલાં આનંદ અને ખુશી આપતી હતી એ બેઅસર લાગે. હ્યુમર અને ખુશી અનુભવવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. એને કારણે જીવન ફીકું લાગવા લાગે છે.’

બિહેવ્યરલ સાઇન્સ

તનાવ લાંબા સમય સુધી બનેલો રહે તો એની અસર આપણા વ્યવહારમાં સાફ દેખાવા લાગે છે એમ કહેતાં મિતી મહેતા સમજાવે છે, ‘કોઈ વ્યક્તિ જરૂરિયાતથી વધારે ખાવાનું શરૂ કરી દે છે તો કોઈનો ખોરાક સાવ ઘટી જાય છે. કોઈને દર વખતે ઊંઘ જ આવતી રહેતી હોય તો કોઈ રાત્રે પણ પડખાંઓ ફેરવ્યા કરતું હોય. ઘણી વાર લોકો સ્ટ્રેસથી બચવા માટે સિગારેટ, દારૂ કે કોઈ બીજી વસ્તુ પર નિર્ભર રહેવા લાગે છે. તનાવનો એક સામાન્ય સંકેત આ પણ હોય જેમ કે નખ ચાવવા, દાંતો ભીંસવા, પગ હલાવતા રહેવા. આ બધી શરીરની એ પ્રતિક્રિયા હોય છે જે અંદર ચાલી રહેલી બેચેનીને બહાર દેખાડે છે. ધીરે-ધીરે વ્યક્તિ લોકો સાથે હળવામળવાનું ઓછું કરી દે, કૉલ પર વાત કરવાનું ટાળે. તેમને ઘરની બહાર નીકળવાનું મન ન થાય. તે ઍક્ટિવિટીઝ કરવાનું બંધ કરી દે જેનાથી તેને આનંદ મળતો હોય. આ એકલતા નહીં પણ માનિસક થાકનો સંકેત છે. સ્ટ્રેસને કારણે કામને ટાળવાનું અથવા જવાબદારીની અવગણના પણ થવા લાગે છે. જરૂરી કામ આવતી કાલના ભરોસે છોડી દેવું, નાના ટાસ્ક કરવાનું પણ ભારે લાગવું આ બધું દિમાગના ઓવરલોડ થવાનું લક્ષણ છે.’

આ બધું કેમ થાય છે?

જ્યારે ડેઇલી સ્ટ્રેસ રહે છે ત્યારે બૉડીની અંદર કેમિકલ અને હૉર્મોનલ બદલાવ થાય છે એ વિશે ડૉ.એકતા ગાલા કહે છે, ‘સ્ટ્રેસ-હૉર્મોન્સ વધી જાય છે. એને કારણે હાર્ટબીટ વધી જાય, બ્લડપ્રેશર વધી જાય, બૉડી હંમેશાં અલર્ટ મોડ પર રહે અને રિલૅક્સ થવાનું મુશ્કેલ બની જાય છે. નર્વસ સિસ્ટમ બૅલૅન્સ બગડી જાય છે. બૉડીનો ફાઇટ ઑર ફ્લાઇટ મોડ ઑન જ રહે છે. એને કારણે ઊંઘ પૂરી નથી થતી, આરામ કર્યા બાદ પણ થાક લાગે, નાની-નાની વાતો પર ઓવરરીઍક્ટ કરવા લાગે. બૉડીની અંદર સોજો વધી જાય છે. એને કારણે સાંધામાં દુખાવો, માથામાં દુખાવો, ગટ-ઇશ્યુઝ, હાર્ટ-પ્રૉબ્લેમ વધી જાય છે. હૅપી હૉર્મોન ઓછાં થઈ જાય. એને કારણે કશું જ ન ગમે, મોટિવેશન ફીલ ન થાય.’

સૉલ્યુશન શું?

બન્ને નિષ્ણાતોનું માનવું છે કે આપણા જીવનમાંથી સ્ટ્રેસને પૂરી રીતે ખતમ કરવાનું કદાચ સંભવ નથી, પણ એને મૅનેજ કરવાનું જરૂર શીખી શકાય છે. તેમનું કહેવું છે કે સૌથી જરૂરી છે શરીર અને દિમાગ બન્નેનું સાથે-સાથે ધ્યાન રાખવું. સૌથી પહેલાં ફિઝિકલ ઍક્ટિવિટી શરૂ કરવી. વૉકિંગ, એક્સરસાઇઝ, યોગ કરવાથી શરીરમાં જમા ટેન્શન બહાર નીકળે છે અને મૂડ સારો થાય છે. આનાથી દિમાગમાં એવાં હૉર્મોન રિલીઝ થાય છે જે નૅચરલી સારો અનુભવ કરાવે. રિલૅક્સેશન ટેક્નિક્સ પણ ખૂબ અસરકારક હોય છે. ઊંડા શ્વાસ લેવા, ધ્યાન કરવું, શાંત મ્યુઝિક સાંભળવું આ બધું નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરે છે. ઘણી વાર દિવસમાં ૧૦ મિનિટનો બ્રેક પણ દિમાગને રીસેટ કરી દે છે. એક હેલ્ધી લાઇફસ્ટાઇલ સ્ટ્રેસને મૅનેજ કરવાનું ફાઉન્ડેશન છે.

સંતુલિત આહાર લેવો, પૂરતી ઊંઘ કરવી, જન્ક ફૂડથી દૂર રહેવું, વ્યસનોથી બચવું આ બધી વસ્તુ પણ શરીરની સ્ટ્રેસ સહેવાની ક્ષમતા વધારી દે છે. દૈનિક જીવનમાં ઊંઘની કમી સ્ટ્રેસને અનેકગણું વધારી શકે છે. સોશ્યલ કનેક્શન પણ એટલું જ જરૂરી છે. પરિવારના સભ્યો અને મિત્રો સાથે સમય વિતાવવો, ખૂલીને વાત કરવી આ બધી વસ્તુ તમને અનુભવ કરાવે છે કે તમે એકલા નથી. ઘણી વાર મનની વાત કહી દેવાથી પણ ઘણો બોજ ઓછો થઈ જતો હોય છે. સ્ટ્રેસ ઓછું કરવા માટે ટાઇમ-મૅનેજમેન્ટ અને હૉબીને પણ સ્થાન આપવું જરૂરી છે. પોતાની પસંદની વસ્તુઓ કરવા માટે સમય કાઢતાં શીખો. જરૂર પડવા પર કોઈ કામ માટે ના કહેતાં શીખો. માનસિક સંતુલન બનાવી રાખવા માટે ઓવરલોડ લેવાથી બચવું પણ જરૂરી છે. સ્ટ્રેસને લિમિટ કરવું પણ જરૂરી છે. સતત નેગેટિવ ખબરો જોવી, પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે સંતુલન ન હોવું, આ બધું તનાવ વધારે છે. સૌથી મહત્ત્વનું એ કે જો તમને લાગે કે સ્ટ્રેસ કાબૂથી બહાર જઈ રહ્યું છે તો સપોર્ટ લેવાથી ખચકાઓ નહીં. કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે વાત કરો અથવા હેલ્થકૅર પ્રોફેશનલની મદદ લો. 

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2025 01:29 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK