Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પેરન્ટ્સની મિડલાઇફ ક્રાઇસિસ બાળકોની મેન્ટલ હેલ્થને ડિસ્ટર્બ કરી શકે?

પેરન્ટ્સની મિડલાઇફ ક્રાઇસિસ બાળકોની મેન્ટલ હેલ્થને ડિસ્ટર્બ કરી શકે?

17 March, 2023 06:49 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

જવાબ છે યસ. આજકાલ સ્ટુડન્ટ્સના અટેન્શન પ્રૉબ્લેમ, મૂડ સ્વિંગ્સ, ઇરિટેશન, અગ્રેશન જેવા પ્રૉબ્લેમ્સ પાછળ મિડલાઇફ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહેલા પેરન્ટ્સનું ગેરવાજબી બિહેવિયર પણ કારણ હોઈ શકે એવું ઘણા નિષ્ણાતો માને છે. તમામ પેરન્ટ્સ માટે ઉપયોગી થશે આ લેખ

પ્રતીકાત્મક તસવીર

સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


પેરન્ટિંગ જૉબ આજના સમયમાં સૌથી ડિફિકલ્ટ બનતી જાય છે. દરેક મા-બાપ માટે બદલાઈ રહેલા માહોલ વચ્ચે તેમનાં સંતાનો દ્વારા કરવામાં આવતા વ્યવહાર અને તેમને પોતાની વાત સમજાવવામાં સહેવી પડતી અક્ષમતા વિકટ પ્રશ્ન બનતો જાય છે ત્યારે કેટલાક રિસર્ચરો આજના યંગસ્ટર્સના મૂડ સ્વિંગ્સ અને તેમની મેન્ટલ હેલ્થને ગંભીરતા સાથે લે છે અને એ દિશામાં શું કરી શકાય એની પણ ચર્ચા કરે છે. જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે પેરન્ટ્સની મિડલાઇફ ક્રાઇસિસ ઘણી વાર બાળકોની મેન્ટલ હેલ્થને ડિસ્ટર્બ કરવાનું કામ કરી શકે એવું ઘણા અગ્રણી રિસર્ચરો કહી રહ્યા છે. ચાઇલ્ડ સાઇકોલૉજીના અભ્યાસુઓ આ વાત સ્વીકારે છે કે પેરન્ટ્સ અને બાળકો બન્ને માટે આ કટોકટીનો સમય હોય છે. લગભગ ૩૫થી પ૦ વર્ષનો તબક્કો જનરલી મિડલાઇફનો ગાળો હોય છે. આ એ જ સમય હોય છે જ્યાં મોટા ભાગે તેમનાં સંતાનોની ઉંમર ટીનેજની હોય છે. એટલે બે રીતે આખી પરિસ્થિતિને હૅન્ડલ કરવાનું અઘરું બનતું હોય છે.

ડિફિકલ્ટ ટાઇમ    



એક વાત સમજવી જરૂરી છે કે બાળકોની મેન્ટલ હેલ્થ પર ઘરના માહોલની બહુ જ ઊંડી અસર પડતી હોય છે. ૧૪ વર્ષથી ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ તરીકે સક્રિય એકતા ધારિયા ગોસાલિયા કહે છે, ‘યસ, ઓવરઑલ ફૅમિલીનું ક્લાઇમેટ કેવું છે એ ટીને‍જમાં રહેલાં બાળકો માટે ખૂબ મૅટર કરતું હોય છે અને એટલે જ પેરન્ટ્સ પોતાની મિડલાઇફ ક્રાઇસિસને કારણે જે વર્તણૂક અજાણતાં જ કરી બેસતા હોય છે એ અલ્ટિમેટલી તો બાળકોની મેન્ટલ હેલ્થને ડિસ્ટર્બ કરે છે. ઑલરેડી ટીનેજનો ફેઝ એવો હોય જેમાં હૉર્મોન્સ, સોશ્યલ મીડિયા, પિઅર પ્રેશર જેવી બાબતો ખૂબ મેજર ભૂમિકા ભજવતી હોય, ઇમોશનલ અસ્થિરતા હોય ત્યારે તેમની નિર્ણયક્ષમતા, સમજણશક્તિ વગેરેને અસર પડતી જ હોય છે. અમુક ઇમોશનલ ડિસ્ટર્બન્સને તેઓ પોતે પણ સમજી નથી શકતા કે આવું કેમ થાય છે પરંતુ એવા સમયે જો સ્ટ્રૉન્ગ પેરન્ટ્સ તેમને હૅન્ડલ કરી લે તો આ ફેઝ બહુ જ સરળતાથી પસાર થઈ જાય છે.’


