શરીરને ઝડપથી હાઇડ્રેટ કરવા માટેનું કોઈ બેસ્ટ સૉલ્યુશન હોય તો એ ORS છે, પણ માર્કેટમાં આજકાલ ORSના નામે નકલી પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે. એટલે અસલી અને નકલી ORS વચ્ચેનો ફરક કઈ રીતે કરવો એ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
ગરમીમાં ORS એટલે કે ઓરલ રીહાઇડ્રેશન સૉલ્યુશનની ખાસ જરૂર પડે છે. પરસેવાને કારણે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ (સોડિયમ, પોટૅશિયમ)ની અછત સર્જાવા લાગે છે, જેને કારણે ડીહાઇડ્રેશન થાય છે. ડીહાઇડ્રેશનને કારણે નબળાઈ લાગે, સુસ્તી અને થાક લાગે, ચક્કર આવે, માથામાં તીવ્ર દુખાવો થાય. ORSમાં પાણી, ગ્લુકોઝ અને સોડિયમનું યોગ્ય મિશ્રણ હોય છે જે શરીરને ડીહાઇડ્રેશનથી બચાવે છે.
આજકાલ માર્કેટમાં નકલી ORS મોટા પ્રમાણમાં મળી રહ્યાં છે. નકલી ORS પાઉડર અને ડ્રિન્કના ફૉર્મમાં મળે છે. એમાં અસલી ORSની સરખામણીમાં શુગરનું પ્રમાણ વધુ અને સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. એને કારણે શરીરને હાઇડ્રેટ કરવામાં એ વધુ કામમાં આવતાં નથી. ઊલટાનું એને પીવાથી શરીરને નુકસાન થઈ શકે, કારણ કે એમાં શુગરનું પ્રમાણ હાઈ હોય છે.
ADVERTISEMENT
નકલી-અસલી વચ્ચે ફરક શું?
જે અસલી ORS હોય છે એના પૅકેટ પર લખેલું હોય છે કે આ પ્રોડક્ટ WHOની ફૉર્મ્યુલાના આધારે બનાવામાં આવી છે. અસલી ORS એક દવાના રૂપે વેચાય છે, જ્યારે નકલી ORS એક ફૂડ-પ્રોડક્ટના રૂપમાં વેચાય છે. એટલે ORS પ્રોડક્ટ પર FSSAIનો લોગો હોય તો સમજી જવાનું કે એ નકલી છે.
ઘરે પણ બનાવી શકાય
તમે ત્રણ સરળ સામગ્રીનો ઉપયોગ કરીને ઘરે પણ ORS બનાવી શકો. એ માટે ફક્ત પાણી, સાકર અને મીઠાની જરૂર પડે છે. સૌથી પહેલાં એક લિટર પાણી લો. એને સરખી રીતે ગરમ કરીને ઠંડું થવા દો. એ પછી એમાં છ ટીસ્પૂન સાકર નાખો અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું નાખો. પાણીમાં સાકર અને મીઠું સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી એને હલાવતા રહો. આ ORS સૉલ્યુશનને તમે થોડી-થોડી વારે પી શકો છો, જેથી તમારું શરીર હાઇડ્રેટેડ રહે. આ ORS સૉલ્યુશન ફક્ત ૨૪ કલાક માટે જ સારું રહે છે. એટલે તમારે એને દરરોજ ફ્રેશ બનાવતા રહેવું પડે.


