સામાન્ય રીતે આવા કેસમાં સ્ત્રીને કોઈ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ હોઈ શકે છે. તમને થાયરૉઇડ છે કે નહીં એ ચકાસવું જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
હું ૩૩ વર્ષની છું. ૬ મહિના પહેલાં મને કેમિકલ પ્રેગ્નન્સી રહી હતી. હું પ્રેગ્નન્ટ તો થઈ એની જાણના બે દિવસ પછી એટલે કે પાંચમા અઠવાડિયે મને બ્લીડિંગ થયું અને ટેસ્ટ કરાવી ત્યારે સમજાયું કે હું પ્રેગ્નન્ટ તો હતી, પરંતુ બાળક બચ્યું નહીં. હાલમાં મારા પિરિયડ્સ ફરી ત્રણ દિવસ ડીલે થયા છે. બીટા HCG ટેસ્ટ કરાવી, પણ એનો આંક ૧૭ આવ્યો છે. આ પાંચમું અઠવાડિયું ચાલી રહ્યું છે. કાલે થોડુંક બ્લડ પણ આવ્યું હતું, પણ પછી કશું થયું નથી. શું હું પ્રેગ્નન્ટ છું? આ પણ કેમિકલ પ્રેગ્નન્સી જ છે શું? આવું કેમ થઈ રહ્યું છે?
ટેસ્ટ પરથી જાણી શકાય છે કે તમને ફરીથી કેમિકલ પ્રેગ્નન્સી હોવાની જ શક્યતા છે. ૨-૩ દિવસમાં તમને કદાચ પિરિયડ્સ આવી જાય. હા, એવી શક્યતા પણ હોઈ શકે છે કે કેમિકલ પ્રેગ્નન્સી જ હતી અને ફરી વખત પિરિયડ્સ આવી ગયા. કેમિકલ પ્રેગ્નન્સી એટલે ફર્ટિલાઇઝેશન થાય છે. એગ એટલે કે તમારું અંડકોષ અને સ્પર્મનો મિલાપ થાય છે, જેને ફલીતાંડ કહેવાય, પણ કઈક કારણસર હૉર્મોન્સ વધતાં નથી. એક ફ્લીતાંડને મોટું થવા માટે જે પ્રકારનાં હૉર્મોન્સ જોઈએ, જે વાતાવરણ જોઈએ એ મળતું નથી એટલે તરત એ તૂટી જાય છે અને પિરિયડ્સ ચાલુ થઈ જાય છે. વારંવાર જો આ પરિસ્થિતિ ઊભી થાય છે તો સ્ત્રી અને પુરુષ બન્નેના અમુક પ્રકારના ચેક-અપ જરૂરી છે.
સામાન્ય રીતે આવા કેસમાં સ્ત્રીને કોઈ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ હોઈ શકે છે. તમને થાયરૉઇડ છે કે નહીં એ ચકાસવું જરૂરી છે. તમને ઑટો ઇમ્યુન ડિસીઝ છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે. આ પ્રકારના ડિસીઝને ને કારણે શરીર પ્રેગ્નન્સી સ્વીકારી નથી રહ્યું એવું પણ બને. આ સિવાય ઘણી વખત એવું થાય છે કે એગ કે સ્પર્મની ગુણવત્તા સારી ન હોય. આ માટેની ટેસ્ટ પણ કરાવવી પડે. બને કે બન્ને સારા હોય, પરંતુ જ્યારે એ મળે છે અને એને કારણે જે DNA ફૉર્મ થાય છે એ બરાબર ન હોય તો પણ પ્રેગ્નન્સી ટકતી નથી. હૉર્મોનલ પ્રોફાઇલ, હિમોગ્લોબિન, APLA કરીને એક ટેસ્ટ છે એ, પતિ અને પત્નીનો કેરિયો ટાઇપિંગ પણ કરાવવું જરૂરી છે. આ સિવાય ઍન્ટિ-સ્પર્મ ઍન્ટિ-બોડીઝ માટેની પણ એક ટેસ્ટ છે, એ પણ કરાવી લો. એના પછી જ હવે પ્રેગ્નન્સી માટે કોશિશ કરજો. બીજું એ કે જલદી હતાશ થઈ ન જાઓ. ટેસ્ટ કરાવવી જરૂરી છે. આવું શું કામ થાય છે એનું કારણ જાણ્યા પછી તમે આગળ વધો એ ઇચ્છનીય છે.