બાવાના બેઉ બગડે

સામાન્ય રીતે બાળક બાર વર્ષથી સત્તર વર્ષ સુધીનું હોય ત્યારે તેના પેરન્ટ્સની એજ પણ પાંત્રીસથી પચાસની વચ્ચે હોય છે. એકતા કહે છે, ‘પેરન્ટ્સ માટે આ મિડલાઇફ ટાઇમ છે. બાળક મોટું થઈ રહ્યું છે. તેમની પોતાની જવાબદારીઓમાં કેટલાક નોંધનીય ઉમેરા થવાના છે એની માનસિક તૈયારી પેરન્ટ્સે કરવાની હોય છે અને એટલે જ તેમના માટે એક જુદા સ્તરનું સ્ટ્રેસ હોય છે. બીજું, મિડલાઇફમાં હવે પોતે પણ બુઢાપાની દિશામાં આગળ વધી રહ્યાનો અજંપો, હવે શું, આગળ કેવી રીતે વધીશું, કેવી રીતે બધા જ પ્રકારના સમયને પહોંચી વળીશું જેવા 
વિચારો પણ તેમના મનને કોરી ખાતા હોય છે. યુવાની પૂરી થઈ અને બુઢાપાનો રંગ ચડશે એની ઇન્ડાયરેક્ટ અસર મન પર પડતી હોય છે. એવા સમયે બાળક જો તેમની અપેક્ષા મુજબનું બિહેવ ન‍ કરે તો તેમનું બધું જ ફ્રસ્ટ્રેશન બાળક પર નીકળી જતું હોય છે અને એની લૉન્ગ લાસ્ટિંગ ઇફેક્ટ બાળકની મેન્ટલ હેલ્થ પર પણ પડતી હોય છે.’


કેટલાંક લક્ષણો

મેન્ટલ હેલ્થને સમજવા માટે કેટલાક દાખલાઓ શૅર કરતાં એકતાબહેન કહે છે, ‘એક કપલ પોતાના બાળકને લઈને અમારી પાસે આવેલું. એક સમયમાં ભણવામાં ખૂબ જ બ્રાઇટ તેમની દીકરીએ અચાનક ભણવાનું જાણે બંધ જ કરી દીધું. બોલકણી અને ચુલબુલી છોકરી એકદમ અપસેટ થઈ ગઈ. ઘરમાં પેરન્ટ્સ આપસમાં ઝઘડતા અને પૈસાને લઈને તેમની વચ્ચે થતી ખટપટમાં ક્યારેક તેમની દીકરી પણ અડફેટે ચડી જતી. અમારા આટલા પૈસા નહીં બગાડ, તું તો માથે પડેલી છે, તારા કરતાં તો ફલાણી છોકરી સારી, તને તો કોઈની કદર નથી જેવા પેરન્ટ્સના શબ્દોએ તેને ઘરમાં એકલી પાડી દીધેલી તો બીજી બાજુ બહાર પણ બૉડી શેમિંગને કારણે તે ડિસ્ટર્બ્ડ હતી. તેના ફ્રેન્ડ્સ તેને પાતળી હોવાને કારણે ખૂબ ચીડવતા. તું તો હૅન્ગર પર કપડાં લટકાવ્યાં હોય એવી લાગે છે અને સુકલકડી છે જેવા શબ્દોએ તેનામાં વિડ્રોઅલ સિન્ડ્રૉમ જેવી સ્થિતિ બનાવી દીધી હતી. શરૂઆતમાં પેરન્ટ્સે નજર લાગી ગઈ છે એમ વિચારીને એકાદ મહિનો તો મીઠું ઉતારવાના અને લીંબુ ફેરવીને નાખવાના કેટલાક પ્રયોગો કર્યા પણ કોઈ ફરક ન પડ્યો. તેના ફૅમિલી ડૉક્ટરે બ્લડ રિપોર્ટ કરાવ્યા તો એ પણ નૉર્મલ હતા. છેલ્લે ડૉક્ટરે સાઇકોલૉજિસ્ટ હેલ્પ લેવાનું સૂચન કર્યું ત્યારે કેસ અમારી પાસે પહોંચ્યો. તેના ઇનિશ્યલ સાઇકોલૉજિકલ ટેસ્ટિંગમાં પિઅર પ્રેશર અને પેરન્ટ્સના શબ્દોની અસર તેના બિહેવિ‍યર પર પડી છે એવી ખબર પડતાં પેરન્ટ્સને બદલવાનું સૂચન કર્યું. ફૅમિલી કાઉન્સેલિંગ પછી ધીમે-ધીમે તેની સેલ્ફ-એસ્ટીમ પણ વધારતા ગયા અને તે પોતાની ઓરિજિનલ સ્ટેટમાં આવતી ગઈ. ઘણી વાર પેરન્ટ્સ એવું બોલતા હોય કે બાળક અમારી પાસે આવીને એવું પણ બોલી જાય છે કે મારો ખર્ચો તેમને ભારે પડતો હતો તો મને પેદા જ કેમ કર્યો? આમાં પેરન્ટ્સ અને કિડ્સ બન્નેને કાઉન્સેલિંગની જરૂર હોય છે.’

