આજે વર્લ્ડ અલ્ઝાઇમર્સ ડે નિમિત્તે સમજીએ કે હકીકતમાં કોવિડ તો લગભગ બધાને જ થયો છે એ પરિસ્થિતિમાં વૃદ્ધોને અસર કરતા આ રોગ વિશે કેટલા ગંભીર થવાની જરૂર છે

પ્રતીકાત્મક તસવીર
હાલમાં થયેલા એક રિસર્ચમાં કોરોના જેને થયો છે એવી ૬૫થી વધુ ઉંમરની વ્યક્તિને અલ્ઝાઇમર્સ થવાની શક્યતા ઘણી વધારે છે એવું કહેવાયું છે. આજે વર્લ્ડ અલ્ઝાઇમર્સ ડે નિમિત્તે સમજીએ કે હકીકતમાં કોવિડ તો લગભગ બધાને જ થયો છે એ પરિસ્થિતિમાં વૃદ્ધોને અસર કરતા આ રોગ વિશે કેટલા ગંભીર થવાની જરૂર છે
જિગીષા જૈન
jigisha.jain@mid-day.com
ADVERTISEMENT
આમ તો આખો સપ્ટેમ્બર મહિનો અલ્ઝાઇમર્સ મન્થ તરીકે ઊજવાય છે. વૃદ્ધાવસ્થા સાથે ઘણા રોગ પોતાની મેળે આવી જાય છે. આવા રોગોમાં જેનો સમાવેશ થાય છે તવો એક રોગ અલ્ઝાઇમર્સ ડિસીઝ છે. જે એક પ્રકારનું સૌથી વધુ જોવા મળતું ડિમેન્શિયા છે, જેમાં મોટા ભાગે વ્યક્તિની યાદશક્તિ ઉંમર મુજબ ધીમે-ધીમે અત્યંત ક્ષીણ થતી જાય છે અને સામાન્ય રોજબરોજનાં કામ કે પોતાની જરૂરિયાત પૂરતાં કામ કરવાને પણ તે માનસિક રીતે ખૂબ નબળા પડતા જાય છે. દુનિયામાં આ રોગ બહોળા પ્રમાણમાં વ્યાપ્ત છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા મુજબ ખાસ કરીને ૬૫ વર્ષની ઉંમરના ૫થી ૮ ટકા લોકોમાં આ રોગ જોવા મળે છે જે ઉંમર વધતાં ૭૫ વર્ષે ૧૫-૨૦ ટકા લોકોમાં અને ૮૫ વર્ષે ૨૫ થી ૫૦ ટકા લોકોમાં જોવા મળે છે. આમ જોવા જઈએ તો ૬૦ વર્ષથી ઉપરના લોકોમાં ૫૦-૭૫ ટકા લોકો આ રોગથી પીડાય છે.
કોવિડ અને અલ્ઝાઇમર્સ
હાલમાં ‘કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસીન’ના એક નવા રિચર્ચ દરમ્યાન વૈજ્ઞાનિકોને કોવિડ-19 અને અલ્ઝાઇમર્સ ડિસીઝ વચ્ચેનો કોઈ સંબંધ જાણવા મળ્યો છે. ૬૫ વર્ષથી ઉપરના લોકોમાં ઉંમરને કારણે અલ્ઝાઇમર્સ ડિસીઝનું રિસ્ક જોવા મળે છે, પરંતુ અલ્ઝાઇમર્સ ડિસીઝ નામના જર્નલમાં છપાયેલા આ રિસર્ચ મુજબ વૈજ્ઞાનિકોએ જોયું કે ૬૫ વર્ષથી ઉપરના જે લોકોને કોવિડ-19 થયો હતો તેમનામાં કોવિડ થયાના ૩૬૦ દિવસની અંદર જ અલ્ઝાઇમર્સનું નિદાન થવાનું રિસ્ક ઘણું વધારે હતું. આ રિસર્ચમાં ૬૫ વર્ષથી ઉપરના ૬.૨ મિલ્યન લોકોના મેડિકલ રેકૉર્ડની ફાઇલ તપાસવામાં આવી હતી, જેમાં જેમને કોવિડ થયો હતો તેઓમાંના ૦.૬૮ ટકા લોકોને અલ્ઝાઇમર્સ થયું હતું, જ્યારે જેમને કોવિડ નહોતો થયો તેમને અલ્ઝાઇમર્સનું નિદાન થવાની શક્યતા ૦.૩૫ ટકા હતી. એનો સીધો અર્થ એ થાય છે કે કોવિડ જેને થયો હતો એવા દરદીઓ પર અલ્ઝાઇમર્સનું રિસ્ક લગભગ બમણું હતું. એટલું જ નહીં, આ વૈજ્ઞાનિકોએ જોયું કે જે લોકો ૮૫થી વધુ ઉંમરના હતા તેમના પર અને સ્ત્રીઓ પર આ રિસ્કનું પ્રમાણ વધુ હતું. જોકે એ વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે આ સમયે એ કહેવું મુશ્કેલ છે કે કોવિડ-19ને લીધે એ ટ્રિગર થાય છે કે કોવિડ-19 અલ્ઝાઇમર્સ થવાની પ્રોસેસને એ ઝડપી બનાવે છે.
બન્ને રોગ વ્યાપક છે
એક રીતે જોવા જઈએ તો દુનિયામાં દરેક વ્યક્તિને કોવિડ-19 થઈ જ ગયો છે એમ માનીને ચાલી શકાય. ઊલટું જો કોવિડ-19 કોઈને ન થયો હોય તો એને માટે તકલીફની બાબત કહી શકાય. હા, કોરોના આવ્યો ત્યારથી એ વૃદ્ધ લોકો માટે વધુ હાનિકારક સાબિત થયો છે અને દરેકને એ ડર હતો કે તાત્કાલિક અસર તો એની દેખાય જ છે, પરંતુ લૉન્ગ ટર્મ અસર શું હશે એ કહી ન શકાય. જે આ રિસર્ચ પરથી ખબર પડે છે કે લૉન્ગ ટર્મ અસર પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે, પરંતુ આ રિસર્ચ વિશે વાત કરતાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘કોવિડ અને અલ્ઝાઇમર્સ બન્ને ખૂબ જ કૉમન રોગ છે જે બહોળી માત્રામાં સમાજમાં જોવા મળે છે, જે રીતે ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર. ડાયાબિટીઝને કારણે બ્લડપ્રેશર થયું કે બ્લડપ્રેશરને કારણે ડાયાબિટીઝ થયું એવું સાબિત ન કરી શકાય. એ જ રીતે કોવિડ અલ્ઝાઇમર્સમાં ભાગ ભજવે જ છે એવું કહેવું મુશ્કેલ છે. એને માટે વધુ રિસર્ચની જરૂર પડવાની છે.’
વાઇરલ ઇન્ફેક્શન અને મગજ
કોવિડ એક વાઇરલ ઇન્ફેક્શન છે. એના પહેલાં પણ ઘણા ભયાનક વાઇરસ આવ્યા છે. તો શું એ વાઇરલ ઇન્ફેક્શનની અસર આજ પહેલાં અલ્ઝાઇમર્સ પર જોવા મળી હતી? આ પ્રશ્નનો જવાબ આપતાં ન્યુરોલૉજિસ્ટ અનુ અગ્રવાલ કહે છે, ‘અમુક વાઇરસ છે જે સીધા બ્રેઇન પર અટૅક કરે છે અને એને ડૅમેજ કરે છે. કોવિડ એવો વાઇરસ નથી. એ બ્રેઇન પર સીધો અટૅક કરતો નથી, પરંતુ અમુક પ્રકારના વાઇરલ ઇન્ફેક્શન એ શરીરમાં ઇન્ફ્લેમેશન પેદા કરે છે. ખાસ કરીને જે લોકો કોવિડને કારણે હૉસ્પિટલમાં દાખલ થયા છે અને જેમને કોમોર્બિડ કન્ડિશન હતી તેમને મગજમાં ઇન્ફ્લેમેશનની અસર હોય તો આવું થઈ શકે. આ સિવાય ઘણી વાર વાઇરલ ઇન્ફેક્શનમાં ઇમ્યુનિટી ઍક્ટિવ થવાને બદલે ઓવરઍક્ટિવ બની જાય છે, જે કોવિડ દરમ્યાન જોવા મળ્યું જેને લીધે મગજ પર અસર થાય એ શક્ય છે.’
ખાસ ઇલાજ નથી
આ રિસર્ચ દ્વારા વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે અલ્ઝાઇમર્સનો ઇલાજ આપણી પાસે છે નહીં અને જો વધુ ને વધુ લોકો આ લા-ઇલાજ બીમારીનો ભોગ બન્યા તો એ માટે આપણી પાસે હાલમાં કોઈ સોલ્યુશન છે નહીં. અલ્ઝાઇમર્સનો કેમ અકસીર ઇલાજ નથી એ સમજાવતાં કૉગ્નિટિવ અને બિહેવિયરલ ન્યુરોલૉજીના સ્પેશ્યલિસ્ટ કન્સલ્ટન્ટ ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘આ રોગ એક તો મગજનો રોગ છે જે ઉંમર સાથે આવે છે. સાયન્સ સાબિત કરી ચૂક્યું છે કે આ રોગની શરૂઆત માણસના મગજમાં એનું નિદાન થાય એનાં ૨૫ વર્ષ પહેલાં જ શરૂ થઈ જાય છે. હવે વિચારો કે ૨૫ વર્ષ પહેલાં જેની શરૂઆત થઈ ગઈ હોય એ રોગનો ઇલાજ કેટલો મુશ્કેલ હોઈ શકે. મગજનું એક પ્રકારનું ફૉર્મેશન જે વર્ષોથી ચાલુ થઈ ગયું છે એને દવાઓ દ્વારા બદલવું ઘણું અઘરું છે. વળી, એ જે બદલાવ આવે એને શરૂઆતથી જ પકડી લેવા પણ શક્ય નથી છતાં ઘણાં રિસર્ચ થઈ રહ્યાં છે અને આશા છે કે આપણને એનો કોઈ ઠોસ ઇલાજ મળશે. અત્યારે આપણી પાસે જે ઇલાજ છે એ દરદીને સપોર્ટ આપી શકે છે. એનાથી વધુ ખાસ કાંઈ કરી નથી શકતો.’
ભારતમાં નિદાન મોડું
અલ્ઝાઇમર્સ ડિસીઝ ત્રણ સ્ટેજમાં હોય છે - માઇલ્ડ, મોડરેટ અને સિવિયર. આ ત્રણેય સ્ટેજમાં ભારતમાં એનું નિદાન મોટા ભાગે સિવિયર સ્ટેજમાં જ થતું હોય છે. એની પાછળનું કારણ જણાવતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘ભારતમાં વૃદ્ધો પાસે ફૅમિલી સપોર્ટ છે. એટલે અમુક વસ્તુઓ એ ન કરી શકે તો પરિવારના લોકોને લાગે છે કે ઉંમર થઈ, એટલે હવે તેમનાથી નથી થતું. આમ, માઇલ્ડ અને મોડરેટ સ્ટેજમાં ખબર જ નથી પડતી. સિવિયર સ્ટેજ આવે એટલે ઘરના લોકોને લાગે કે હવે ડૉક્ટર પાસે જવું પડશે. જોકે આ રોગના નિદાન માટે થતું પેટ સ્કૅન પણ મોંઘું છે અને નિદાન પછી ઇલાજ માટે પણ અમારી પાસે એવું કાંઈ છે પણ નહીં જેનાથી અમે રોગનું પ્રોગ્રેશન પણ સ્લો કરી શકીએ. જો એક વખત ઇલાજ હાથમાં આવે તો જલદી નિદાન વિશે પણ કાંઈ કરી શકાય. બહારના દેશોમાં જલદી નિદાન એટલે થાય છે, કારણ કે ત્યાં વૃદ્ધો એકલા છે અને તેમણે જાતે દરેક કામ કરવાં પડે છે જેથી તેઓ જલદી ડૉક્ટર પાસે પહોંચે છે. આપણે ત્યાં એની જરૂર પડતી નથી.’
રોગને વધતો અટકાવી શકાય, મટાડી શકાય નહીં
ડૉ. અનુ અગ્રવાલ અને ડૉ. શિરીષ હસ્તક
વ્યક્તિની વિચારવાની અને તર્કની શક્તિ એટલી ઓછી થઈ જાય કે તેના નૉર્મલ રૂટીનમાં જરૂરિયાતનાં કામોમાં પણ અસર થવા માંડે તો એવા મગજના રોગને ડિમેન્શિયા કહે છે, જે સૌથી કૉમન પ્રકારનો ડિમેન્શિયા છે એ છે અલ્ઝાઇમર ડિસીઝ. અલ્ઝાઇમર એક ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર છે જેમાં મગજના કોષો મરતા જાય છે અને એ મરવાથી વ્યક્તિની યાદશક્તિ ધીમે-ધીમે ઘટતી જાય છે અને બાકીના માનસિક પ્રૉબ્લેમ્સ પણ શરૂ થઈ જાય છે. ખૂબ ધીમે-ધીમે આ રોગ ક્રમશઃ આગળ વધતો જાય છે અને સમગ્ર મગજની ક્ષમતાઓ ખોરવાઈ જતાં વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ રોગને થતો અટકાવવો પણ મુશ્કેલ છે અને રોગનો ઈલાજ પણ.
ડાયાબિટીઝને કારણે બ્લડપ્રેશર થયું કે બ્લડપ્રેશરને કારણે ડાયાબિટીઝ થયું એ કહી નથી શકાતું એમ કોવિડ અને અલ્ઝાઇમર્સ વચ્ચે સંબંધ બાંધવો અઘરો છે.