આ પણ વાંચો: પથારીવશ હોય એવા લોકો પણ કરી શકે એવા યોગાભ્યાસ વિશે વાત કરીએ આજે

વિટામિન્સ ડેફિશિયન્સી

યંગસ્ટર્સમાં બિહેવિયરલ ચેન્જિસનું વધુ એક કારણ જણાવતાં સાઇકોલૉજિસ્ટ એકતા ધારિયા-ગોસાલિયા કહે છે, ‘અમારી પાસે ઘણા એવા કેસ આવે છે જેમાં ક્લિનિકલ ડાયગ્નોસિસમાં વિટામિન બી ૧૨ અથવા તો વિટામિન ડી૩ની કમી હોય. જનરલી બીજા કોઈ હેલ્થ ઇશ્યુ ન હોવાને કારણે પંદર-સત્તર વર્ષના વિદ્યાર્થીઓને એનું ચેકઅપ કરવાનું ન બને, પણ એની કમી માનસિક રીતે ટીનેજરોમાં તેમની ખરાબ ઈટિંગ હૅબિટ્સને કારણે વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે.’

આટલું યાદ રાખજો

 મિડલાઇફ ક્રાઇસિસ પણ જીવનનો એક તબક્કો છે એટલે દરેક વ્યક્તિ એનાથી અવેર રહે અને એના માટેનું કોપ અપ મેકૅનિઝમ ડેવલપ કરે અને ધારો કે એ જાતે શક્ય ન બનતું હોય તો કોઈ કાઉન્સેલરની મદદ લે એ પેરન્ટ્સ તરીકે તેમનાં સંતાનો માટે હિતકારી બનશે. 

 તમારું ફ્રસ્ટ્રેશન અનાયાસ તમારા બાળક પર તો નથી નીકળતુંને એ ચેક કરતાં રહેજો. હવે જ્યારે ફૅમિલીઝ ન્યુક્લિયર થતી જાય છે ત્યારે તો ખાસ એ કાળજી રાખવાની જરૂર છે કે તમે બાળકની સામે ઝઘડતાં ન હો, એકબીજાનું ઇન્સલ્ટ ન કરતાં હો કે પૈસાને લગતી મેજર ડીટેલમાં ચર્ચા બાળક સામે ન કરતાં હો. 

 ઘણી વાર એક્સ્ટ્રામૅરિટલ અફેરમાં પણ પેરન્ટ્સ વચ્ચે ચાલતી ખટપટ બાળકની મેન્ટલ હેલ્થને ડિસ્ટર્બ કરનારી હોય છે. ઘણી વાર મમ્મીઓ બાળક સાથે તેના પિતાના અફેરની ચર્ચા કરતી હોય છે. કદાચ આવું કહીને તમે અંદરથી હળવાં થતાં હશો પણ બાળક એને નૉર્મલી નથી લેતું. બાળક એને ખૂબ જ ઇમોશનલી જોતું હોય છે. આ નાજુ‍ક સમય છે તમારા બાળક માટે, એવા સમયે જો તમે પ્રેમ નહીં આપો તો તે બહાર શોધશે અને ખોટી દિશામાં ખેંચાઈ જશે. ડ્રગ્સ, આલ્કોહૉલ, સિગારેટ્સ જેવી આદતો તરફ પણ તે આ જ ગાળામાં ખેંચાઈ જતાં હોય છે.

 બાળકની સાથે અઠવાડિયામાં ત્રણ કલાક કૅઝ્યુઅલ વાતો માટે સ્પેન્ડ થવા જોઈએ. આ ત્રણ કલાક દરમ્યાન ભણવાની કે કરીઅરની કોઈ વાતો નહીં પણ તેને ગમતી વાતો, તેના ફ્રેન્ડ્સની વાતો, તેના મનમાં શું ચાલી રહ્યું છે એની વાતો હોવી જોઈએ. બાળક તમારી સામે ખૂલે એ જરૂરી છે. 

 ઘણા પેરન્ટ્સ બાળક સાથે એ રૅપો બિલ્ડ નથી કરી શકતા એવા સમયે વિના સંકોચે પ્રોફેશનલ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટની મદદ લો. તમારા બાળકના મનમાં ચાલી રહેલી ગડમથલ તે પોતાનાથી કોઈ મોટી વ્યક્તિ સાથે શૅર કરે એ ખૂબ જરૂરી છે. તમે કે તમારા પરિવારના અન્ય વડીલ ન કરી શકે એ તો પ્રોફેશનલ હેલ્પથી ખરેખર તે જીવનના ઘણા ખોટા નિર્ણયો લેતાં અટકી જશે. 

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 06:49 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK